ખાસ-ખબર સંવાદદાતા
ઈન્ડિયન મેડીકલ એસોસિએશન- નવીદિલ્હી હેડ ક્વાર્ટર દ્વારા મહિલાઓ માટે સેવાકીય પ્રવૃત્તિ સંદર્ભે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર રાજકોટના ડો. દર્શનાબન પંડ્યાની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રભરમાં પ્રથમ વખત આ એવોર્ડ માટે રાજકોટના ડો. દર્શનાબેનની પસંદગી થતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તબીબી જગતમાં હરખની હેલી છે એમ ઈન્ડિયન મેડીકલ એસોસિએશન રાજકોટના પ્રેસિડેન્ટ ડો. પારસ શાહ અને સેક્રેટરી ડો. સંજય ટીલાળાની એક સંયુક્ત યાદીમાં જણાવાયું છે. માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એનિમિયા મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં રાજકોટના ડો. દર્શનાબેન પંડ્યા દ્વારા મહત્ત્વની જવાબદારી નિભાવી 25 હજારથી વધુ બાળાઓને એનિમિયા મુક્ત કરવામાં મહત્ત્વની કામગીરી કરવામાં આવી હતી, જેની ઈન્ડિયન મેડીકલ એસોસિએશન હેડ કવાર્ટર દ્વારા તથા જે તે વખતે ગુજરાત સરકાર દ્વારા પણ નોંધ લેવામાં આવી હતી.
ઈન્ડિયન મેડીકલ એસોસિએશન-નવીદિલ્હી હેડ કવાર્ટરના સેક્રેટરી અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પૂર્વઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડો. અનિલકુમાર નાયકના જણાવ્યા અનુસાર ઈન્ડિયન મેડીકલ એસોસિએશન – નવીદિલ્હી હેડકવાર્ટર દ્વારા દેશભરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ માટે તબીબોને એવોર્ડ આપવામાં આવે છે. દેશભરના યોગ્યતા ધરાવતાં મહિલા તબીબોની આ વરસે સેવાકીય એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. તેમાં ગુજરાતના એકમાત્ર મહિલા તબીબ રાજકોટના ડો. દર્શનાબેન પંડ્યાની પસંદગી કરવામાં આવી છે. આગામી તા. 27મી ડિસેમ્બરે ત્રિેવેન્દ્રમ ખાતે યોજાનારી ઈન્ડિયન મેડીકલ એસોસિએશનની રાષ્ટ્રીય કોન્ફરન્સમાં દેશભરના લાખો તબીબોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતાં ડો. દર્શનાબેન પંડ્યાને આ એવોર્ડ અર્પણ કરવામાં આવશે. ઈન્ડિયન મેડીકલ એસોસિએશનની ગુજરાતની 115 જેટલી બ્રાન્ચ સહિત દેશભરમાં 32 રાજ્યમાં 1796 બ્રાન્ચમાં અંદાજે પાંચ લાખથી વધુ એમ.બી.બી.એસ. તથા તેથી વધુ ભણેલા એલોપેથિક તબીબો સભ્ય છે. એલોપેથિક તબીબોની વિશ્ર્વની સૌથી મોટી એન.જી.ઓ. તરીકે ઈન્ડિયન મેડીકલ એસોસિએશન કાર્યરત છે.
ડો. દર્શનાબેન પંડયાને રાષ્ટ્રીય કક્ષાએ સેવાકીય પ્રવૃત્તિ માટે એવોર્ડ મળતાં ઈન્ડિયન મેડીકલ એસોસિએશન રાજકોટના પ્રેસિડેન્ટ ડો. પારસ શાહ, સેક્રેટરી ડો. સંજય ટીલાળા, ગુજરાતના પ્રમુખ ડો. ભરત કાકડીયા, સેક્રેટરી ડો. મેહુલ શાહ, રાષ્ટ્રીય ટીમમાં કાર્યરત ડો. અતુલ પંડ્યા, ડો. હીરેન કોઠારી, ડો. ભાવિન કોઠારી, ડો. સંજય ભટ્ટ, ડો. યજ્ઞેશ પોપટ, ડો. સ્વાતિબેન પોપટ સહિત તબીબી અગ્રણીઓ, વરિષ્ઠ તબીબો, સમાજના આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે. આઈ.એમ.એ.ના મીડિયા કો-ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપે છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ડૉ. દર્શનાબેન પંડ્યાની મહિલાઓ માટેની સેવાકીય પ્રવૃત્તિ સંદર્ભે રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી
