ચીનની પીછેહઠના દાવા અને ગજઅ અજિત દોવલની ચીન મુલાકાત સમયે જ પેન્ટાગોનનો ઘટસ્ફોટ
ચીનના સૈન્યે 2020 પછીથી સ્થાપિત તેના ફ્રન્ટ મોરચા પર સ્થિતિ જાળવી રાખી, ડી-એસ્કલેશનના કોઈ સંકેત દેખાતા નથી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
પૂર્વીય લદ્દાખમાં ચીનના સૈન્યની પીછેહઠ, દેપસાંગ અને ડેમચોકમાં ભારતીય સૈન્યના પેટ્રોલિંગ, પડોશી દેશ સાથે સુધરી રહેલા સંબંધો સાથે છ પોઈન્ટ મુદ્દે ચીન સાથે સમજૂતીના કેન્દ્ર સરકારના દાવા વચ્ચે અમેરિકાની લશ્કરી થિન્ક ટેન્ક પેન્ટાગોનના એક અહેવાલે હોબાળો મચાવી દીધો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલની ચીન મુલાકાત સમયે જ પેન્ટાગોને દાવો કર્યો છે કે જૂન 2020માં ગલવાન હિંસા પછી ચીને એલએસી નજીક ખડકેલો 1.2 લાખ સૈનિકોનો કાફલો, હોવિત્ઝર તોપ, મિસાઈલના ડિપ્લોયમેન્ટની સ્થિતિ જાળવી રાખી છે. ચીનના સૈનિકોએ માત્ર કેટલાક વિસ્તારમાં જ પીછેહઠ કરી છે.
અમેરિકન લશ્કરી થિંક ટેન્ક પેન્ટાગોને બુધવારે તેનો 2024નો વાર્ષિક અહેવાલ જાહેર કર્યો છે, જેમાં જણાવાયું છે કે ચીન સતત એલએસી તરફ લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સૈન્ય ક્ષમતા વધારી રહ્યું છે. વર્ષ 2020માં ગલવાન હિંસા પછી પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના (પીઆરસી) સતત તેના સૈન્યની તાકાત એલએસી આજુબાજુ વધારી રહ્યું છે. ભારત સાથે શાંતિની વાતો વચ્ચ પણ ચીને તેનું સૈન્ય પાછું હટાવ્યું નથી. રિપોર્ટમાં કહેવાયું છે કે ચીનની સૌથી મોટી કમાન્ડ લદ્દાખ પાસેની વેસ્ટર્ન થિયેટર કમાન્ડ છે. અહીં સરહદ નજીક ચીન તેની તાકાત મજબૂતીથી વધારી રહ્યું છે. અહીં બેઈજિંગે મિલિટ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી કરી રહ્યું છે. તેણે રસ્તા, એરબેઝ અને લોજિસ્ટિક ફેસિલિટીસ બનાવ્યા છે. ચીન આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી એલએસી પર તૈનાત અનેક બ્રિગેડ્સને ટૂંક સમયમાં છેક સરહદ સુધી મદદ પહોંચાડી શકે છે અથવા નવી બ્રિગેડ તૈનાત કરી શકે છે. ચીનના આ કરતૂતોથી ખ્યલા આવે છે કે ચીન વિવાદાસ્પદ સરહદ અને વિસ્તારોમાં કેવી તૈયારી કરી રહ્યું છે.
- Advertisement -
પેન્ટાગોનના વાર્ષિક અહેવાલ મુજબ ચીને લદ્દાખથી અરૂણાચલ સુધી લંબાયેલી 3,488 કિ.મી. લાંબી એલએસી નજીક 1.20 લાખ સૈનિકોની તૈનાતી જાળવી રાખી છે. ચીને સૈનિકોની સાથે ટેન્કો, હોવિત્ઝર્સ, જમીનથી હવામાં પ્રહાર કરી શકાય તેવા મિસાઈલ અને અન્ય અત્યાધુનિક સૈન્ય સાધનો સહિત ભારે વેપન્સ સિસ્ટમ્સ પણ ગોઠવી છે. એલએસીના પશ્ચિમી, મધ્ય અને પૂર્વીય સેક્ટર્સમાં ચીનની 20 સંયુક્ત આર્મ બ્રિગેડ્સ (સીએબી) ફોરવર્ડ મોરચા પર ગોઠવાયેલી હોવાનો રિપોર્ટમાં દાવો કરાયો છે.
ચીને ભારત સરહદે સૈન્યની નિમણૂક કરવાની સાથે ભૂતાન સરહદે નવા 22 ગામડાં વસાવ્યા છે, જેને પગલે સિલિગુરી કોરિડોર અને પૂર્વોત્તર ભારત જોખમમાં મુકાયા છે. ચીને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ડોકલામ વિસ્તારમાં ભૂતાનના વિસ્તારો પર અતિક્રમણ કર્યું છે, જેથી ભારતની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ ગઈ છે.
પેન્ટાગોનના અહેવાલ મુજબ ભારત અને ચીન વચ્ચે 21 તબક્કાની કોર કમાન્ડર સ્તરની વાટાઘાટો છતાં ચીનના સૈન્યે 2020 પછીથી સ્થાપિત તેના ફ્રન્ટ મોરચા પર સ્થિતિ જાળવી રાખી છે, તેમાં ડી-એસ્કલેશનના કોઈ સંકેત જોવા મળતા નથી. સરહદ ક્ષેત્રોમાં પીએલએએ લાંબા સમય સુધી તૈનાતીને સક્ષમ કરી શકે તેવા બેઝ, એરફિલ્ડ અને અન્ય લોજિસ્ટિક નોડ્સનું નિર્માણ કર્યું છે. આ સિવાય ચીનના સૈન્યે વેસ્ટર્ન થિયેટર કમાન્ડ પર ફોકસ કરતા મિશન તિબેટ અને શિનજિયાંગમાં ભારત સાથે ચીનની સરહદોની સુરક્ષા પર ભાર મૂકાયો છે, જેમાં સંયુક્ત હથિયાર બ્રિગેડ, યુએવી યુનિટ અને મિસાઈલ બેઝ સહિત તેના શસ્ત્રાગારને આધુનિક બનાવાઈ રહ્યા છે. ચીનની લાંબા સમય સુધીની તૈનાતી માટેની તૈયારી ભવિષ્યમાં બંને દેશના સૈન્ય વચ્ચે ઘર્ષણની સંભાવનાઓની ચિંતા વધારે છે.
ભૂતાનના ડોકલામ વિસ્તારમાં ચીને નવા 22 ગામડાં વસાવતાં ભારતના સિલિગુરી કોરિડોર, પૂર્વોત્તર ભારત પર જોખમ: ચીનના જોખમને જોતાં ભારતે પણ એલએસી-સરહદે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સૈન્ય તૈનાતી વધાર્યા