ગુજરાતમાંથી 5 કેબિનેટમાં, એક રાજ્યકક્ષાના મંત્રી
સૌરાષ્ટ્રને બે મંત્રીઓનું પ્રતિનિધિત્વ : જે.પી.નડ્ડાને પાંચ વર્ષ બાદ ફરી કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન
- Advertisement -
4 લોકસભા અને 2 રાજ્યસભાના સદસ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.10
ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સાથે 72 મંત્રીઓએ શપથ લીધા હતા. નરેન્દ્રભાઇ મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લઈ ઇતિહાસ રચ્યો હતો. ત્યારે ગુજરાતમાંથી છ સાંસદોએ મંત્રીમંડળમાં શપથ લીધા જેમાંથી ચાર લોકસભા અને બે રાજ્યસભાના સાંસદો છે. ગાંધીનગરના સાંસદ અમિતભાઈ શાહ, પોરબંદર સાંસદ ડો.મનસુખભાઈ માંડવીયા, નવસારી સાંસદ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ભાવનગર થી પ્રથમ વખત ચુંટાયેલા સાંસદ નીમુબેન બાંભણિયા ઉપરાંત ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરનાર જે.પી.નડ્ડા અને ડો.એસ.જયશંકરએ મંત્રીમંડળમાં શપથ લીધા.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાને પાંચ વર્ષ બાદ કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળે છે તો ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલને પ્રમોશન મળતા તેઓએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. જે.પી.નડ્ડાની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ટર્મ 30 જૂનના પૂરી થાય છે તેથી રાષ્ટ્રથી લઇ પ્રદેશ સંગઠનમાં ફેરફારો આવશે અને નવા હોદ્દેદારોની વરણી થશે.
- Advertisement -
ગુજરાતમાંથી એક મહિલા સાંસદનો સમાવેશ : એવું નિશ્ચિત મનાતું હતું કે ગુજરાતમાંથી એક મહિલા સાંસદને મંત્રીમંડળમાં સ્થાન મળશે. ગઈકાલે સવાર સુધી જામનગરના પૂનમબેન માડમ અથવા ભાવનગરના નીમુબેન બાંભણિયાનું નામ મીડિયામાં ચાલી રહ્યું હતું. એક બાદ એક મંત્રીઓને ફોન આવવાનું શરૂ થયું અને ત્યાં નીમુબહેનને ફોન આવ્યાની વાત સાથે નિશ્ચિત થયું કે તેઓને મંત્રી બનાવવામાં આવશે અને સાંજે શપથ લેશે.
નીમુબેન માટે મંત્રીમંડળમાં સ્થાન મળવું એક રીતે લોટરી જેવું માનવામાં આવે છે. તેઓ પ્રથમ જ વખત સંસદીય ચૂંટણી લડ્યા અને સીધા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. ઉલ્લેખનિય છે કે, તેઓ 4.50 લાખ થી વધુ મતોથી જીત્યા છે. આ ઉપરાંત તે કોળી સમાજના મહિલા આગેવાન છે. આ સાથે ભાવનગર જિલ્લો રાજકીય રીતે મજબૂત થયો. આમ તો મનસુખભાઈ પોરબંદરથી ચુંટાયા છે પણ તેઓનું મૂળ વતન ભાવનગર જિલ્લામાં પાલીતાણા તાલુકામાં આવેલ હણોલ ગામ છે. અને આ સાથે સૌરાષ્ટ્રને બે મંત્રીઓ મળ્યા છે.અમિતભાઈ ગૃહ, ડો.જયશંકર વિદેશ અને મનસુખભાઈ આરોગ્ય મંત્રાલય જાળવી રાખશે. તો અન્ય ત્રણ મંત્રીઓને કયું મંત્રાલય ફાળવવામાં આવે છે તેના પર સૌની નજર છે. સી.આર.પાટિલને કાપડ મંત્રાલય સોંપાઈ શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.
નરેન્દ્ર મોદીની 3.0 કેબીનેટમાં સ્મૃતિ, ઠાકુર, મુંડા, ચૌબે, ચંદ્રશેખરને સ્થાન નહીં : 18 પ્રધાન ચૂંટણી હાર્યા છે
રૂપાલા સહિત 37 પૂર્વ મંત્રીને જગ્યા ન મળી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી વખતની સરકારમાં 37 મંત્રીઓ પડતા મુકયા છે. તેમાં સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર અને નારાયણ રાણે સહિતના કેબીનેટ રેન્કના સાત મંત્રીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પુરુષોતમ રૂપાલા, અર્જુન મુંડા, આર.કે.સિંહ અને મહેન્દ્ર નાથ પાંડેય પણ મોદીની અગાઉની સરકારમાં કેબીનેટના હોદા પર હતા, પરંતુ મંત્રીમંડળમાં રવિવારે શપથ લીધા ન હતા. જો કે અપક્ષ હવાલો ધરાવતા તમામ ત્રણ મંત્રીઓને જાળવી રખાયા છે. રાજયકક્ષાના 42માંથી 30 મંત્રીઓને પડતા મુકાયા છે. અન્ય જે મંત્રીઓ ફરી લેવાયા નથી તેમાં વી.કે.સિંહ, ફગ્ગનસિંહ કુલસ્તે, અશ્વિની ચૌબે, દાનવે રાવસાહેબ દાદારાવ, સાધ્વી નિરંજન જયોતિ, સંજીત બલિયાન, રાજીવ ચંદ્રશેખર, સુભાષ સરકાર, નિસીથ પ્રમાણિક, રાજકુમાર રંજન સિંહ અને પ્રતિમા ભૌમિક છે. મીનાક્ષી લેખી, મુંજપરા મહેન્દ્રભાઈ, અજયકુમાર મિશ્રા, કૈલાશ ચૌધરી, કપિલ મોરેશ્વર પાટીલ, ભારતી પ્રવિણ પવાર, કૌશલ કિશોર, ભગવંત ધુભા અને વી.મુરલીધરનને પણ જાળવી રાખવામાં આવ્યા નથી. જો કે મહત્વની વાત એ છે કે, 18 મંત્રીઓ ચુંટણી હારી ગયા છે. માત્ર એલ મુરુગન જ રાજયકક્ષાના એવા મંત્રી છે કે જેઓ હાર્યા છે અને હાલની ટીમમાં રાખવામાં આવ્યા છે.