રોગચાળો રોક્વા માટે યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી કામગીરી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં અતિભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં ભારે પૂરની સ્થિતિ સર્જાય હતી. ત્યારે વરસાદે વિરામ લીધા બાદ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ મોતીબાગ, રાયજીબાગ, કૃષિ યુનિવર્સિટી, ટીંબાવાડી સહિતનાં વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
- Advertisement -
આજે પણ કલેક્ટર દ્વારા દોલતપરા,-કસ્તુરબા કોલોની, જલારામ સોસાયટી, કૃષ્ણનગર, લક્ષ્મીનગર, આલ્ફા સ્કૂલ વિસ્તાર, વંથલી રોડ, એસટી વર્કશોપ સહિતના વિસ્તારોની મુલાકાત કરી હતી અને પરિસ્થિતિ ક્યાસ મેળવ્યો હતો. સાથે જ રોગચાળો અટકાવવા માટે પ્રાથમિકતાના ધોરણે સાફ-સફાઈ, દવા છંટકાવની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. તેમજ હાથ ધરવામાં આવેલ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.કલેક્ટર દ્વારા વીઝીટ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના પણ તેમની સાથે રહ્યા હતા.
આ ઉપરાંત મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર સાથે પણ પ્રશાસનિક કામગીરી અંગે ચર્ચા કરી હતી. હાલ જૂનાગઢ શહેરમાં જનજીવન સત્વરે સામાન્ય બને તે દિશામાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત કલેક્ટર અને રાજ્ય સરકાર નામાર્ગદર્શનમાં તાત્કાલિક નુકસાનીના સર્વે હાથ ધરવા માટે જરૂરી નિર્દેશ આપ્યા છે.અને કલેકટરે આ મુલાકાત દરમિયાન સ્થાનિક લોકો જોડે પણ સંવાદ સાધ્યો હતો.