ઘનશ્યામપુર ગામના અતુલ તરબૂદીયાએ આરોગ્ય મંત્રીને કરી રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.30
હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામના અતુલ તરબૂદીયાએ આસ્થા ગાયનેક હોસ્પિટલના ડોક્ટર પાર્થ સદાદિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતી રજૂઆત રાજ્યના આરોગ્ય મંત્રીને કરી છે. તેમની પત્ની ગર્ભવતી હોવા છતાં અને રાત્રે પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હોવા છતાં, હોસ્પિટલ દ્વારા તાત્કાલિક સારવાર આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત રાત્રે આશરે 9 વાગ્યે અતુલ તરબૂદીયાની ગર્ભવતી પત્નીને પેટમાં અચાનક દુખાવો ઉપડ્યો હતો. પરિણામે, તેઓ તાત્કાલિક સારવાર અર્થે હળવદની આસ્થા ગાયનેક હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં હાજર ડોક્ટર પાર્થ સદાદિયાએ દર્દીની પૂર્વ સારવાર મોરબીમાં ચાલતી હોવાનું કારણ આપીને સારવાર આપવાનો ઇનકાર કર્યો હતો.
અતુલે જણાવ્યું કે, તેમણે ડોક્ટરને દર્દીની ગંભીર સ્થિતિ અને પેટમાં થઈ રહેલા અસહ્ય દુખાવા અંગે આજીજી કરી હતી. તેમણે ડોક્ટરને ઇમરજન્સી ફી ચૂકવવા પણ તૈયારી બતાવી હતી, પરંતુ ડોક્ટરે સ્પષ્ટપણે કહી દીધું કે “તમારી દવા જ્યાં ચાલતી હોય ત્યાં જાવ, અહીંયા સારવાર નહીં મળે.” આ ઘટનાથી અતુલ તરબૂદીયા સ્તબ્ધ થઈ ગયા હતા.
અતુલે પોતાની રજૂઆતમાં આરોગ્ય મંત્રીને જણાવ્યું છે કે, જો તેમની પત્ની અથવા આવનાર બાળકને કંઈ પણ થયું હોત તો તેની જવાબદારી કોની હોત? તેમણે માનવતાની દૃષ્ટિએ પણ ડોક્ટરે સારવાર ન આપી હોવા પર આક્રોશ વ્યક્ત કર્યો છે. અતુલે આરોગ્ય મંત્રી પાસેથી આસ્થા ગાયનેક હોસ્પિટલના ડોક્ટર પાર્થ સદાદિયા સામે કડક કાર્યવાહી કરવાની અપેક્ષા રાખી છે, જેથી ભવિષ્યમાં આવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય અને ઇમરજન્સી કેસમાં પણ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે. આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.