વિધાનસભા પેટા ચૂંટણી જીતવા તમામ પક્ષો મેદાને ઉતર્યા
ભાજપમાંથી ચૂંટણી લડવા ઉમેદવારોનું એડીચોટીનું જોર
ધારાસભ્ય વિહોણા તાલુકાના લોકોની સીએમ પાસે આશા અપેક્ષા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢ જિલ્લાનો વિસાવદર અને ભેસાણ તાલુકાની વિધાનસભા બેઠક છેલ્લા એક વર્ષથી ધારાસભ્ય વિહોણી બેઠક ખાલી પડી છે. ત્યારે હવે વિસાવદર બેઠકની પેટા ચૂંટણી યોજાશે તેવા ભણકારા શરુ થયા છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેરાત થાય તે પેહલા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તો ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. જયારે વિસાવદર ચૂંટણી જાહેર થાય તે પેહલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે શુક્રવારના રોજ સવારે વિસાવદર પધારી રહ્યા છે. અને માંડાવાડ પાસે આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્યારે મુખ્યમંત્રી પાસે વિસાવદરની આમ જનતાને વિકાસ કામોની ઘણી આશા અપેક્ષા છે. વિસાવદર – ભેસાણ આ બંને તાલુકાની એક વિધાનસભા બેઠક છેલ્લા એક વર્ષથી ધારાસભ્ય વિહોણી જોવા મળે છે જેમાં પેહલા હર્ષદ રીબડીયા કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા ત્યાર બાદ આમ આદમી પાર્ટીમાંથી ભુપત ભાયાણી વિજય બનતા તેની સામે ચૂંટણી ખર્ચ મુદ્દે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કર્યા બાદ આપના ધારાસભ્ય ભુપત ભાયાણી આપ છોડી ભાજપમાં જોડાયા ત્યાર બાદ હાઇકોર્ટમાં મેટર પેન્ડિંગ હોવાના લીધે છેલ્લા એક વર્ષ વિધાનસભા પેટા ચૂંટણી યોજાય નથી જોકે હવે હર્ષદ રીબડીયાએ પિટિશન પાછી ખેંચી લેતા ચૂંટણીના ભણકારા શરુ થયા છે. અને ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા ચૂંટણી જીતવા મેદાનમાં ઉતરી ગયા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જયારે વિસાવદર તાલુકની મુલાકાતે પધારતા હોય ત્યારે લોકોની મુખ્યમંત્રી પાસે અનેક આશા અપેક્ષા જોવા મળી રહી છે છેલ્લા એક વર્ષથી ધારાસભ્ય વિહોણા તાલુકાના અનેક કામો ટલ્લે ચડયા છે. જેમાં મુખ્ય કામગીરી રોડ રસ્તા બાબતની છે. વિસાવદરને જોડતા અને ગામોના રસ્તા બિસમાર હાલતમાં જોવા મળી રહ્યાં છે. જે બાબતે સ્થાનિક વિવિધ પાર્ટીઓ દ્વારા અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે. બીજી તરફ ભૂગર્ભ ગટર સહીત અનેક ફરિયાદો ઉઠવા પામી છે. આવા અનેક પ્રશ્ર્નોથી ઘેરાયેલ વિસાવદર તાલુકા માટે કોઈ મોટી યોજના જાહેર થાય અને અટકી પડેલ કામો સાથે ભ્રસ્ટાચારના થયેલ આક્ષેપોનો કોઈ નિર્ણય આવે તેવી અપેક્ષા લોકો સેવી રહ્યા છે. વિસાવદર પાલિકામાં થયેલ ભ્રસ્ટાચારના ગંભીર આક્ષેપો મુદ્દે સ્થાનિક તંત્રથી લઈને ઊંચ કક્ષા સુધી ફરિયાદો થવા પામી છે. ત્યારે નગર પાલિકા ચીફઓફીસરની પણ બદલી કરી નાખવામાં આવી છે. હજુ અનેક એવી કામગીરી છે જેમાં મોટા પાયે ભ્રસ્ટાચાર જોવા મળી રહ્યો છે. તે બાબતે પણ મુખ્યમંત્રી કોઈ ઠોસ નિર્ણય લે તેવી લોકો માંથી માંગણી ઉઠવા પામી છે. જોકે હવે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિસાવદર બેઠકને ધારાસભ્ય મળશે અને નવનિયુક્ત ધારાસભ્ય કામ કરશે કે, કેમ તેવા પણ સવાલો ઉભા થયા છે ત્યારે મુખ્યમંત્રી પધારતા હોય એવા સમયે તાલુકાની સમસ્યાનો ઉકેલ આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.