રાજકોટ જિલ્લામાં હાલ વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચારસંહિતા અમલી છે ત્યારે, વિવિધ વિસ્તારોમાં થતા આચારસંહિતાના ઉલ્લંઘન અંગે નાગરિકો સી-વિજીલ એપ પર ફરિયાદો કરીને ચૂંટણી તંત્રનું ધ્યાન દોરી રહ્યા છે. રાજકોટ જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાંથી ગઇ કાલે આવેલી પાંચ ફરિયાદો સહિત કુલ 27 ફરિયાદોનો ચૂંટણીતંત્ર દ્વારા ગણતરીની મિનિટોમાં જ નિકાલ કરાયો છે.
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે કાર્યરત ફરિયાદ નિવારણ સેલમાં સી વિજીલ એપના માધ્યમથી અત્યાર સુધીમાં 27 જેટલી ફરિયાદો આવી છે. જેમાં બે ફરિયાદો સદંતર ખોટી હોવાથી પડતી મૂકવામાં આવી હતી. જયારે ધોરાજી તથા જસદણ વિસ્તારમાંથી 1-1, ગોંડલ મત ક્ષેત્રમાંથી 10, જેતપુર ક્ષેત્રમાંથી 2, રાજકોટ પૂર્વમાંથી 3, રાજકોટ ગ્રામ્યમાં થી 2, રાજકોટ દક્ષિણમાંથી 5 તથા રાજકોટ પરૂમિ ક્ષેત્રમાંથી 1 મળીને કુલ 25 ફરિયાદો નોંધાઇ હતી. આ ફરિયાદો પર ત્વરિત કાર્યવાહી કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાના ટોલ ફ્રી નંબર પર હજુ સુધી કોઈ ફરિયાદ આવી નથી.
- Advertisement -
આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800 233 0322 જારી કરવામાં આવ્યો છે. ઉપરાંત સી-વિજીલ મોબાઈલ એપ પર પણ ફરિયાદ કરી શકાય છે.