વિદ્યાર્થી નેતાઓએ સંચાલકોને સદબુદ્ધિ મળે તે માટે રામધૂન બોલાવી
સંચાલકોએ આચરેલી ગેરરીતિ મામલે આત્મીય સંકુલ ખાતે કોંગી આગેવાનોનું વિરોધ પ્રદર્શન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આત્મીય યુનિવર્સિટીના સંચાલક ત્યાગ વલ્લભ સ્વામી અને તેના મળતીયાઓ દ્વારા 33 કરોડની છેતરપિંડી પોલીસ કેસ નોંધાયા હોવાના મામલે હવે કોંગ્રેસ મેદાને આવ્યું છે. આજે વિદ્યાર્થીનેતાઓ અને કાર્યકરો આત્મીય યુનિવર્સિટીએ પહોંચી આશ્ર્યજનક કાર્યક્રમ કરી વિરોધ દર્શાવ્યો હતો. ઉલ્લેખનીય છે, જે યુનિવર્સિટીના સંચાલક અને તેના મળતિયાઓ દ્વારા ટ્રસ્ટનું ખોટું એકાઉન્ટ ખોલાવ્યા બાદ 33 કરોડ જેટલી રકમ ઉચાપાત કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા શિક્ષણજગતમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે. ગઈકાલે જ કોંગ્રેસના જ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી આ યુનિવર્સિટીને રાજ્ય સરકાર હસ્તગત કરી સંચાલન કરવા માંગ કરી હતી.
વિરોધ કરવા પહોંચેલા કાર્યકરોએ જણાવ્યું હતું કે, વિધાર્થીલક્ષી મુદાઓને ધ્યાનમાં આજે આ યુનિ. કેમ્પસનું ગંગાજળથી શુદ્ધિકરણ કરવા પહોંચ્યા છે. જે સાધુ સાધુવાદ ભૂલી સંપત્તિ પ્રેમી બની દાતાઓ આપેલા દાનની રકમને લોકકલ્યાણ અને શિક્ષણ કેળવણીમાં ઉપયોગ કરવાના બદલે પોતાના અંગત સ્વાર્થ માટે ઉપયોગમાં લેતા હોય તો તેનાથી શરમજનક વાત કોઈ ના હોય શકે! એક ધાર્મિક સંપ્રદાય કે જેનો હેતુ ગરીબ, મધ્યમ પરિવારનો બાળક મફતમાં સારું શિક્ષણ મેળવે અને શિક્ષાના ધામમાં હજારો વિદ્યાર્થીઓ શિક્ષણ આપવાની સાથે જીવનની રાહ ચિંધવાના, કેળવણીના પાઠ ભણાવવાની જેની જવાબદારી છે તે જ વ્યક્તિ કરોડોની છેતરપિંડી કરતો હોય ત્યાં હજારો વિદ્યાર્થીઓનું શું ભલું થવાનું! આવા ધર્મના નામે રોટલા શેકતા ઢોંગીલોકોએ સમાજે ઓળખવા ખુબ જ જરૂરી છે.
તેઓએ વિશેષમાં જણાવ્યું હતું કે, જે તે સમયે રાજ્યસરકારે આ યુનિવર્સિટી કેમ્પસની જમીન માત્ર રૂ.એકના ટોકનદરે ભાડેપેટે નોનપ્રોફિટેબલ શિક્ષણ હેતુંસર આપવામાં આવી હતી અને જે કેમ્પસમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સ ગ્રાન્ટઈન નેટ કોલેજો ચાલુ હતી જે સરકારના અનુદાનથી ચાલતી હોય તો વિદ્યાર્થીદીઠ અભ્યાસ ફી સાવ નજીવી હતી પરંતુ આ સંચાલકોની કમાવવાની લાલચુ માનસતાના લીધે આ ગ્રાન્ટઈનનેટ કોલેજ બંધ કરી સરકારની શરતનો ભંગ કરી આ જમીન પર ખાનગી યુનિવર્સિટી ખડકી દીધી છે અને આજે આ યુનિવર્સિટીના તમામ કોર્ષોની ફી મસ મોટી અને ખુબ મોંઘી છે. હજુ કેમ્પસમાં જે વિરાણી સાયન્સ કોલેજ ચાલુ તે ગ્રાન્ટઈનનેટ છે તેમાં બી.એસ.સી.ની ફી સરકારી નિયમ મુજબ નજીવી રકમ જે સરકારે નિયત કરેલ લેવાની હોય છે પરંતુ આ યુનિ. વિદ્યાર્થીદીઠ 20000થી 30000 સુધી અલગ અલગ ખર્ચના નામે ગેરકાયદેસર ઉઘરાણા કરી કરોડોની છેતરપિંડી કરે છે જેના અમારી પાસે પુરાવાઓ છે.
- Advertisement -
વિદ્યાર્થી જગતમાં માંગ ઉઠી છે કે, અભ્યાસ પૂર્ણ કરી શકયા અને જે અભ્યાસ કરે એ તમામ વિદ્યાર્થીઓને આ ફી પરત કરવામા આવે તેમજ આર્ટ્સ કોમર્સની જે ગ્રાન્ટઈનનેટ કોલેજ ફરી ચાલુ કરવામાં આવે. સરકારના અનુદાનથી ચાલતી ગ્રાન્ટઈનનેટ કોલેજમાં પ્રોફેસરોથી માંડી તમામ કર્મચારીઓનો પગાર રાજ્ય સરકાર આપતી હોવા છતા તે બંધ કરવા પાછળનો સંચાલકનો હેતુ શું હશે? એક ગરીબ પરિવારનો બાળકને નજીવી ફીમાં અભ્યાસ કરાવી તેમની કારકિર્દી કંડોરવી એ ધાર્મિક સંપ્રદાય સંચાલિત શૈક્ષણિક સંસ્થાનો ઉદેશ્ય હોય તો શા માટે શિક્ષણના નામે વેપલો ખોલી કરોડો રૂપિયાની આવક ધરાવતી ખાનગી યુનિવર્સિટી ખડકી દીધી તે મોટો સવાલ છે. અમારી રાજ્ય સરકાર પાસે વિદ્યાર્થી હીતલક્ષી માંગ છે કે, આ કેમ્પસમાં ભૂતકાળમાં જે જે ગ્રાન્ટઈનનેટ કોલેજમાં કોર્ષો ચાલતા હતા તે ફરી ચાલુ કરવામાં આવે, કરોડોની ઉચાપાત કેસ મામલે તપાસ કમિટીની રચના કરી ફરાર આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેમજ આવી વિવાદિત સંસ્થાને રાજ્ય સરકાર હસ્તગત કરી સંચાલન હાથમાં લેવું જોઈએ જેથી કરોડોની છેતરપિંડી થતી અટકાવી શકાય એવું કોંગી આગેવાનોએ જણાવ્યું હતું.