થાઇલેન્ડ-કંબોડિયા સંઘર્ષમાં 33નાં મોત
કંબોડિયાએ UN પાસે યુદ્ધ રોકવાની માગ કરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે 1000 વર્ષ જૂના બે શિવ મંદિરોને લઈને સંઘર્ષ ત્રીજા દિવસે પણ ચાલુ છે. આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં 30થી વધુ લોકો માર્યા ગયા છે. કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, લડાઈમાં તેના 13 લોકો માર્યા ગયા છે. જેમાં 8 નાગરિકો અને 5 સૈનિકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 71 લોકો ઘાયલ થયા છે. થાઈલેન્ડના 20 લોકો પણ માર્યા ગયા છે. જેમાં 14 નાગરિકો અને 6 સૈનિકોનો સમાવેશ થાય છે. કંબોડિયાએ થાઈલેન્ડ પર ગ્રાડ મિસાઈલ છોડી છે. આનાથી થયેલા નુકસાન બાદ, થાઈલેન્ડે 8 જિલ્લાઓમાં માર્શલ લો લાગુ કર્યો છે.
આ દરમિયાન, શુક્રવારે કંબોડિયાએ સંયુક્ત રાષ્ટ્ર (યુએન) ને તાત્કાલિક યુદ્ધ બંધ કરવાની માગ કરી. યુએન સુરક્ષા પરિષદની કટોકટીની બેઠકમાં, કંબોડિયાના રાજદૂતે કહ્યું, ‘અમે શાંતિ ઇચ્છીએ છીએ અને વાતચીત દ્વારા ઉકેલ શોધવા માંગીએ છીએ.’
આ દરમિયાન થાઇલેન્ડે કહ્યું કે લડાઈ હવે ધીમી પડી ગઈ છે અને તે વાતચીત માટે પણ તૈયાર છે. થાઇ વિદેશ મંત્રાલયે કહ્યું, ‘જો કંબોડિયા ઇચ્છે તો અમે મલેશિયાની મદદથી વાત કરવા તૈયાર છીએ.’
શુક્રવારે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે બંધ બારણે તાત્કાલિક બેઠક યોજી હતી. આમાં, તમામ 15 દેશોએ બંને પક્ષોને સંયમ રાખવા અને રાજદ્વારી ઉકેલ શોધવાની અપીલ કરી હતી. કંબોડિયાના યુએન એમ્બેસેડર ચિયા કેઓએ જણાવ્યું હતું કે, અમે બિનશરતી યુદ્ધવિરામ ઇચ્છીએ છીએ. અમારો આક્રમણનો કોઈ ઇરાદો નથી, અમે એક નાનો દેશ છીએ, અમારી પાસે વાયુસેના પણ નથી.