અમદાવાદ હાઈવે પર બામણબોર નજીક સરકારી ખરાબામાં ગેરકાયદે રસ્તો બનાવવાનો મામલો….
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમદાવાદ હાઈવે પર ગુંદાળા ખાતે સરવે નંબર સાત, આઠ અને નવ પર બની રહેલાં આર. કે. બિલ્ડર્સ ગ્રૂૂપના ‘આર. કે. ઈન્ટરનેશનલ પાર્ક’ને ઝગમગાવવા માટે બિલ્ડર ગ્રૂપે સરકારી ખરાબાની જમીનમાં સિમેન્ટ રોડ ગેરકાયદે- કોઈ જાતની મંજૂરી વગર ખડકી દેવામાં આવ્યાની વિગતો બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. ‘ખાસ-ખબર’એ ગઈકાલે આ અંગે ઍક્સ્લુઝિવ અહેવાલ પ્રકાશિત કર્યા પછી કલેકટર તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ‘ખાસ-ખબર’એ આ મામલામાં ઊંડા ઉતરતાં અનેક નવાં ખૂલાસાઓ થયાં છે. જાણવા મળતી વિગતો મુજબ આ ગેરકાયદે રોડ બાબતે સરપંચે અવાજ ઉઠાવ્યો હતો પરંતુ આર. કે. બિલ્ડર્સનાં સંચાલકોએ તેમને એવો ઉદ્ધત જવાબ આપ્યો હતો કે, ‘ઉપરથી મંજૂરી લઈ લીધી છે!’ આ આખી ઘટનામાં સ્વયં કલેકટર જો ઊંડા ઉતરીને તપાસ કરે તો બિલ્ડર ગ્રૂપનાં અનેક કારસ્તાન બહાર આવે તેમ છે.
આર. કે. ગ્રૂપની દાદાગીરી સામે ખાણ-ખનીજ વિભાગની પણ શરણાગતિ
આર. કે. ઈન્ટરનેશનલ પાર્ક માટે આર. કે. બિલ્ડર્સે માત્ર ગેરકાયદે રોડ જ ખડકી દીધો હોય તેવું નથી- તેમણે દિલથી ગેરકાયદે ખોદાણ પણ કર્યું છે. પાર્ક ઉભો કરવા ભરતી ભરવા તેમણે બામણબોરનાં સરકારી ખરાબામાંથી મોટાં ડમ્પરો ભરીને માટીની ચોરી કરી છે અને હજુ ત્યાં જેસીબીથી કામ ચાલું જ છે. આ ઉપરાંત ગેરકાયદે રોડ બનાવવા પણ અહીંથી જ માટી ચોરી કરી છે. સવાલ એ છે કે, શું ખાણ-ખનીજ વિભાગ ઉંઘી રહ્યો છે? શું આ ચોરીને ખાણ-ખનીજ વિભાગનાં પણ આશીર્વાદ છે? આની તપાસ પણ ખૂદ કલેકટરે કરવી જોઈએ.