ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ડિજિટલમોડનો પ્રારંભ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા આગામી સમયમાં યોજાનાર પી.જી. બી.એડ સેમેસ્ટર-1 તેમજ પી.જી.,બી.એડ, એલ.એલ.બી, સેમેસ્ટર-3ની પરીક્ષા યોજાનાર છે, ત્યારે પરીક્ષા પધ્ધતિમાં પરિવર્તન સાથે સરળીકરણ આવે તે દિશામાં યુનિ. દ્વારા પરીક્ષા પધ્ધતિનાં સઘળા માપદંડોને અનુસરીને પરીક્ષાલક્ષી ક્વેશન પેપર ડીલીવરી સીસ્ટમ નવી પધ્ધતિથી અમલવારી કરવામાં આવનાર છે. જેનાં પરિપાક સ્વરૂપ યુનિ. સંલગ્ન કાર્યક્ષેત્રીય ગિરસોમનાથ, પોરબંદર, દૈવભુમિ દ્વારકા જિલ્લાની વિવિધ કોલેજોનાં પરિક્ષાર્થિઓ જે પરીક્ષાકેન્દ્ર ખાતે ત્યાં ઈ-મેઇલ દ્વારા નિશ્વિત સમયે પેપર રવાનગી કરવામાં આવશે.
- Advertisement -
જેના માટે સંલગ્ન પરિક્ષા કેન્દ્રનાં આચાર્યશ્રીને યુઝર આઇ.ડી, પાસવર્ડ, ઓટીપી સિસ્ટમ દ્વારા પરિક્ષા પધ્ધતિની પારદર્શીતા બાબતે આજરોજ ઈન્ફુયુનિટી વિભાગનાં પંકજભાઇ પાંઉ દ્વારા તાલીમ આપવાનો કાર્યક્રમ યુનિવર્સીટીનાં કુલપતિ પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આ તાલીમ કાર્યક્રમમાં પરિક્ષા દરમ્યાન સલામતિનાં, સાવચેતિનાં વિષયો અંગે પરિક્ષા સાથે સંકળાયેલ અધિકારીને માર્ગદર્શિત કરવા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પરિક્ષા પધ્ધતિમાં સાંપ્રત ડિઝીટલ યુગમાં આવી રહેલ બદલાવો, અને તેની સ્વિકૃતિ અંગે કાર્ય સાથે સંકળાયેલ સૈા કર્મયોગીઓને કુલપતિ ત્રિવેદીએ માર્ગદર્શિત કર્યા હતા. તાલીમ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત એસપી દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે સરકાર અને યુનિ. દ્વારા આવી રહેલ બદલાવો અને ડિઝીટલ યુગનાં સમયમાં કરવાપાત્ર ફેરફારોને કાર્ય સરળીકરણ રૂપે નીરખી પરિક્ષાકાર્ય સાથે સંકળાયેલ સૈાને બિરદાવ્યા હતા. પોલીસ અધિક્ષકે આ તકે વિવિધ કોલેજોમાંથી પધારેલ આચાર્યશ્રી, પ્રાઘ્યાપકગણને સંબોધતા જણાવ્યુ હતુ કે સાંપ્રત સમયમાં યુવાનો ડ્રગ્સનાં રવાડે ના ચડે તે દીશામાં કાળજી રાખવાની પોલીસ સાથે સામાજીક સંસ્થાઓ અને લોકોની પણ ફરજ છે. આજે ડ્રગ્સનું દુષણ નિવારવા અને સાયબર ફ્રોડનાં બનાવો સામે પડકાર ઝીલવા પોલીસ વિભાગ કમરકસી રહ્યો છે ત્યારે આ કાર્યમાં લોકસહયોગ પણ એટલો જ જરૂરી હોય આપશ્રી જ્યારે કોલેજકક્ષાએ યુવાનોનાં શૈક્ષણિક કાર્યથી જોડાયા હોય એવા સમયે વૈશ્વિક પડકારો વિષે લોકજાગૃતિ કેળવાઇ તે પણ ઈચ્છનિય છે. ક્વેશન પેપર ડિલીવરી સિસ્ટમનાં તાલીમ કાર્યક્રમ દરમ્યાન પરિક્ષા નિયામક ડો. ડી.એચ.સુખડીયા, યુનિ.નાં વિભાગીય વડા, વિવિધ પરિક્ષા કેન્દ્રોનાં આચાર્યશ્રીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.