જો કે દેગસાંગ અને દેમચોક સિવાયના ક્ષેત્રમાં સ્થિતિ ભારતના નિયંત્રણમાં: પુનામાં નેશનલ ડિફેન્સ એકેડેમીની પાસીંગ આઉટ પરેડને સંબોધન
ભારતીય સૈન્યના ચીફ ઓફ સ્ટાફ જનરલ અનીલ ચૌહાણે જણાવ્યું કે ભારતીય સૈન્યમાં હવે પુરુષો સમકક્ષ જવાબદારી મહિલાઓને મળવા લાગી છે તે એક સૌથી મહત્વનું કદમ છે. પુનામાં નેશનલ ડીફેન્સ એકેડેમીમાં પાસીંગ આઉટ પરેડ સમયે સંબોધન કરતા સીડીએસ જનરલ ચૌહાણે 144મી કોર્પ્સની પરેડનું પણ નિરીક્ષણ કર્યુ હતું અને બાદમાં સંબોધનમાં જણાવ્યું કે પુરુષો સાથે મહિલા કેડેટને પણ કદમથી કદમ મિલાવતા જોઈને હું આનંદ અનુભવુ છું. આજે દેશની મહિલાઓ રાષ્ટ્રીય ફરજમાં જોડાઈ છે તે પણ ગૌરવની વાત છે અને અમે સૈન્યમાં નવી ક્રાંતિ જોઈ રહ્યા છીએ. ટેકનોલોજી દ્વારા સંચાલીત નવી સુવિધા અને શસ્ત્રો પ્રણાલીઓ ભારતીય સૈન્યને મળી રહી છે.
- Advertisement -
તેઓએ દેશમાં આગામી સમયમાં આવી રહેલા પડકારો અંગે કહ્યું કે યુરોપમાં યુદ્ધ, આપણી ઉતરીય સીમા પર પીપલ્સ લિબરેશન આર્મી (ચીની સૈન્ય) ની સતર્ક તૈનાતી અને આપણા નજીકના પાડોશી દેશમાં જે રાજકીય અને આર્થિક ઉથલપાથલ છે તે ભારતીય સેના માટે એક અલગ પ્રકારના પડકાર જેવી છે. જનરલએ જણાવ્યું કે સશસ્ત્ર દળો નિયંત્રણ રેખા પર શાંતિ જાળવી રાખવા પ્રતિબદ્ધ છે અને આપણી સેનાની ભૂમિકા ખૂબ જ નિર્ણાયક છે. તેઓએ ઉમેર્યુ કે ચીનની સેના ઉતરીય સરહદ પર આગળ વધી રહી નથી અને 2020માં જે સ્થિતિમાં હતી
તે યથાવત સ્થિતિ જાળવી રાખવામાં આવી છે અને આપણે શ્રેષ્ઠ પ્રયત્ન કરી રહ્યા છીએ કે સીમા વિવાદ વધે નહી અને આપણા પ્રદેશ પરનો જે દાવો છે તેની કાયદેસરતા પણ બનાવી રાખી છે. સીમા વિવાદ ઉકેલવો તે અત્યંત મહત્વની બાબત છે અને તેમણે ઉમેર્યુ કે દેપસાંગ તથા દેમચોક ક્ષેત્રને છોડીને તમામ સરહદ પર યોગ્ય સ્થિતિ છે. મણીપુર હિંસા અંગે કહ્યું કે આ હિંસાને આતંકવાદીઓ સાથે કોઈ લેવાદેવા નથી. વાસ્તવમાં આ બે જાતિઓ વચ્ચેનો સંઘર્ષ છે અને તેને કાનૂન અને વ્યવસ્થાની સ્થિતિ તરીકે જોવાઈ રહ્યો છે અને સેના અત્યારે લોકોના જીવન બચાવવામાં અને શાંતિ સ્થાપવામાં સક્રીય છે.