સુરક્ષા દળોએ સ્થળ પરથી એક AK-47 રાઈફલ, એક ઈન્સાસ રાઈફલ, એક BGL લોન્ચર, મોટી માત્રામાં વિસ્ફોટકો, નક્સલ સાહિત્ય અને અન્ય વસ્તુઓ પણ જપ્ત કરી છે.
છત્તીસગઢમાં ચાલી રહેલા નક્સલ વિરોધી અભિયાનને વધુ એક મોટી સફળતા મળી છે. નારાયણપુર જિલ્લાના અબુઝમાડ વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં નક્સલવાદીઓના ટોચના નેતાઓ કોસા અને રાજુ ઉર્ફે વિકલ્પને ઠાર મરાયા છે. બંને લાંબા સમયથી સુરક્ષા એજન્સીઓ દ્વારા વોન્ટેડ યાદીમાં સામેલ હતા. કોસા નક્સલવાદીઓની સેન્ટ્રલ કમિટીનો સભ્ય હતો અને તેના પર 1 કરોડ રૂપિયાનું ઈનામ હતું. રાજુ ઉર્ફે વિકલ્પ પર 70 લાખ રૂપિયાનું ઈનામ હતું.
- Advertisement -
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરક્ષા દળોને આ વિસ્તારમાં નક્સલીઓની હાજરીની સૂચના મળી હતી. ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. આ દરમિયાન નક્સલીઓએ ફોર્સ પર ફાયરિંગ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં થયેલા એન્કાઉન્ટરમાં કોસા અને રાજુ ઉર્ફે વિકલ્પ ઠાર મરાયા. ઘટનાસ્થળેથી AK-47 રાઈફલ, વિસ્ફોટકો અને મોટી માત્રામાં નક્સલી સામગ્રી મળી આવી હતી. એસપી ડૉ. જિતેન્દ્ર યાદવે જણાવ્યું કે, આ કાર્યવાહી નક્સલી સંગઠન માટે મોટો ઝટકો છે. કોસા ટોચનો નક્સલી નેતા ગણાતો હતો અને તે અનેક મોટી ઘટનાઓનો માસ્ટરમાઈન્ડ રહ્યો છે. રાજુ ઉર્ફે વિકલ્પ પણ સંગઠનમાં મહત્ત્વપૂર્ણ ચહેરો હતો.
આ બંનેના મૃત્યુ નક્સલવાદી નેટવર્કની વ્યૂહાત્મક ક્ષમતાને નબળી પાડી દેશે. સુરક્ષા દળોનું કહેવું છે કે, છેલ્લા એક વર્ષમાં નક્સલ વિરોધી અભિયાન સતત તેજ બન્યું છે. અત્યાર સુધીમાં 36 નવા સુરક્ષા કેમ્પ સ્થાપિત કરવામાં આવ્યા છે. 496 માઓવાદીઓ આત્મસમર્પણ કરી ચૂક્યા છે. 193 નક્સલવાદીઓ માર્યા ગયા છે અને લગભગ 900 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આનાથી સંગઠનનું માળખું નબળું પડ્યું છે. સરકાર અને સુરક્ષા એજન્સીઓએ માર્ચ 2026 સુધીમાં નક્સલવાદને નાબૂદ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. હવે, આ લક્ષ્ય સુધી પહોંચવા માટે માત્ર સાત મહિના બાકી છે.
બીજાપુરમાં નિર્ણાયક લડાઈ
- Advertisement -
બીજાપુર જિલ્લો હાલમાં સૌથી વધુ માઓવાદી પ્રભાવિત વિસ્તાર માનવામાં આવે છે. નિષ્ણાતોનું માનવું છે કે નિર્ણાયક લડાઈ બીજાપુર અને આસપાસના વિસ્તારોમાં જ થશે. સ્થાનિક સ્તર પર રસ્તા, પુલ, વીજળી, આરોગ્ય અને શિક્ષણ જેવા સ્થાનિક માળખાગત સુવિધાઓની વધતી પહોંચ પણ નક્સલવાદ પર અંકુશ લગાવી રહી છે.




