રિપોર્ટમાં પોલીસ-આયોજકને જવાબદાર ઠેરવાયા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ઉત્તર પ્રદેશના હાથરસમાં 2 જુલાઈ, 2024ના રોજ બનેલી ભયાનક નાસભાગની ઘટનામાં ન્યાયિક પંચે પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો છે. આ દુર્ઘટનામાં 121 લોકોના દુ:ખદ મોત થયા હતા તેમજ ઘણા લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના સત્સંગ કાર્યક્રમ દરમિયાન થઇ હતી અને હવે આ મામલે ન્યાયિક પંચે પોતાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટના માટે સત્સંગના આયોજકો મુખ્યત્વે જવાબદાર હતા, જોકે પોલીસ અને વહીવટીતંત્રની બેદરકારીને પણ ગંભીર ભૂલ ગણવામાં આવી છે.
- Advertisement -
રિપોર્ટ અનુસાર, જે સત્સંગમાં નાસભાગ થઈ હતી તેના આયોજકોએ સુરક્ષાના ધોરણોનું પાલન કર્યું ન હતું. જોકે, જઈંઝની જેમ જ જ્યુડિશિયલ કમિશને પણ સત્સંગ પ્રવચનકર્તા સૂરજપાલ ઉર્ફે ‘ભોલે બાબા’ને આ દુર્ઘટનાથી અલગ ગણીને તેમને ક્લિનચીટ આપી છે. તપાસમાં તારણ આવ્યું કે નાસભાગમાં બાબાની કોઈ ભૂમિકા ન હતી, પરંતુ અરાજકતા અને ગેરવહીવટને કારણે આ ઘટના બની હતી.
રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીસે પણ તેમની જવાબદારી ગંભીરતાથી નિભાવી નથી. ભીડ વ્યવસ્થાપન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેના કારણે અચાનક નાસભાગ મચી અને મોટી સંખ્યામાં લોકો કચડાઈ ગયા હતા અને જીવ ગુમાવ્યા હતા. રિપોર્ટ અનુસાર, જો પોલીસ અને પ્રશાસન સતર્ક રહ્યું હોત અને ભીડ પર નિયંત્રણ માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હોત તો આ દુર્ઘટનાને અટકાવી શકાઈ હોત. ન્યાયિક પંચના અહેવાલમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સત્સંગના આયોજકોએ નિયત પરવાનગીની શરતોનું પાલન કર્યું ન હતું. સ્થળ પર લોકોની સંખ્યા અપેક્ષા કરતા ઘણી વધારે હતી, પરંતુ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી ન હતી. આ અકસ્માતનું મુખ્ય કારણ પંચે આયોજકોની આ બેદરકારી છે અને આવી ઘટનાઓને રોકવા માટે કડક જોગવાઈઓ લાગુ કરવાની ભલામણ કરી છે.
ભવિષ્યમાં આવી દુર્ઘટના રોકવા માટે પંચે સૂચન આપ્યા
ભવિષ્યમાં આવા અકસ્માતોને રોકવા માટે ન્યાયિક પંચે કેટલાક મહત્ત્વપૂર્ણ સૂચનો આપ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે કોઈપણ મોટી ઘટના પહેલા પોલીસ અધિકારીઓ વ્યક્તિગત રીતે સ્થળનું નિરીક્ષણ કરે, તે ફરજિયાત બનાવવું જોઈએ. આ સાથે આયોજકો દ્વારા લેવામાં આવેલી પરવાનગીની શરતોનો ચુસ્તપણે અમલ થવો જોઈએ અને ભંગ થાય તો કડક કાર્યવાહી કરવી જોઈએ. આ સિવાય ઘટનાઓમાં ભીડ નિયંત્રણ માટે વિશેષ પગલાં લેવા જોઈએ, જેથી નાસભાગ જેવી ઘટનાઓ ટાળી શકાય. આ રિપોર્ટ આવ્યા બાદ સરકાર તરફથી કાર્યવાહીની શક્યતા વધી ગઈ છે. પંચની ભલામણોના આધારે વહીવટી તંત્રને મજબૂત કરવા માટે નવી માર્ગદર્શિકા જારી કરી શકાય છે.