આંતરરાષ્ટ્રીય દરિયાઈ સ્વચ્છતા દિવસે રાજ્યભરમાં સેવા પર્વ-2025 અંતર્ગત આયોજન
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સેવા પર્વ-2025ની ઉજવણી પ્રસંગે રાજ્યભરમાં ભવ્ય સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. તા. 20 સપ્ટેમ્બર 2025ના રોજ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સ્વચ્છતા દિવસ નિમિત્તે ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન (ૠઊખઈં) દ્વારા વિવિધ સંસ્થા અને વિભાગોના સંયુક્ત પ્રયાસોથી રાજ્યના 10 બીચ પર વિશાળ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનમાં વિવિધ સ્વયંસેવકો, શાળાઓ-કોલેજોના વિદ્યાર્થીઓ, ઔદ્યોગિક એકમો અને સ્થાનિક નાગરિકોના સહયોગથી કુલ 51,541 કિલો ઘન કચરો એકત્ર કરી તેનો વિજ્ઞાનસંગત નિકાલ કરવામાં આવ્યો હતો.
સફાઈ અભિયાનમાં ડુમ્મસ-સુરત, દાંડી, દ્વારકા, બેટ દ્વારકા, વેરાવળ ચોપાટી, પોરબંદર ચોપાટી, રાવલપીર-માંડવી, શિવરાજપુર, ઉમરગામ અને કોળીયાક-ભાવનગર બીચનો સમાવેશ થયો હતો. આ કામગીરી વન, પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.
અભિયાન દરમિયાન ફક્ત સફાઈ જ નહીં, પણ પર્યાવરણ અંગે જનજાગૃતિ માટે ૠઊખઈં દ્વારા નુક્કડ નાટક, રેત શિલ્પ, ચિત્ર સ્પર્ધા જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા. દરેક બીચ પર એક પેડ મારા નામે અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરીને હરિયાળીનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સેવા પર્વ-2025 અંતર્ગત દેશભરમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વૃક્ષારોપણ, સ્વચ્છતા, આરોગ્ય તપાસ કેમ્પ તેમજ પર્યાવરણ જાગૃતિ જેવા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.



 
                                 
                              
        

 
         
        