શ્રીરામ માટે બનેલી ચરણ પાદુકાનું સોમનાથમાં ભવ્ય સ્વાગત
મંત્રોચ્ચાર અને પુષ્પ વર્ષા સાથે પ્રભુ રામની ચરણ પાદુકાનું અભિવાદન
- Advertisement -
પાદુકા 1 કિલો સોનાં અને 8 કિલો ચાંદીમાંથી બનાવવામાં આવી છે
ખાસ-ખબર સંવાદદાતા
અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામ ભગવાનનું ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે ત્યારે આગામી તા.22 જાન્યુઆરી 2024ના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શ્રીરામ મંદિરમાં બિરાજમાન પ્રભુ રામની પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ ભવ્ય ધાર્મિક પ્રસંગ સમારોહમાં દેશની અનેક હસ્તીઓ ઉપસ્થિતમાં યોજાશે અને અયોધ્યામાં નિર્માંણ પામેલ શ્રીરામ મંદિરના સમારોહ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશભરમાં અયોધ્યા રામ મંદિર માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહી છે ત્યારે શ્રીરામ ભગવાન માટે બનેલ રજત અને સુવર્ણની ચરણ પાદુકાનું સોમનાથ ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંત્રોચ્ચાર અને પુષ્પ વર્ષા સાથે પ્રભુ રામની ચરણ પાદુકાનું અભિવાદન કરાયું તથા અયોધ્યામાં પ્રભુ રામલલ્લા માટે નિર્માણ કરાયેલ ચરણ પાદુકા દેવાધી દેવ સોમનાથ મહાદેવના દરબારમાં પહોંચી હતી.
મંત્રોચાર સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને જય શ્રીરામના મંત્રોચાર સાથે સોમનાથ મહાદેવ મંદિર ગુંજી ઉઠ્યું હતું.
શ્રીરામ મંદિરમાં અર્પણ કરવામાં આવનાર સોનાના આવરણવાળી 8 કિલો ચાંદીથી બનેલ ચરણ પાદુકા દેશભરમાં લઈ જવામાં આવી રહી છે ત્યારે આ ચરણ પાદુકા 1 કિલો સોના અને 8 કિલો ચાંદીમાંથી બનાવવામાં આવેલ છે અને હૈદરાબાદના શ્રીચલ શ્રીનિવાસ શાસ્ત્રીએ આ પદુકાનું નિર્માણ કર્યું છે.
સોમનાથ મંદિરે તા.19મી ડિસેમ્બર મંગળવારના રોજ સોમનાથ જ્યોતિર્લિંગ ધામમાં આ પાદુકા લાવવામાં આવેલ જેનું સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, સ્થાનિય ભૂદેવો અને પધારેલ ભક્તો દ્વારા પુષ્પ વર્ષા અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું તથા શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ સમક્ષ પ્રભુ શ્રીરામ માટે બનેલ આ પાદુકાને વિરાજમાન કરીને શ્રી સોમનાથ મંદિરના પૂજારી શ્રી દ્વારા વિધિ વિધાનથી પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે શ્રીચલ શ્રીનિવાસે પણ આ પાદુકા હાથમાં લઈને 41 દિવસ સુધી અયોધ્યામાં નિર્માણાધીન મંદિરની પરિક્રમા કરી છે.