શહેરની અનેક ઇમારતોને રોશનીથી શણગારવામાં આવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ એ રંગીલું શહેર છે અને તેમાં પણ ઉજાસના પર્વ દિવાળીનો તહેવાર આવે એટલે રાજકોટ શહેર રોશનીથી ઝગમગી ઉઠે છે. રાજકોટ શહેરની શાન રેસકોર્સ રિંગરોડ છે અને રાજકોટની મુખ્ય બજાર ધર્મેન્દ્ર રોડ પર આવેલી છે. મનપા દ્વારા રેસકોર્સ રિંગરોડને ફરતે રોશનીનો જગમગાટ કરવામાં આવ્યો છે. જ્યારે ધર્મેન્દ્ર રોડની મુખ્ય બજારને વેપારીઓએ રોશનીથી શણગારી કલરફુલ બનાવી દીધી છે. દિવાળીનો પર્વ શરુ થતાં પહેલા જ શહેરભરમાં ઠેર ઠેર રંગબેરંગી લાઈટોથી શહેરને શણગારી દેવામાં આવે છે. રાજકોટની રોનક સમા રેસકોર્સ રિંગરોડ પર મનપા દ્વારા આકર્ષિત લાઈટો અને ડીજેની રમઝટ બોલાવવામાં આવી રહી છે. જેને જોવા માટે રાજકોટ વાસીઓ આવી પહોંચતા હોય છે અને આ આકર્ષિત લાઇટોનો આનંદ માણતા હોય છે. સાથો સાથ શહેરની અનેક ખાનગી ઈમારતો અને સરકારી ઇમારતોને રોશનીથી શણગારી દેવામાં આવી છે.
આ સાથે રાજકોટની મુખ્ય બજાર ધર્મેન્દ્ર રોડ પર આવેલી છે. જ્યાં રાજકોટ શહેરના લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે. તેમાં પણ હવે તહેવાર નજીક આવતા છેલ્લી ઘડીએ લોકોની ખરીદી માટે ભીડ વધતી જોવા મળી રહી છે. ઉજાસના પર્વને મનાવવા વેપારીઓએ આખા ધર્મેન્દ્ર રોડ પર આકર્ષિત રંગબેરંગી લાઈટોથી સજાવટ કરી દેવામાં આવી છે.