ગોઠિયાને છોડી ગુગલને ગળે મળે છે ,
આ છોકરાઓ પણ કેવી ભાઈબંધી કરે છે..!
નિતાંતરીત: નીતા દવે
- Advertisement -
માનવજાત ધીમે ધીમે કુદરતનો ખોળો છોડી અને કૃત્રિમતા તરફ વધારે ઢળી રહિ છે. આપણે ઝડપીથી પરિવર્તનશીલ થઈ રહેલા સમયમાં જીવી રહ્યા છીએ. હજુ થોડા વર્ષો પહેલા મોબાઇલનો આવિષ્કાર થયો અને લોકોમાં તેનો ઉપયોગ અને ફાયદા વધવા લાગ્યા. ત્યાર પછી એન્ડ્રોઇડ તકનીક આવી જેણે જગતને વધારે સંગ્રહિત અને સંકુચિત બનાવી દીધું અને હવે આવેલી નવી એ.આઇ ટેક્નોલોજી તો જાણે માણસ નો પર્યાય બનીને આવી છે. જે કામ એક માણસ કરી શકે તે બધાં જ કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ પણ કરી જાણે છે. આ ટેકનોલોજી એ માણસને સમાજ, સંબંધો, અને કુટુંબથી બિલકુલ અટુલો પાડી દીધો છે.વ્યક્તિ સ્વ કેન્દ્રીત બનતો જાય છે અને મિત્રો અને સ્વજનો થી વિખૂટો પડતો જાય છે.આ ઇન્ટેલિજન્સી તેની સાથે હસે છે, રડે છે, શિખામણ આપે છે, સલાહ આપે છે, અને એક વ્યક્તિની જેમ સમયે તેની સંભાળ પણ રાખે છે..! આટલી સુવિધા મળ્યા પછી માણસ એવો વિચાર કેળવતો થયો છે કે, જયારે બધી જ સગવડ હાથ વગી છે તો પછી સંબંધો અને સમાજની જરૂરિયાત શું..?પરંતુ અહીંયા એક પ્રશ્ર્ન થાય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું ખરેખર એટલું સક્ષમ છે..કે, તે એક માનવીના જીવનમાં તેના સ્વજનની ખોટ પૂરી કરી શકે..? રડવા માટે હુંફાળો ખંભો આપી શકે.?
હસવા માટે પગ માં ગલી ગલી કરી શકે.? અને મિત્રો સાથે પર્વતો પર ચઢી અને રખડવાનો આનંદ માણી શકે..? ચાલતા ચાલતાં પગમાં ઠોકર વાગશે ને લોહી નીકળશે તો એ દવાઓ સજેશ કરશે, તમે બોલશો અને જો ડોકટરનાં નંબર સેવ હશે તો ત્યાં કોલ લગાડી આપશે..પરંતુ દોડીને ઘરમાંથી ફસ્ટ એડ બોક્ષ નહિ લાવી આપે.. તમારી પીઠ પસવારી આશ્વાસનનાં બે શબ્દો નહિ કહી શકે અને મોઢેથી ફૂંક મારી તમારાં ધાવને ઠંડક નહિ પહોંચાડી શકે..!તેને માટે એક સ્વજનની જ જરૂરિયાત પડે છે.એક એવાં અંગતની જરૂર પડશે કે જે તમારા સુખ માં આનંદ પામી શકે અને દુ:ખમાં તમારી જોડે બેસી ને રડી શકે. યંત્ર સાથ આપી શકે સધિયારો નહિ. પરંતુ પ્રશ્ર્ન એ છે કે દરેક વ્યક્તિ પાસે આવું એકાદ પણ પોતીકું જણ હોય છે ખરું..?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ.. નામની સાથે જ કૃત્રિમતા જોડાયેલી છે તો તેને સ્વાભાવિક રીતે જ માનવ જીવન સાથે સહજ કેવી રીતે વણી શકાય..? કૃત્રિમ બુદ્ધિથી ચાલતું યંત્ર માનવીય સંવેદનાઓને કેવી રીતે જીલી શકે.? શું કારણ હોય શકે કે ઈશ્વરના શ્રેષ્ઠ સર્જન એવો મનુષ્ય માનવીય સંવેદનાઓને છોડી અને કૃત્રિમ યંત્ર પાસે લાગણીની અપેક્ષાઓ રાખતો થયો છે..? માનવીય મૂલ્યોના અર્કને છોડીને કૃત્રિમતાના અત્તરને પાછળ પાગલ થયો છે..? કારણો વિભિન્ન હોય શકે પરંતુ એટલું તો ચોક્કસ કહી શકાય કે આજના સમય પ્રમાણે એક કૃત્રીમયંત્ર માનવીયની લાગણીની બરોબરી કરતું થયું છે. સમયની સાથે માણસ પોતાની વ્યક્તિગત સ્વતંત્રતા જંખતો થયો છે.તેને સંબંધોના બંધન પરવડતા નથી અને લાગણીનું અવલંબન તે સ્વીકારી શકતો નથી.આવી પરિસ્થિતિમાં જે સહજ પ્રાપ્ય છે તેવાં કૃત્રિમ યંત્રને પોતાના સ્વજનનું સ્થાન આપી રહ્યો છે. કૃત્રિમ લાગણીઓ વચ્ચે જીવીને પણ તે પોતાનું જીવન ભર્યું ભર્યું અનુભવી શકે છે.કૃત્રિમતા વ્હાલી લાગવાનું એક કારણ એવું પણ હોય શકે કે,તે યથાવત્ છે. તે જેવું છે એવું સામે છે. અસલના દેખાવ પાછળ નકલનું મોહરું નથી.જીવનની કપરી પરિસ્થિતિમાં કહેવતા સ્વજનોનાં સાચા ચહેરાઓ ને જોયા પછી સંબંધોમાં સ્વાર્થની પરાકાષ્ટા અનુભવ્યા પછી, લાગણીના એક સ્તરને બુઠું બનાવ્યા પછી, અને અસંવેદનશીલ સમાજ વચ્ચે સંવેદનાને મરતી જોયા પછી આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધારે વહાલુ લાગે તે સ્વાભાવિક છે..! ફૂલો આપણને એટલે ગમે છે.
- Advertisement -
કેમ કે, તે રંગબેરંગી અને મહેકમય હોય છે. પરંતુ તેની સાથે એક સત્ય એ પણ છે કે સાચા ફૂલો એક સમય પછી મુરઝાઇ જાય છે અને તેની મહેક પણ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. માનવીય સબંધો નું પણ કંઇક આવું જ છે. માનવ મન કેટલા બધા પૂર્વ ગ્રહો સાથે વ્યવહારો કેળવતું હોય છે. પોતાની મરજી વિરુદ્ધ જીવાતો કોઈ પણ સંબંધ ધીમે ધીમે તેની એક્સપાયરી ડેટ તરફ ધકેલાતો જાય છે.જ્યારે અપેક્ષાઓની પૂરતી ન થાય ત્યારે સ્વજનો પાસે જતું કરી દેવાની ભાવના કેળવવાને બદલે સ્વજનોને જ જતા કરી દેતા લોકો બહુ સહજ ભાવે શીખી રહ્યા છે. દરેક સબંધ હક અને ફરજ સાથે જોડાયેલો હોય છે. જ્યારે આ સંબંધની તુલામાં કોઈ પલડું આગળ પાછળ થાય ત્યારે લાગણી અને સંવેદનામાં ઓટ આવવીએ સ્વભાવિક બાબત છે. જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન આવી કોઈ અપેક્ષા વગર વ્યક્તિ સાથે જોડાય અને યાંત્રિક લાગણીઓ જીવતું હોય છે. દા.ત.. વ્યક્તિએ પોતાની યુવાવસ્થામાં ખરીદેલો એક રોબર્ટ તેની વૃદ્ધાવસ્થાના સમયમાં પણ એટલો જ કાર્યશીલ રહી અને કામ આપશે જેટલો તે તેના માલિકની યુવાન વયે ઉપયોગી હતો. પરંતુ માતા પિતાએ જન્મ આપેલ સંતાન મા-બાપની વૃદ્ધાવસ્થા આવતા પોતાના સ્વાર્થને અનુસરીને માતા પિતાની ચાકરી કરવાંને બદલે રૂપિયા કમાવવાની હોડમાં રમમાણ બની રહ્યા હશે.
કોઈ વ્યક્તિ દુનિયામાં એકલું હોય તો તે આવા આર્ટિફિશિયલ રોબોટને પોતાનો સાથી બનાવવામાં વધારે સુરક્ષિતતા અનુભવશે.. કારણ કે માણસ કરતા મશીન વધારે વફાદાર હોય છે. તે એટલું જ કરે છે જેટલું તેમને શીખવવામાં આવ્યું હોય. પોતાના સ્વાર્થ સાધવા માટે તે તેના માલિક સાથે દગાખોરી કરતું નથી. ટૂંકમાં કહીએ તો આપણને કૃત્રિમતા એટલે વધારે સ્પર્શી રહે છે કે સંબંધોમાં રહેલા સંવેદનોના સાચા સ્પંદનો ધીમે ધીમે નષ્ટ થઈ રહ્યા છે. લોકો પરસ્પર પોતાની તકલીફ વહેંચતા પણ ડરે છે. આથી આવા ઇન્ટેલિજન્સ સાથે વાતો કરી અને હળવો થાય છે. બાળકો માતા પિતાને પોતાની સમસ્યાઓ કહી શકતા નથી આથી આવા ઇન્ટેલિજન્સ પાસે જઈ અને સલાહ માંગે છે.વ્યક્તિ આત્મકેન્દ્રી બનતો જાય છે. વેદના સંવેદના બધું જ કૃત્રિમતાના ઢાળમાં ઢળાઈ રહ્યું છે.આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનાં ઉપયોગથી આપણી સામાજિક વ્યવસ્થા ઉપર એક બહુ મોટો ખતરો મંડળાઈ રહ્યો છે. આપણા ઘર કુટુંબ અને સંવેદનાઓ મશીન પર અવલંબિત બને તે પહેલા સાવચેત બની જવું પડશે નહીં તો મશીનને માણસનો વિકલ્પ બનવામાં હવે વધારે વાર નહીં લાગે.