‘ખાસ-ખબર’ને પોતાની આપવીતી વર્ણવતા અજય જોશીનાં અલ્પેશ 13 લાખ ઓળવી ગયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મની પ્લસ શરાફી મંડળીના સંચાલક અલ્પેશ દોંગા ગરીબોના પૈસા ડબલ કરાવી આપવાની લાલચ આપી પોતાનું ઘર ભરતા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. કરોડોનું ફુલેકુ ફેરવી દેનાર અલ્પેશ દોંગા મની પ્લસ શરાફી મંડળીમાં પૈસા જમા કરાવવા લાલચ આપી ડબલ રકમ આપવી તો એક બાજુ રહી પરંતુ ‘ઉલટા ચોર કોટવાલ કો ડાંટે’ તેવી સ્થિતિ સર્જાય છે. તો મની શરાફી મંડળીમાં પૈસાનું રોકાણ કરવું એ ખોટ ખાવા જેવું છે તેવા એક નહીં પરંતુ અનેક ઉદાહરણો છે.
આજરોજ ‘ખાસ-ખબર’ને પોતાના આપવીતી જણાવતા ભોગ બનનાર અજયભાઈ કૃષ્ણલાલ જોશીએ જણાવ્યું હતું કે અલ્પેશ દોંગાએ અજય જોશી વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ખોટી અરજી કરી હતી અને આ અંગે અજય જોશી દ્વારા તમામ પુરાવા રજૂ કર્યા હતા. અલ્પેશ દોંગા ઘુંટણીયે થતાં 4 મહિનાની અંદર રકમ વ્યાજ સાથે પરત આપવા અજય જોશીને બાંહેધરી પોલીસની હાજરીમાં આપી હતી પરંતુ હજુ સુધી કોઈ રકમ પરત ન કરાતા અજય જોશીને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.
ભોગ બનનાર અજય જોશીએ મની પ્લસ શરાફી મંડળીમાં તા. 6-6-2017ના રોજ 7 લાખ, તા. 25-7-2022ના રોજ 5 લાખ અને તા. 5-3-2020ના રોજ 1 લાખ રૂપિયાની રકમ જમા કરાવી હતી. પોતાની રકમ એક વર્ષનું વ્યાજ 12 ટકા લેખે 6 વર્ષના 24 લાખ 21 હજાર 612 રૂપિયા પરત કરવાના થતા હોય અલ્પેશ દોંગાએ હાથ ખંખેરી લીધા.
આ ભોગ બનનાર ફરિયાદી દ્વારા પોતાની રકમ પરત મળે તે માટે અવારનવાર અલ્પેશ દોંગાને કોલ કરતાં અને રૂબરૂ મળતા પરંતુ ઉલટા ચોર કોટવાલ કો ડાંટે તેમ અલ્પેશે ખોટી ફરિયાદ પૈસાની ઉઘરાણી કરે છે તેવી તા. 21-10-2023ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં કરી હતી. આમ સામાન્ય કર્મકાંડ કરી ઘર પરિવાર ચલાવતા ભોગ બનનાર અજય જોશીએ પણ તમામ રકમ જમા કરાવ્યાની રીસીપ્ટ તાલુકા પોલીસમાં રજૂ કરી હતી છતાં પણ આજ દિન સુધી પોલીસે પણ કોઈ કાર્યવાહી અલ્પેશ દોંગા વિરુદ્ધ કરી નથી. શા માટે પોલીસ અલ્પેશ દોંગા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતી નથી? કોઈ સાંઠગાંઠ હોય શકે તેવી પણ શંકા સેવાઈ રહી હોવાનું જણાવ્યું હતું.
- Advertisement -
અલ્પેશના કારણે જેતપુરના એક એજન્ટે પણ ગળેફાંસો ખાધો હતો
અલ્પેશ દોંગીએ મની પ્લસ શરાફી મંડળીમાં રોકાણકારોએ રોકેલા પૈસા પરત ન આપતા જેતપુરના એક એજન્ટે ગળેફાંસો ખાઈ લીધો હતો અને ત્યાર બાદ પોલીસ ફરિયાદ થઈ હોવાનું જાણમાં આવ્યા બાદ હવે રાજકોટ, મોરબી, સુરતના અનેક રોકાણકારો સાથે એજન્ટોને પણ મની પ્લસ શરાફી મંડળીના સંચાલક અલ્પેશ દોંગાએ ચૂનો ચોપડયાનું કહેવાય છે. એટલું જ નહીં જ્યારે એજન્ટો આ અંગે ફરિયાદ કરતા ત્યારે અલ્પેશ નફ્ફટાઈથી કહેતો કે તમે લોકો મારી ઉપર કેસ કરીને મારું શું બગાડી લેશો? આખુ પોલીસ તંત્ર મારા ખિસ્સામાં છે. ક્રાઈમ બ્રાન્ચ આવી જાઓ મને કોઈની બીક નથી. મની પ્લસ મંડળીમાં આશરે એકાદ ડઝન જેટલા એજન્ટો રાખીને અલ્પેશ દોંગાએ તેમને પોતાના હથિયાર બનાવેલા હતા. એજન્ટોની જાણ બહાર અલ્પેશ તેમને મંડળીમાં સભ્ય બનાવતો અને જો કોઈ એજન્ટને આ અંગે ખબર પડે તો અલ્પેશ બંધ કવરમાં મામુલી રકમ આપીને એજન્ટનું મોં બંધ કરાવતો. આ સાથે જ માર્કેટમાંથી રોકાણકારો ખેંચી લાવનાર એજન્ટને પગાર સિવાય રોકાણની કુલ રકમ પર કમિશન પણ મળતું તેથી એજન્ટો હોંશે હોંશે રોકાણકારો ગોતી લાવતા હતા.
અલ્પેશ દોંગાએ કેટલાંય ગરીબોના પૈસા લૂંટી કરોડોનું ફૂલેકું ફેરવ્યું
વધુમાં અલ્પેશ દોંગા મની પ્લસ શરાફી મંડળીમાં લોકો પૈસાનું રોકાણ કરે તે માટે આકર્ષક અને લોભામણી ઈવેન્ટ યોજતો હતો. રોકાણકારોને ગોવા-થાઈલેન્ડની ટ્રીપ પર લઈ જઈ ગોલ્ડકોઈન આપવાની ઓફર કરતો. આમ અનેક લોકોને પોતાની લોભામણી લાલચમાં ફસાવી અલ્પેશ દોંગાએ કરોડોનું ફૂલેકું ફેરવી નાખ્યું છે.