અમેરીકન ડ્રીમ: ડો. સુધીર શાહ, ઍડ્વોકેટ
અમેરિકામાં બિઝનેસ કરવા માટે જતા વેપારીઓ માટે ‘ઈ-1’ અને અમેરિકા તેમ જ અન્ય દેશના કરારો અનુસાર અમેરિકામાં રોકાણકાર વેપારીઓ માટે ‘ઈ-2’ વિઝા ઘડવામાં આવ્યા છે
- Advertisement -
જેમ અમેરિકામાં કાયમ રહેવા જવું હોય તો ઈમિગ્રન્ટ વિઝા મેળવવાની જરૂરિયાત રહે તેમ જ જો ત્યાં કાયમ રહેવાનો ઈરાદો ન હોય, પણ ફરવા માટે, ધંધાના વિકાસ માટે, ભણવા માટે, ધર્મનો પ્રચાર કરવા માટે, સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવવા માટે, આમ જુદાં જુદાં કારણોસર અમેરિકામાં ટૂંક સમય માટે જવું હોય તો નોન-ઈમિગ્રન્ટ શ્રેણીના વિઝા મેળવવાની જરૂર રહે છે. નોન-ઈમિગ્રન્ટ વિઝાઓની વ્યાખ્યા અને એ માટેની લાયકાતો ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ, 1952’ હેઠળ કલમ 101માં આપવામાં આવી છે. આ કલમ 101ની જે પેટા કલમમાં જે પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા દર્શાવવામાં આવ્યા હોય એ નોન-ઈમિગ્રન્ટ વિઝાની એ પેટા કલમ સંજ્ઞા બની જાય છે.
પરદેશી સરકારી પ્રધાનો, રાજદ્વારી અધિકારીઓ, એલચીઓ અને એમના નજીકના કુટુંબીજનો માટે જે નોન-ઈમિગ્રન્ટ વિઝા ઘડવામાં આવ્યા છે એની વ્યાખ્યા કલમ 101(એ)(1)માં કરવામાં આવી છે. અન્ય સરકાર માન્ય અમલદારો અથવા વિદેશી સરકારના કર્મચારીઓ અને એમના નજીકના કુટુંબીજનો માટે નોન-ઈમિગ્રન્ટ વિઝાની વ્યાખ્યા કલમ 101(એ)(2)માં કરવામાં આવી છે. આ ‘એ-1’ અને ‘એ-2’ વિઝાધારકોના અંગત કર્મચારીઓ, નોકરો અને નજીકના કુટુંબીજનો માટે કલમ 101(એ)(3)માં જે લાયકાતોની જરૂરિયાત હોય એ દર્શાવવામાં આવી છે.
ધંધાદારી મુલાકાતીઓ માટે આ કલમ 101ની પેટા કલમ ‘બી(1)’માં જે જે લાયકાતોની જરૂરિયાતો હોય એ દર્શાવવામાં આવી છે અને જેઓ અમેરિકામાં એ પર્યટક તરીકે, એક ટૂરિસ્ટ તરીકે ટૂંક સમય માટે પ્રવેશવા ઈચ્છતા હોય એ પર્યટક મુલાકાતીઓની લાયકાતો કલમ 101 ‘બી(2)’માં જણાવવામાં આવી છે. આ ‘બી-1’ અને ‘બી-2’ વિઝામાંથી કોઈ પણ એક પ્રકારના વિઝાના ઈચ્છુકો જ્યારે એમના દેશમાં આવેલ કોન્સ્યુલેટમાં ‘બી-1’ યા ‘બી-2’ વિઝાની માગણી કરે છે ત્યારે એમને આ બન્ને પ્રકારના વિઝા એકસામટા આપવામાં આવે છે અને વિઝાનો અરજદાર ભવિષ્યમાં પાછો અમેરિકા જવા ઈચ્છે તો એણે ફરી પાછી વિઝાની અરજી કરવી ન પડે, કોન્સ્યુલેટમાં જાતે આવીને ઈન્ટરવ્યૂ આપવો ન પડે આ કારણસર આ ‘બી-1/બી-2’ વિઝા મોટા ભાગે હવેથી દસ વર્ષની મુદતના મલ્ટિ-એન્ટ્રી એટલે કે એકથી વધુ વખત એનાથી પ્રવેશી શકાય એવા આપવામાં આવે છે.
અમેરિકાથી વારંવાર આવતા-જતા વિદેશી પર્યટકો માટે ‘સી-1’ સંજ્ઞા ધરાવતા નોન-ઈમિગ્રન્ટ વિઝા ઘડવામાં આવ્યા છે. દરિયાઈ અને હવાઈ માર્ગે ટૂંક સમય માટે અમેરિકા જતી કાફલાની વ્યક્તિઓ, જેઓ જે સ્ટીમર અથવા વિમાનમાં જતા હોય અને એમાં જ પાછા ફરવાના હોય એમના માટે ‘ડી-1’ વિઝા ઘડવામાં આવ્યા છે.
- Advertisement -
અમેરિકા અને અન્ય રાષ્ટ્ર વચ્ચેના કરારો અનુસાર અમેરિકામાં બિઝનેસ કરવા માટે જતા વેપારીઓ માટે ‘ઈ-1’ અને અમેરિકા તેમ જ અન્ય દેશના કરારો અનુસાર અમેરિકામાં રોકાણકાર વેપારીઓ માટે ‘ઈ-2’ વિઝા ઘડવામાં આવ્યા છે. છેલ્લા થોડા સમયથી એવું જોવામાં આવ્યું છે કે યુરોપના નાના નાના દેશો જેમની જોડે જેમના વેપારીઓને ઉત્તેજન આપવા અમેરિકાએ એમના દેશ જોડે કરારો કર્યા છે અને એ દેશના નાગરિકોને અમેરિકામાં વેપાર કરવા ‘ઈ-1’ અથવા ‘ઈ-2’ વિઝા આપવામાં આવે છે એનો લાભ લઈને એ બધા નાના નાના દેશો ભારતીયોને ‘તમે અમારા દેશમાં અમુક નક્કી કરેલ ડોલરનું રોકાણ કરો અને અમે તમને અમારા દેશની સિટિઝનશિપ આપશું. તમે ભલે અમારા દેશમાં પગ પણ મૂક્યો ન હોય તો પણ તમને રોકાણ કરતાં અમારા દેશની સિટિઝનશિપ પ્રાપ્ત થશે અને જો તમે અમારા દેશના સિટિઝન બનશો એટલે તમે અમેરિકામાં બિઝનેસ કરવા માટે ‘ઈ-1’ યા ‘ઈ-2’ વિઝા મેળવી શકશો.’ આવી આવી લોભામણી જાહેરાતો કરે છે. જે કોઈ પણ ભારતીય આ ‘ઈ-1’, ‘ઈ-2’ વિઝા મેળવવાની લહાયમાં યુરોપના જે તે નાના દેશમાં રોકાણ કરીને એ દેશમાં ગયા સિવાય એ દેશની સિટિઝનશિપ પ્રાપ્ત કરે છે અને પછી એ દેશના સિટિઝન તરીકે અમેરિકામાં વેપાર કરવા માટે ‘ઈ-1’ યા ‘ઈ-2’ વિઝાની માગણી કરે છે તેઓ ભારતની સિટિઝનશિપ આપોઆપ ખોઈ બેસે છે અને મોટા ભાગે અમેરિકા આવા ભારતીયો, જેમણે યુરોપના એ દેશોની ત્યાં રહ્યા સિવાય, ત્યાં વેપાર કર્યા સિવાય સિટિઝનશિપ મેળવી હોય અને પછી અમેરિકામાં વેપાર કરવા માટે ‘ઈ-1’ યા ‘ઈ-2’ વિઝાની માગણી કરતા હોય એમની માગણી સ્વીકારતા નથી. એટલે જે કારણસર એમણે યુરોપના એ દેશોમાં રોકાણ કર્યું હોય એ કારણ ફળીભૂત થતું નથી. આટલું જ નહીં, એમણે એ દેશનું નાગરિકત્વ મેળવવા માટે જે રોકાણ કર્યું હોય છે એ ઓછામાં ઓછું અમુક નક્કી કરેલા વર્ષો સુધી પાછું લઈ નથી શકતા. મોટા ભાગે રોકાણ એ દેશમાં બંધાતા નવા મકાનોના અપાર્ટમેન્ટોમાં કરવામાં આવતું હોય છે. અને થોડાં વર્ષો પછી રોકાણની રકમ પાછી મેળવવા માટે ભારતીય રોકાણકારો જ્યારે એમણે જે અપાર્ટમેન્ટ યા પોપર્ટીમાં રોકાણ કર્યું હોય એ જ્યારે વેચવા જાય છે ત્યારે એમને કોઈ કોઈ ખરીદદાર મળતો નથી. અને જો મળે તો એ ભારતીય રોકાણકારે જે રોકાણ કર્યું હોય એનાથી અડધી યા ખૂબ જ ઓછી કિંમત ઓફર કરે છે. ભારતીયોએ ‘ઈ-1’ યા ‘ઈ-2’ વિઝાની લાલચમાં આ મુજબનું યુરોપના એ નાના નાના, ખૂબ ઓછી વસતિ ધરાવતા, પછાત કહી શકાય એવા દેશમાં ‘ઈ-1’, ‘ઈ-2’ની લાલચે રોકાણ કરવું ન જોઈએ. ભારતીયો અમેરિકાએ ઘડેલ આંતરકંપની ટ્રાન્સફરી મેનેજરો, એક્ઝિક્યુટિવો અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ માટેના ‘એલ-1’ વિઝા પ્રાપ્ત કરીને અમેરિકામાં સાત યા પાંચ વર્ષ રહીને ત્યાં બિઝનેસ કરી શકે છે.
આને લગતી વધુ વિગતો હવે પછીના લેખોમાં આપવામાં આવશે.