‘જલ હૈ તો જીવન હૈ’ના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરાશે
ધારાસભ્ય દર્શિતાબેન શાહની ગ્રાન્ટમાંથી કામગીરી હાથ ધરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વિધાનસભા 69 રાજકોટ પશ્ર્ચિમના મત વિસ્તારમાં વોર્ડ નં. 2માં રામેશ્ર્વર મહાદેવ મંદિર પાસે પાણીની જરૂરિયાત ધ્યાને લઈ અને જળસંચયની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ હેઠળ ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહની જળસંચય માટેની ખાસ ગ્રાન્ટ હેઠળ મત વિસ્તારના જુદા જુદા વિસ્તારો અને સોસાયટીઓમાં કેચ ધ રેઈન હેઠળ બોર રિચાર્જ તથા બોર કરાશે. જળસંચય માટે 1,11,111 સ્ટ્રકચરો તૈયાર કરવાના કાર્ય માટે સંકલ્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં સહયોગ કરાશે.
આ પ્રોજેક્ટ હેઠળ વિધાનસભા 69 રાજકોટ પશ્ર્ચિમ ધારાસભા મત વિસ્તારમાં જ્યાં પાણીની જરૂરિયાત છે અને જનતાને રોજિંદા જીવનમાં તકલીફો ભોગવવી પડે છે ત્યાં બોર રિચાર્જ તથા બોર કરવામાં આવશે.
આ પ્રોજેક્ટને લઈને ડો. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે જળસંચયનો અર્થ માત્ર પાણી બચાવવા પૂરતો સીમિત નથી, પરંતુ તે ખરા અર્થમાં સમાજને જીવનદાન આપવાનું કાર્ય કરે છે. દરેક પરિવાર સુધી પૂરતુ અને શુદ્ધ પાણી પહોંચે તે અમારી પ્રથમ પ્રાથમિકતા છે. આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, વોર્ડ નં. 2ના કોર્પોરેટરો, આર.એમ.સી.ના દંડક તેમજ વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, વોર્ડ નં. 2ની સંગઠનની ટીમ, આવાસ યોજનાના આગેવાનો, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ભાવનાત્મક બની રહ્યો હતો અને સ્થાનિકોના ખુશીના ઝળહળતા ચહેરા જોવા મળ્યા હતા.
- Advertisement -
બોર અંગે પ્રત્યાઘાત આપતાં લોકોએ જણાવ્યું હતું કે પાણીની જરૂરિયાતને કારણે રોજિંદા જીવનમાં થતી તકલીફો હવે દૂર થશે. વિસ્તારવાસીઓએ ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહનો આભાર માનેલ. ખાસ કરીને મહિલાઓએ આનંદ વ્યક્ત કર્યો હતો.
દરમિયાન ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ નિર્દેશ કર્યો હતો કે ડો. દર્શિતાબેન શાહની ધારાસભ્ય તરીકેની ખાસ ગ્રાન્ટમાંથી શરૂ થયેલા આ પ્રોજેકટ હેઠળ આધુનિક ટેકનિકનો ઉપયોગ કરીને બોર ખોદકામ કરવામાં આવશે જેથી પાણીની ગુણવત્તા અને માત્રા જાળવી શકાય.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, શૈલેશભાઈ જાની, ડો. દેવાંગીબેન મૈયડ, સંદીપભાઈ જોષી, કૌશિકભાઈ સરધારા વગેરે ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.