ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
ભગવાન ઈસુની જન્મજયંતિ નિમિત્તે દેશભરના ચર્ચોમાં રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે અને ખ્રિસ્તી લોકોમાં પણ અનેરો ઉમંગ અને ઉત્સાહ છવાયો છે. આજે 25 ડિસેમ્બરનો દિવસ છે અને આજનો દિવસ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મદિવસના અવસર પર ઉજવવામાં આવે છે. ત્યારે રાજકોટ સહિત સમગ્ર દેશ અને દુનિયામાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાની સાથે જ નાતાલની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ચર્ચ તેમજ ખ્રિસ્તી સમાજના લોકો પોતાના ઘરમાં તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે અને ક્રિસમસના અવસરને ધામધૂમથી ઉજવવા માટે આતુર જોવા મળતા હોય છે. બ્રિટિશકાળમાં વર્ષ 1854 દરમિયાન રાજકોટ શહેરમાં મોચી બજાર ખાતે સૌરાષ્ટ્રના પ્રથમ ચર્ચની સ્થાપના કરવામાં આવી હતી.
જે રાજકોટમાં ’ઇમેક્યુલેટ ક્ધસેપ્શન ચર્ચ’ તરીકે ઓળખાય છે. 170 વર્ષ જુના આ ચર્ચમાં મધર ટેરેસા પણ પધાર્યા હતા. ગત મધરાતે 12 વાગ્યે પ્રથમ નાતાલના ગીતો-કુરબાનાથી ક્રિસમસનું સેલિબ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકોથી લઇ વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાર્થના કરી એક બીજાને મેરી ક્રિસમસ કરી શુભેચછાઓ પાઠવી હતી. આ ઉજવણી મોડી રાત સુધી રાજકોટના ચર્ચમાં ચાલુ રહી હતી. રાજકોટમાં એક-બે નહીં પરંતુ પાંચ ચર્ચ આવેલા છે. મોચીબજાર ખાતે આવેલું ’ઇમેક્યુલેટ ક્ધસેપ્શન ચર્ચ’ સૌથી જૂનું અને પહેલું ચર્ચ છે. આ ઉપરાંત આઈ.પી. મિશન સ્કૂલમાં આવેલું ચર્ચ, કાલાવડ રોડ ઉપર આવેલું પ્રેમમંદિર નામથી જાણીતું ચર્ચ, શ્રોફ રોડ પર અને જામનગર રોડ ઉપર પણ ચર્ચ આવેલું છે.