નૃશંસ હત્યાકાંડ દર્શાવતી એટલી વાસ્તવિક ફિલ્મ કે જેમાં અભિનય કરનારા કલાકારો જીવતાં છે એ સાબિત કરવા કોર્ટમાં રજૂ કરવા પડેલાં!
વાત એટલી ખતરનાક ઈટાલિયન ફિલ્મની કે જે બનાવ્યા બાદ ખુદ ડિરેક્ટરને એ બનાવવા બદલ પસ્તાવો થયેલો
તુષાર દવે
તમે વિચાર કરો કે ફિલ્મ શોલેમાં બચ્ચન મરી જાય છે એની હત્યા એટલી ક્રૂર અને વાસ્તવિક બતાવવામાં આવી હોય કે એ જોઈને દર્શકોને ખરેખર વિશ્વાસ થઈ જાય કે ફિલ્મના દૃશ્યને અતિવાસ્તવિક બનનાવવા માટે દિગ્દર્શકે બચ્ચનનો જીવ લઈ લીધો છે તો! એટલુ ઓછું હોય એમ બચ્ચન ક્યાંક મળે જ નહીં તો શંકા કેવી બેવડાય! એ સંજોગોમાં મામલો કોર્ટમાં જાય અને બચ્ચન મરી નથી ગયો એ સાબિત કરવા રમેશ સિપ્પીએ બચ્ચનને કોર્ટમાં હાજર કરવો પડે તો કેવું લાગે! આવું એક ફિલ્મ માટે ખરેખર બનેલું. 1980માં આવેલી ફિલ્મ ’કેનિબલ હોલોકાસ્ટ’ માટે.
કેનિબલ હોલોકાસ્ટ એટલે નરભક્ષી હત્યાકાંડ. ફિલ્મનો પ્લોટ એવો છે કે એમેઝોનના વરસાદી જંગલોમાં વસતા આદિવાસીઓ પર ડોક્યુમેન્ટ્રી બનાવવા ગયેલી એક ટૂકડી સાથે નરભક્ષી જે ક્રૂરતા આચરે છે એનું અહીં શબ્દોમાં વર્ણન શક્ય નથી. એ ટૂકડીના કેટલાય સભ્યો આદિવાસીઓના હાથે બલી ચડી જાય છે અને પરત ફરતા નથી. એ ટીમ સાથે ગયેલો એક પ્રોફેસર મોરોન યેનકેન પ્રકારેણ ભાગીને પાછો આવવામાં સફળ રહે છે. બીજી તરફ ન્યૂયોર્કમાં પાન અમેરિકન બ્રોડકાસિ્ંટગ સિસ્ટમ મોરોનને એ ડોક્યુમેન્ટ્રી ઓનએર કરવા માટે આમંત્રણ આપે છે. ભયભીત મોરોન એમ કરવાની ના પાડે છે. બ્રોડકાસ્ટ સર્વિસના ખુબ દબાણ બાદ મોરોન એમને એ અસલી અને અનએડિટેડ ફૂટેજ બતાવે છે જે અત્યાર સુધી માત્ર એણે જ જોયા હોય છે. એ ફૂટેજ જોઈને બધાંની આંખો પહોળી થઈ જાય છે. એમાં એટલી બધી અને એ હદની ક્રૂરતા ભરી હોય છે કે લાગે કે આવું માણસજાત કરી જ ન શકે. આ નક્કી કોઈ રાક્ષસોનું જ કામ હોઈ શકે.
મિલાનમાં ફિલ્મનું પ્રિમિયર થયા બાદ ઈટાલીની આખા ફિલ્મજગતમાં હોબાળો મચી ગયો. કેટલાક ફિલ્મ ક્રિટિક્સે નોંધ્યું કે ફિલ્મમાં બતાવાયેલા હત્યાના દૃશ્યો વાસ્તવિક છે. જેના પગલે તાત્કાલિક કોર્ટ દ્વારા ફિલ્મની બધી કોપી જપ્ત કરીને અશ્લિલતાના આરોપ હેઠળ ડિરેક્ટર ર્રોજ્જેરો ડિયોદાતોની ધરપકડ કરી લેવામાં આવી. પછીથી તેના પર હત્યાનો આરોપ પણ લાગ્યો. કારણ કે ફિલ્મના એ ભયંકર દૃશ્યો જોઈને કોર્ટને લાગતું હતું કે ફિલ્મમાં કોઈ એક્ટરની તો ઓન કેમેરા હત્યાં થઈ જ છે.
લોકો અને અદાલત પણ આવું માનતી થઈ ગઈ એની પાછળ પણ આ ડિરેક્ટરનું ખુરાફાતી દિમાગ અને એક અજાયબ કોન્ટ્રાક્ટ જવાબદાર હતો. ડિરેક્ટરે ફિલ્મમાં કામ કરનારા દરેક કલાકાર સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો કે શૂટિંગ પૂર્ણ થયા બાદ એ લોકોએ એક વર્ષ સુધી અંડરગ્રાઉન્ડ થઈ જવું. જેથી ફિલ્મમાં તેઓ ખરેખર મરી ગયા છે તેવો ભ્રમ પેદા થાય. હવે એના પોતાના જ કર્યાં પોતાને ભારે પડી રહ્યાં હતાં. એ જેલમાં હતો અને એના પર હત્યાઓનો આરોપ હતો. એણે યેનકેન પ્રકારે એક કલાકાર લુકા બાર્બારિસ્કીનો કોન્ટેક્ટ કર્યો અને એને કહ્યું કે તારા સિવાયના બીજા જે ત્રણ કલાકારો અંડરગ્રાઉન્ડ થયા છે એમને ગમે ત્યાંથી શોધી લાવ. અંતે એ તમામને ફિલ્મમાં ઓન કેમેરા મારી નથી નાંખવામાં આવ્યાં પણ જીવતા છે એ પૂરવાર કરવા કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં અને ડિરેક્ટરને હત્યાના આરોપોમાંથી મૂક્તિ મળી. ફિલ્મના વર્ષો બાદ એક ઈન્ટરવ્યૂમાં ડિરેક્ટર ર્રોજ્જેરો ડિયોદાતોએ આ ફિલ્મ બનાવવા બદલ પસ્તાવો પણ વ્યક્ત કર્યો હતો કારણ કે ફિલ્મમાં માણસો ખરેખર ભલે ન મર્યાં હોય, પણ ફિલ્મમાં પશુ-પ્રાણીઓની હત્યાના જે દૃશ્યો હતા એ રિયલ હતાં. કલાકારો પાસે ખરેખર ડુક્કર, વાંદરા, સાપ અને કાચબા જેવા જીવોની હત્યા કરાવવામાં આવી હતી. કાચબાવાળું દૃશ્ય ભજવીને એક્ટર પેરી પિર્કનેન તો રડી પડેલો.
વેલ, આ ફિલ્મ આખી અથવા કટકે કટકે યુ ટ્યુબ પર મળી રહેશે. પ્રયોગશીલ ફિલ્મોના અભ્યાસુઓ સિવાય કોઈ કાચા-પોચા હદયના માણસોએ જોવાની હિંમત કરવી નહીં.
- Advertisement -
વિઝ્યુઅલની ‘ફાઉન્ડ ફૂટેજ’ ટેકનિકનો પાયો નાખ્યો
આ ફિલ્મે વિઝ્યુઅલલમાં ફાઉન્ડ ફૂટેજ ટેકનિક કે જોનરનો પાયો નાંખ્યો હોવાનું મનાય છે. ફાઉન્ડ ફૂટેજ ટેકનિક એટલે કે કોઈ વ્યક્તિ કે ગ્રૂપ ગાયબ થયું અને પછીથી એમના કેમેરામાંથી જે ફૂટેજ મળે એના આધારે વાર્તા આગળ ચાલે. ફૂટેજ સાવ રો હોય. કેમેરો કોઈના હાથમાં હોય કે ક્યાંક પડ્યો હોય અથવા સીસીટીવી કેમેરા હોય, કેમેરો હલન ચલન ન કરતો હોય. પાત્રો એની સામે જ્યાં જેટલું કરે એટલું જ દેખાય. પછી અનેક હોરર ફિલ્મોમાં માહૌલ વધુ ડરામણો બનાવવા આ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો. બહુ ચાલેલી ’પેરાનોર્મલ એક્ટિવિટી’ સિરિઝ એનું એક ઉદાહરણ છે. ભારતમાં ’રાગીણી એમએમએસ’ અને ’લવ, સેક્સ ઓર ધોખા’ જેવી ફિલ્મોમાં આ ટેકનિકનો આંશિક ઉપયોગ જોવા મળ્યો.
ફેક્ટ્સ
50 દેશમાં પ્રતિબંધિત, જાપાનમાં સેક્ધડ હાઈએસ્ટ ગ્રોસિંગ
વિશ્ર્વના લગભગ 50 જેટલા દેશોએ આ ફિલ્મની અલગ અલગ સમયગાળા પૂરતી બેન કરી હતી.
1982માં જાપાનમાં સૌથી વધુ વકરો કરવામાં આ ફિલ્મ બીજા નંબરે રહી હતી.
ડિરેક્ટરે એક વાર કહેલું કે એને આ ફિલ્મનો વિચાર એનો પુત્ર એક ન્યૂઝ રિપોર્ટ જોઈ રહ્યો હતો ત્યાંથી આવ્યો હતો. એ ન્યૂઝમાં જર્નાલિસ્ટ હિંસા પર જ ફોકસ કરી રહ્યાં હતાં. એમના એંગલ જ એવા હતા કે વધુને વધુ સેન્સેલાઈઝ્ડ રીતે હિંસા પ્રસ્તુત થાય.
વિશ્ર્વમાં આ ફિલ્મનો એક કલ્ટ છે. ઘણાં લોકો ડિરેક્ટર ઈચ્છતો હતો એ રીતે આ ફિલ્મમાં સાચી હત્યાઓ થઈ હોવાનું માને છે.
ડિરેક્ટર ર્રોજ્જેરો ડિયોદાતોએ ટોરેન્ટિનો અને ઓલિવર સ્ટોન જેવા માંધાતા ડિરેક્ટર્સને પણ પ્રેરણા આપી છે.