સૌરાષ્ટ્રના કેટલાક ભૂભાગમાં 13થી 16 મેના છૂટાછવાયા વરસાદની આગાહી
વરસાદ પડે તો કેસર કેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ
- Advertisement -
પાકના રક્ષણ માટે જરૂરી સૂચના જાહેર કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ હવામાન વિભાગ દ્વારા આગામી તા.13, 14, 15 અને 16 મે એ છૂટો છવાયો હળવો વરસાદ પડવાની સંભાવના વચ્ચે ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે. જેમાં ખાસ સોરઠ પંથકમાં કેસર કેરીની બાગાયત ખેતી ખુબ મોટા પ્રમાણમાં થાય છે.જયારે પેહલાજ કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે ત્યારે કેસર કરીના પાકને મિશ્ર ઋતુના હિસાબે કેસર કેરીના પાકને નુકશાન થયું છે તો બીજી તરફ ઉનાળુ પાક ખેતરમાં ઉભો છે તલ, મગ સહીત અનેક પાકનું વાવતેર કરાયું છે જો માવઠું થાય તો ખેડૂતોના મોઢે આવેલ કોળીયો ઝૂંટવાઈ વરસાદની આગાહી વચ્ચે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
સૌરાષ્ટ્રના કેટલાક ભૂભાગમાં આગામી તા.13, 14, 15 અને 16 છૂટો છવાયો હળવો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ વરસાદ સાથે ગાજવીજ થવાની સંભાવનાઓ હોય છે. ત્યારે ખેડૂતોએ પોતાના પાકના સંરક્ષણ માટે કેટલીક કાળજી લેવી જરૂરી બને છે. આ માટે જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાએ ખેડૂતોએ જરૂરી તકેદરી રાખવા માટે સૂચનાઓ બહાર પાડી છે.કમોસમી વરસાદથી થતા પાક નુકસાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો ફાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.
- Advertisement -
જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલડે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો.એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. એપીએમસીમાં અનાજ અને ખેત પેદાશો સુરક્ષિત રાખવા. એપીએમસીમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી.આ સંદર્ભે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ) કેવીકે અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નં.18001801551 પર સંપર્ક કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
વીજળીથી બચવા ઉપયોગી સૂચનાઓ બહાર પાડવામાં આવી
વરસાદની સાથે વીજળી ત્રાટકવાની પણ સંભાવનાઓ રહેતી હોય છે. ત્યારે તાત્કાલિક સલામત આશ્રય શોધવો જરૂરી બને છે. ઉપરાંત વીજળીના બનાવ વખતે જરૂરી તકેદારી લેવામાં આવે તો જીવન બચાવવામાં મદદરૂપ થાય છે.વીજળી કોઈપણ વસ્તુ પર ત્રાટકતી હોય છે. વીજળી પડવાની સંભાવનાઓ હોય ત્યારે ઘરમાં જ રહો અથવા ઘરની અંદર જતા રહો વીજળીનો કડાકો સંભળાય તો અનિવાર્યપણે જરૂરી ન હોય તે સિવાય બહાર ન જશો બારી બારણા અને વીજળીના ઉપકરણોથી દૂર રહો. વીજળીના વાહક બને તેવી કોઈપણ ચીજ વસ્તુથી દૂર રહો આ બાબતોમાં પઠા રેડીએટર ચૂલા ધાતુની નળી ઝીંક અને ફોનનો સમાવેશ થાય છે વાવાઝોડું તોફાન આવતું હોય તે પહેલા જ ઉપકરણોના વાયર પ્લગમાંથી કાઢી નાખો પરંતુ તોફાન દરમિયાન તેમ કરવું નહીં.