મકનસરમાં યુવાન પાસેથી કોરા ચેક પડાવી ડબલ વ્યાજખોરીનો પ્રયાસ: 15 લાખનો ચેક બેંકમાં નાખતા ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.14
મોરબી તાલુકાના મકનસર ગામમાં એક યુવાન પાસેથી ઊંચા વ્યાજે લીધેલી રકમ પરત ચૂકવાઈ ગયા બાદ પણ કોરા ચેકનો દુરુપયોગ કરી ₹30 લાખની બળજબરીથી ઉઘરાણી કરવાનો પ્રયાસ થતાં ચકચાર મચી ગઈ છે. મકનસરના અમિતભાઈ વિનોદભાઈ વાડોલીયા (ઉં.વ. 26) એ આ મામલે દિલીપ ઉર્ફે ભગવાનભાઈ આલ, ઈમરાન અને અન્ય ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
- Advertisement -
ફરિયાદ મુજબ, અમિતભાઈએ ચારેક મહિના પૂર્વે ધંધા માટે દિલીપ આલ પાસેથી 30 ટકાના વ્યાજે ₹2.50 લાખ લીધા હતા અને સિક્યુરિટી પેટે બે કોરા ચેક આપ્યા હતા. પાછળથી મુદ્દલ રકમ પરત ચૂકવી દેવા છતાં, દિલીપ આલે ’ખોવાઈ ગયા છે’ કહીને ચેક પરત આપ્યા નહોતા અને આ ચેક ઈમરાનને આપ્યા હતા. ઈમરાને અવારનવાર ફોન કરીને ₹30 લાખની માંગણી શરૂ કરી અને ઘરે આવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તાજેતરમાં, આરોપીઓમાંથી કોઈએ ₹15,51,000 નો ચેક ખાતામાંથી ઉપાડવા માટે બેંકમાં નાખતાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મોરબી તાલુકા પોલીસે આર્મ્સ એક્ટ અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



