ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયાના નિયમોમાં સુધારાની સાથે ફરિયાદોના નિવારણ અધિકારીઓના નિર્ણયો વિરુદ્ધ દાખલ અરજીઓ પર વિચારણા કરવના માટે ફરિયાદ એપેલેટ કમિટિ સ્થાપવા વિચારણા હાથ ધરી છે.
માહિતી અને પ્રસારણ નિયમ, 2021માં સુધારા માટે જાહેર કરાયેલા એક નોટિફિકેશન મુજબ આ સમિતિએ અપીલ મળ્યાના 30 દિવસમાં ફરિયાદનો નિકાલ કરવાનો રહેશે. આ નિર્ણય સંબંધિત ઈન્ટરમીડિયરિસ અથવા મોટી સોશિયલ મીડિયા કંપનીઓને બંધનકર્તા રહેશે. ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ’સામુદાયિક દિશાનિર્દેશો’ (કોમ્યુનિટી ગાઈડલાઈન્સ)ના કથિત ભંગને ટાંકીને છેલ્લા કેટલાક સમયથી અનેક ચર્ચાસ્પદ સેલિબ્રિટીઓ સહિત અનેક વપરાશકારોના એકાઉન્ટ બંધ કરી દીધા છે. એવામાં સરકાર તરફથી આ પગલું ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રસારણ મંત્રાલય (એમઈઆઈટી)એ એક નોટિફિકેશનના મુસદ્દામાં કહ્યું, કેન્દ્ર સરકાર એક અથવા વધુ ફરિયાદ એપેલેટ સમિતિઓની રચના કરશે. આ સમિતિમાં એક ચેરપર્સન અને અન્ય સભ્ય હશે. કેન્દ્ર સરકાર સત્તાવાર ગેઝેટમાં નોટિફિકેશન દ્વારા સમિતિની રચના કરે તેવી શક્યતા છે. નવા નિયમો હેઠળ ફરિયાદ અધિકારીઓના નિર્ણયો વિરુદ્ધ યુઝર તેની અપીલ દાખલ કરી શકે છે. આ અપીલનો 30 દિવસમાં ઉકેલ લાવવાનો રહેશે. નોટિફિકેશનના મુસદ્દા મુજબ ફરિયાદ એપેલેટ સમિતિ યુઝરની અપીલ પર ઝડપી કાર્યવાહી કરશે. સમિતિ દ્વારા અપાયેલા પ્રત્યેક આદેશનું પાલન સંબંધિત ઈન્ટરમીડિયરીસે કરવાનું રહેશે.