લોકેશ રાહુલ લખનઉનો કેપ્ટન બની શકે
પંત દિલ્હીના કેપ્ટન તરીકે જારી રહેશે, શ્રેયસને દિલ્હી રિલીઝ કરી શકે
ખાસ-ખબર સંવાદદાતા
આઇપીએલે આગામી સિઝનની મેગા હરાજી પહેલા પ્લેયર રિટેનેશન પોલિસી જાહેર કરી દીધી છે. જે પછી ફ્રેન્ચાઈઝીઓ કયા ખેલાડીઓને રિટને કરવા અને કયા ખેલાડીઓને પડતા મુકવા તેની યાદી તૈયાર કરવામાં વ્યસ્ત બની ગઈ છે. ચેન્નાઇ સુપર કિંગ્સ તેના કેપ્ટન ધોનીને આગામી ત્રણ સિઝન માટે રિટેન કરશે તેવો દાવો એક મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
રિપોર્ટ જણાવે છે કે, ધોનીની સાથે સાથે રવિન્દ્ર જાડેજા અને ઋતુરાજ ગાયકવાડને પણ રિટેન કરવાનું ચેન્નાઈ સુપર કિગ્સે નક્કી કરી લીધું છે. જ્યારે ચોથા ખેલાડી તરીકે રિટેન થવા માટે મોઈન અલીનું નામ ચર્ચામાં છે.
- Advertisement -
પંજાબ કિંગ્સ છોડવાનું મન બનાવી ચૂકેલો કે.એલ. રાહુલ લખનઉની ટીમનો કેપ્ટન બની શકે છે. જ્યારે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે પંતનું નામ નક્કી જ મનાય છે. ત્યારે શ્રેયસ ઐયરને ફ્રેન્ચાઈઝી તેની ઈચ્છા મુજબ રિલીઝ કરે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. તે પણ અન્ય ફ્રેન્ચાઈઝીમાં કેપ્ટન બની શકે છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ કેપ્ટન રોહિત શર્મા અને ફાસ્ટર બુમરાહને ટીમમાં જાળવી રાખશે તેમ મનાય છે. આ સિવાય હાર્દિક પંડ્યા પડતો મૂકાશે તે નક્કી લાગી રહ્યું છે. જ્યારે કોલકાતાની ટીમના રિટેનર ખેલાડીઓની યાદીમાં હાલ રસેલ અને નારાયણ સૌથી આગળ ચાલી રહ્યા છે.