યુનિવર્સિટી કેમ્પસમાંથી ગાંજો મળ્યો તેને 3 મહિના થયા છતા હજુ કોઈ ગુનો ન નોંધાતા પ્રદેશ કોંગ્રેસ મંત્રી રાજદિપસિંહ જાડેજાએ પોલીસ કમિશનરને આવેદન પાઠવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ-મોરબી હાઇવે પર આવેલી મારવાડી કોલેજના કેમ્પસમાંથી સાડાત્રણ મહિના પૂર્વે મળેલા શંકાસ્પદ છોડ ગાંજાના જ હોવાનો એફએસએલ રિપોર્ટ આવતાં પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આ ગુનો અજાણ્યા શખ્સો સામે નોંધ્યો છે જ્યારે આ ગુનો મારવાડી યુનિવર્સિટીના સંચાલકો, ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ સામે નોંધવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી રાજદિપસિંહ અજીતસિંહ જાડેજાએ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને આવેદનપત્ર પાઠવ્યું છે.
પ્રદેશ કોંગ્રેસના મંત્રુના આવેદનપત્ર મુજબ શિક્ષણ સંસ્થા મારવાડી યુનિવર્સિટી કેમ્પસમાં પરમિટ વગર માદક પદાર્થ ગાંજા (કેનાબીસ)ના છોડનું વાવેતર મળી આવ્યું છે જેની હજુ સુધી કોઈ ફરિયાદ નથી કરી. તપાસ કરનાર ઉચ્ચ અધિકારીઓએ પણ આ બાબતે ગુનો દાખલ નથી કર્યો.
- Advertisement -
સામાન્ય કિસ્સામાં ગાંજા જેવા ગંભીર ગુનામાં પોલીસ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધે છે. ત્યારે આ કિસ્સામાં 3 મહિના થયા પછી પણ કોઈ વ્યક્તિ જોગ ફરિયાદ નથી કરી. આમ આ કિસ્સામાં યેનકેન પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન થયો છે તેવું જાણવા મળ્યું છે. મારવાડી યુનિવર્સિટીમાં આશરે 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 2 હજારથી વધુ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે. ત્યારે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ડ્રગ્સ એડિક્ટ ન બને તે માટે પોલીસે આકરી કાર્યવાહી કરવી જરૂરી બને છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી રાજદિપસિંહ જાડેજાએ આવેદનમાં જણાવ્યું હતું કે, તા. 14-04-2023ના રોજ ગાંજાના છોડવા યુનિવર્સિટીમાંથી મળી આવ્યા હતા. આમ છતા તપાસ કરનાર અધિકારીએ કોઈ કાર્યવાહી નથી કરી. તેથી મારવાડી યુનિવર્સિટીના સત્તાધીશો, સંચાલકો, ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ સહિતની આરોપી તરીકે ફરિયાદ કરી તેમની ધરપકડ કરવી જોઈએ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નશીલા પદાર્થના ગુનામાં તાત્કાલિક ફરિયાદ નોંધવા અને કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ આપેલી છે તો આવા લોકોને છાવરવાના બદલે કડકમાં કડક પગલા લેવાય તેવી અમે અરજ કરીએ છીએ.