લાઠીના દુધાળા ગામે અમૃત સરોવરનું લોકાર્પણ: બપોરથી રાજકોટમાં શ્રેણીબધ્ધ કાર્યક્રમો, બેઠકો, મુલાકાત: વડાપ્રધાનના કાર્યક્રમ અંગે કલેકટર તંત્ર સાથે ચર્ચાઓ
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે અમરેલી જિલ્લા અને રાજકોટની મુલાકાતે છે. આજે લાઠીના દુધાળા ખાતે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા રાજયપાલ આચાર્ય દેવવ્રતે અમૃત સરોવરના કામનું ઉદઘાટન કર્યુ હતું અને આ કાર્યની પ્રશંસા કરી હતી. બપોરે તેઓ રાજકોટ પહોંચી રહ્યા છે. ગુરૂવારે વડાપ્રધાન હસ્તે હિરાસર એરપોર્ટનું ઉદઘાટન કરવાના છે. આ મોટા કાર્યક્રમની તૈયારીની તેઓ કલેકટર તંત્ર સાથે સમીક્ષા કરશે. તો સરકારી કચેરીઓના ઉદઘાટન અને સંસ્થાના કાર્યક્રમોમાં હાજરી આપનાર છે.
- Advertisement -
અમરેલી જિલ્લામાં અલગ અલગ સરકારી વિભાગો, લોકભાગીદારી અને સી.એસ.આર એક્ટિવિટી દ્વારા 75 અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ 75 અમૃત સરોવરના નિર્માણ થકી 25,40,887 ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થશે. જ્યારે આ કામગીરીમાં 1,26,343 માનવદિનની રોજગારીનું સર્જન પણ થયું છે. આ અમૃત સરોવરના નિર્માણ કાર્યમાં અંદાજિત રૂ 3,74,17,600નો ખર્ચ થયો છે.
રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હીરાસર એરપોર્ટ તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જયાં જંગી જનસભા યોજાનાર છે તે રેસકોર્ષ ગ્રાઉન્ડની સ્થળ મુલાકાત કરશે. તેની સાથોસાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોટામવા ખાતે તૈયાર થયેલ અટલ સરોવરને પણ ખુલ્લુ મુકનાર છે. રાજકોટની આ મુલાકાત દરમ્યાન થોકબંધ કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. આ ઉપરાંત અરવીંદભાઈ જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે બપોરના હેમુ ગઢવી હોલ ખાતે આયોજીત કરાયેલ ‘સ્નેહ્સ્પર્શ’ અને ‘ગીરગંગા’ પરીવારના કાર્યક્રમમાં પણ હાજરી આપનાર છે.