ખાસ-ખબર સંવાદદાતા
યુનાઇટેડ નેશન્સે ચેતવણી આપી છે કે દક્ષિણ એશિયામાં લગભગ 46 કરોડ બાળકો કલાયમેન્ટ ચેન્જની અસર વધવાને કારણે અગાઉથી જ ખતરનાક રીતે ઉચ્ચ તાપમાનનો સામનો કરી રહ્યાં છે. જેમાં ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશ સામેલ છે. યુએનની બાળકોની એજન્સીએ સોમવારે એક જાહેરાતમાં જણાવ્યું હતું કે દક્ષિણ એશિયામાં ચારમાંથી ત્રણ બાળકો અગાઉથી જ ઉચ્ચ તાપમાનના સંપર્કમાં છે. જ્યારે વૈશ્ર્વિક સ્તરે ફક્ત ત્રણમાંથી એક બાળક ઉચ્ચ તપામાનના સંપર્કમાં છે.
દક્ષિણ એશિયા માટે યુનિસેફના રિજિયોનલ ડાયરેક્ટર સંજય વિજેસેકરાએ જણાવ્યું છે કે વિશ્ર્વમાં વૈશ્ર્વિક ગરમીનો ડેટા સ્પષ્ટ પણે દર્શાવે છે કે દક્ષિણ એશિયામાં લાખો બાળકોના જીવનને ઉચ્ચ તાપમાનથી ખતરો છે. દક્ષિણ એશિયાના દેશો હાલમાં વિશ્ર્વમાં સૌથી ગરમ નથી પણ અહીંની ગરમી લાખો નબળા બાળકોના જીવન માટે ખતરો પેદા કરે છે. વિજેસેકરાએ જણાવ્યું હતું કે અમે વિશેષ સ્વરૃપે શિશુઓ, બાળકા, કુપોષિત બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે ચિંતિત છીએ કારણકે તે હીટ સ્ટ્રોક અને અન્ય ગંભીર અસરો પ્રત્યે સૌથી વધારે સંવેદનશીલ હોય છે.