સ્ટેટ હાઇવે ઉપર આવેલ ચાર ચોકમાંથી પશુઓનો જમાવડો દુર કરવા પ્રવાસીઓ તથા પ્રજાની માંગણી
ખાસ-ખબર ન્યૂઝ તાલાલા
- Advertisement -
તાલાલા તાલુકાનાં આંકોલવાડી ગીર ગામમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે નાં તાલાલા-ઉના માર્ગ ઉપર ચાર ચોકમાં રખડતા પશુઓ આખો દિવસ અડિંગો જમાવતા હોય ગામની પ્રજા ઉપરાંત ઉના-દિવ તરફથી સાસણગીર જતા આવતા પ્રવાસીઓ પરેશાન થઈ ગયા છે.
આંકોલવાડી ગીર ગામમાં ઠેરઠેર રખડતા માલઢોર વારંવાર સ્ટેટ હાઇવે ઉપર આવેલ ચાર ચોક વિસ્તારમાં આવી આખો દિવસ અડીંગો જમાવતા હોય સ્ટેટ હાઇવે ઉપર થી પસાર થતા જામવાળા,કોડીનાર,દિવ તરફથી આવતા પ્રવાસીઓ માટે આંકોલવાડી ગીર ગામની ચોકડી વધારાની ચેક પોસ્ટ બની ગઈ છે.તાલાલા થી જામવાળા,કોડીનાર,ઉના,દિવ તરફ જતા માર્ગ ઉપર આંકોલવાડી ગામ પાસે ચાર ચોક આખો દિવસ ટ્રાફિક થી ધમધમે છે.આંકોલવાડી વિસ્તારના દશ થી બાર ગામના લોકોનું ખરીદી કરવા માટેનું આંકોલવાડી ગીર ગામ મુખ્ય મથક છે જેથી આ ચોકમાં લોકોનો ભારે ટ્રાફિક રહે છે.આ ઉપરાંત પ્રવાસીઓનો પણ આખો દિવસ ભરપૂર ટ્રાફિક રહે છે આવી પરીસ્થિતિ માં રખડતા માલઢોર ચાર ચોકમાં અડિંગો જમાવીને બેઠા હોય પ્રવાસીઓ તથા ગ્રામીણ પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે.આંકોલવાડી ચાર ચોકમાંથી પસાર થતા પ્રજા તથા પ્રવાસીઓને બાનમાં લેનાર રખડતા માલઢોરને માર્ગ ઉપરથી દુર કરવા લાગતા વળગતા સત્તાવાળાઓ તુરંત ઘટતું કરે તેવી બુલંદ માંગ ઉઠી છે.