ICCએ બંને ખેલાડીઓને 2024માં તેનાં શાનદાર પ્રદર્શન બદલ એવોર્ડ એનાયત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
ભારતીય ક્રિકેટે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું વર્ચસ્વ સાબિત કર્યુ છે. આઈસીસી એવોર્ડ્સ 2024 માં, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વર્ષનાં પુરુષોમાં ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે ચુંટાયા હતાં જ્યારે સ્મૃતિ મંધાનાને વર્ષની મહિલા વનડે ક્રિકેટર ઓફ ધ યર તરીકે ચુંટવામાં આવી હતી. બુમરાહે આ એવોર્ડની રેસમાં ઇંગ્લેન્ડનાં હેરી બ્રૂક અને જો રુટ અને આઇસીસીના ઉભરતાં ક્રિકેટર કામિંદુ મેંડિસને પણ પાછળ છોડયાં હતાં. આઇસીસી હવે છેલ્લાં બે એવોર્ડ્સ ’પુરુષ અને સ્ત્રી ક્રિકેટર્સ ઓફ ધ યર’ જાહેર કરશે.બુમરાહ પણ આ એવોર્ડની રેસમાં છે. છેલ્લાં 12 મહિનામાં, બુમરાહે વિશ્વની મહાન ટીમોની વિકેટો ઝડપી છે. 70 કે તેથી વધુ વિકેટ ઝડપનાર બુમરાહ ચોથા ભારતીય બોલર બન્યાં હતાં તેમનાં પહેલાં, આ સિદ્ધિ કપિલ દેવ, અનિલ કુંબલે અને રવિચંદ્રન અશ્વિન દ્વારા પ્રાપ્ત કરવામાં આવી હતી.બુમરાહ માટેનો સૌથી યાદગાર ક્ષણ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન આવ્યો હતો, જ્યાં તેણે પાંચ ટેસ્ટમાં 32 વિકેટ લીધી હતી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝ બનાવવામાં આવ્યાં હતાં. તેમ છતાં ભારતે શ્રેણી 1-3થી હારી હતી.તેણે ઓસ્ટ્રેલિયામાં 200 ટેસ્ટ વિકેટો ઝડપી હતી અને 200 વિકેટો લેનાર તે 12 મો ભારતીય બોલર બન્યાં હતાં. તેણે ટીમની કપ્તાની પણ કરી અને પર્થ ટેસ્ટમાં ભારતને 295 રનથી જીત અપાવી હતી. ભારતની પ્રભાવશાળી ઓપનર સ્મૃતિ મંધાનાને મહિલા વનડે ક્રિકેટર ઓફ ધ યરથી સન્માનિત કરવામાં આવી હતી. અગાઉ, તેણીને 2024 આઈસીસી ટી-20 અને વનડે ટીમ ઓફ ધ યરમાં પણ સામેલ કરવામાં આવી હતી.
- Advertisement -
મંધાનાએ જૂનમાં આફ્રિકા સામે સતત બે સદી ફટકારીને ભારતને 3-0 શ્રેણી જીતાવી હતી. આ ઉપરાંત, તેણે ઓક્ટોબરમાં ન્યુઝીલેન્ડ સામે સિરીઝ જીતાડનાર સદી પણ ફટકારી હતી અને ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે પણ શાનદાર સદી ફટકારી હતી. મંધાનાએ કહ્યું કે, એવોર્ડ મારી ટીમ અને કોચિંગ સ્ટાફનાં સમર્થનનું પરિણામ છે. હું મારી ટીમ અને પરિવારનો આભાર માનું છું, જેમણે હંમેશાં મને ટેકો આપ્યો છે. તેણીએ કહ્યું કે આ વર્ષનું પ્રદર્શન મારાં માટે ખાસ હતું.બુમરાહ 2018 માં વિરાટ કોહલી પછી એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર છે. કોહલી પહેલાં, દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને 2016 માં વર્ષનો શ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર અને વર્ષનો શ્રેષ્ઠ ક્રિકેટરનો એવોર્ડ મળ્યો હતો.મહિલાઓની વનડેમાં, ઓપનર સ્મૃતિ મંધાના 2024 માં સૌથી વધુ રન બનાવ્યાં હતાં. તેણે ફક્ત 13 ઇનિંગ્સમાં 747 રન બનાવ્યાં હતાં.