મોરબી પંથકના યુવાનો દેત્રોજના કુકવાવ ગામે લૌકિક ક્રિયામાં હાજરી આપવા જતા હતા ત્યારે રસ્તામાં જ કાળ ભરખી ગયો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકાના ચાર યુવાનો દેત્રોજના કુકવાવ ગામે લૌકિક ક્રિયામાં હાજરી આપવા જતા હતા તે દરમિયાન સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી દસાડાથી જૈનાબાદ વચ્ચે તેની કારને એક કાળમુખા ટ્રકે ધડાકાભેર ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજતાં ઓહાપોહ મચી ગયો છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના પાટડી દસાડાથી જૈનાબાદ જતા હાઇવે ઉપર સ્વિફ્ટ કારને માતેલા સાંઢની માફક આવતા ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી જેથી સ્વીફ્ટ કાર રોડ ઉપરથી પલટી મારીને નીચે ઉતરી જતા કારમાં સવાર ચાર યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માતના આ બનાવ અંગે દસાડા પીએસઆઇ વી. આઈ. ખડીયાએ જણાવ્યું હતું કે, ચારેય મૃતકો મોરબી જીલ્લાના છે જેમાં ઈન્દ્રજીતસિંહ જટુભા ઝાલા (ઉં.વ. 22, રહે મોડપર, તા.જી. મોરબી), મુક્તરાજ કલુભા ઝાલા (ઉં.વ. 34, રહે. મોડપર, તા.જી. મોરબી), સિધ્ધરાજસિંહ પાંચુભા જાડેજા (ઉં.વ. 33, રહે. વીરપરડા, તા.જી. મોરબી) અને વિજયભાઈ મોમજીભાઈ મુછડીયા (ઉં.વ. 25, રહે. ઈન્દિરાનગર, મહેન્દ્રનગર, મોરબી) નો સમાવેશ થાય છે. આ ચારેય મૃતકો લૌકિક ક્રિયામાં હાજરી આપવા દેત્રોજના કુકવાવ ગામે જઈ રહ્યાં હતા ત્યારે આ અકસ્માત સર્જાતા ચાર યુવાનોને કાળ ભરખી ગયો હતો.