બેંકમાં પટ્ટાવાળા તરીકે અનેકની ભરતી કરી ટૂંકાગાળામાં કલાર્ક બનાવી દીધા : જયેશ બોઘરાને માર્કેટયાર્ડના ચેરમેન બનાવવાના માપદંડ સામે પણ સવાલ
જયેશ રાદડિયા વિરૂદ્ધ ધગધગતી રજૂઆત
- Advertisement -
જિલ્લા ભાજપમાં સહકારી ક્ષેત્રે રાજકીય આગ લાગી છે. હમણા સુધી જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાના ટેકેદાર ગણાતા ભાજપના જ કેટલાક સહકારી આગેવાનોએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સમક્ષ જિલ્લા બેંકના ‘વહીવટ’ બાબતે ઉભરો ઠાલવ્યો છે. ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેની અરજી ગાંધીનગર અને દિલ્હી સુધી મોકલવામાં આવ્યાનું જાણવા મળે છે. હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાંકેચા, પરસોત્તમ સાવલિયા, વિજય સખિયા વગેરે જયેશ રાદડિયાની સામે આવી ગયાના વાવડ છે. અમુક અગ્રણીઓએ ‘બહાર’થી ટેકો આપ્યો છે. રા.લો. સંઘની ચૂંટણી, માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે જયેશ રાદડિયાની પસંદગી, રા.લો. સંઘમાં બેંકના પ્રતિનિધિ તરીકે વિજય સખિયાના સ્થાને એકાએક મહેશ આસોદરિયાની નિમણૂંક વગેરે મુદ્દે મનદુ:ખ થતા ભાજપના એક જુથે લડાઇ શરૂ કરી છે. આ જુથના હરીફ જુથ ગણાતા બીજા જુથે પણ મુક સહમતી આપ્યાનું કહેવાય છે.
જિલ્લાના રાજકારણમાં સમીકરણો બદલાઇ રહ્યા છે. રા.લો. સંઘમાં હજુ મહેશ આસોદરિયાની વિધિવત સ્વીકૃતિ બાબતે કોઇ નિર્ણય થયો નથી તે સૂચક ગણાય છે. રાદડિયા વિરોધી બની રહેલા જુથે બેંકમાં કર્મચારીઓની ભરતીની બાબતને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. ભરતીની નિયમ મુજબ વહીવટી પ્રક્રિયા કરવાના બદલે અનેક કર્મચારીઓને પહેલા પટ્ટાવાળા તરીકે નિમણૂક આપી ટુંકાગાળામાં કલાર્ક બનાવી દેવાયાનો અને તેમાં મોટો ‘વહીવટ’ થયાનો વિગતવાર આક્ષેપ રજુઆતમાં કરવામાં આવ્યો છે. માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે જયેશ બોઘરાની પસંદગીમાં જયેશ રાદડિયા પ્રેરિત રમત હોવાનું જણાવી તેની પસંદગીના માપદંડ બાબતે સવાલ ઉઠાવતી રજૂઆત કરી હતી. ભાજપના ધારાસભ્ય કક્ષાના આગેવાન સામે ભાજપના જ આગેવાનોની ધગધગતી રજૂઆતે ચર્ચા જગાવી છે.


