હેલ્પલાઇન,ઓનલાઇન પોર્ટલોના માધ્યમથી પીડિતો કેસ નોંધાવવા આગળ આવ્યા, વિશ્લેષણ અનુસાર,એકલા 2022માં બાળકોના દુષ્કર્મના 38,911 કેસ નોંધાયા હતા
ખાસ-ખબર સંવાદદાતા
2016થી 2022 સુધીનાં છ વર્ષમાં બાળકો સાથેના દુષ્કર્મના કેસ 96 ટકા વધ્યા છે. બાળ અધિકારોની બિનસરકારી સંસ્થા (ક્રાઇ) દ્વારા નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના આંકડાના વિશ્લેષણ બાદ આ બાબત સામે આવી છે. ચાઇલ્ડ રાઇટ્સ ફંડ યૂ (ક્રાઇ)માં સંશોધન અને જ્ઞાનવિનિમયના ડાયરેક્ટર શુભેન્દુ ભટ્ટાચારજીએ કહ્યું કે જનજાગરૂકતામાં સુધારો થયા બાદ બાળકો સાથેના જાતીય ગુનાઓના વધારે કેસ નોંધાવાયા છે. બીજી તરફ, આ સંબંધમાં હેલ્પલાઇન, ઓનલાઇન પોર્ટલો, અને ખાસ એજન્સીઓના માધ્યમથી પીડિત અને તેના પરિજનો રિપોર્ટ નોંધાવવા આગળ આવ્યા છે. ક્રાઇ દ્વારા કરાયેલા વિશ્લેષણ દ્વારા જાણવા મળે છે કે એકલા 2021 અને 2022 વચ્ચે આવા કેસોમાં 6.9 ટકાની વૃદ્ધિ થઈ હતી. વિશ્લેષણ અનુસાર, એકલા 2022માં બાળકોના દુષ્કર્મના 38,911 કેસ નોંધાયા હતા.
ભટ્ટાચારજીએ કહ્યું કે બાળ જાતીય શોષણ જેવા સંવેદનશીલ મુદ્દા પર ખૂલીને ચર્ચા કરવાથી સામાજિક મૌન રહેવાની પ્રથા સમાપ્ત થઈ છે. બાળ જાતીય શોષણ વિશે ખૂલીને વાતચીતને પ્રોત્સાહિત કરવા અને કશાય ડર વગર બોલવાથી દુવ્ર્યવહાર સામે વધારે રિપોર્ટ નોંધાવાયા છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાકીય આવશ્યકતાઓની બરાબરી કરવા માટે સુરક્ષાત્મક ઉપાય, બાળ સંરક્ષણ સુનિશ્ચિત કરનારા મજબૂત કાયદા બનાવવા તે આ સંબંધમાં આવશ્યક પગલું છે.
ભટ્ટાચારજીએ બાળકોને ટાર્ગેટ કરનારા જાતીય અપરાધો સામે કાયદાને મજબૂત કરવા તથા નાગરિક સમાજ સંગઠનોની સક્રિય ભાગીદારીની સરાહના કરી બહુઆયામી રણનીતિની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.