ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા 11 અનધિકૃત હોટલો પર બુલડોઝર ફેરવાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ અને મૂળી પંથકમાં બેફામ થતી ખનિજ ચોરીને નાથવા હવે ખનિજ માફિયાઓની કમર તોડવાનો પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે. સાથે જ ખનિજ ચોરીને સદંતર બંધ કરવા માટે ચોટીલા પ્રાંત અધિકારી અનેક પ્રયત્નો હાથ ધર્યા છે. તેવામાં થાનગઢ પંથકમાં મોટાભાગે કોલસાની ખનિજ ચોરી સાથે સંકળાયેલા ઈસમો હાઇવે પર હોટલોમાં બેસીને અધિકારીઓની રેકી કરતા હોવાનું અનેક વખત પ્રકાશમાં આવ્યું છે. તેવામાં ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા થાનગઢ ચોટીલા રોડ પર આ પ્રકારની ગેરકાયદેસર બાંધકામ ધરાવતી હોટલ સંચાલકોને ત્રણ દિવસ પૂર્વે જ દબાણ દૂર કરવા નોટિસ ફટકારી હતી છતાં પણ પાક્કું બાંધકામ કરી બેઠેલા સંચાલકો દ્વારા પ્રાંત અધિકારીએ આપેલી નોટિસને નજર અંદાજ કરી હતી પરંતુ પ્રાંત અધિકારી દ્વારા ગઈ કાલે આ તમામ ગેરકાયદેસર હોટલ પર બુલડોઝર ફેરવી દબાણો દૂર કર્યા હતા. આ સાથે થાનગઢ તાલુકાના જામવાળીના સરકારી સર્વે નંબર 12 વાળી જમીનમાં ચોટીલા – થાનગઢ રોડ પર જામવાળી ગામથી એક કિલોમીટરના અંતરે ભારત પેટ્રોલ પંપની નજીકમાં અધૂરા કામ વાળી કુલ અગિયાર બિનકાયદેસર દુકાનોનું બાંધકામ કરવામાં આવેલ તે પણ દૂર કરવાની કામગીરી કરવામાં હતી આ બિનકાયદેસર દબાણો કરનાર ઇસમોમાં ભનુભાઈ દાનાભાઈ અલગોતર, વાઘાભાઈ દાનાભાઈ અલગોતર, નવઘણભાઇ દાનાભાઈ અલગોતર, રણુભાઈ દાનાભાઈ અલગોતર, ભીખાભાઈ દાનાભાઈ અલગોતર, વિજયભાઈ રણુભાઈ અલગોતર એમ કુલ 6 વ્યક્તિઓ દ્વારા સરકારી જમીન માં બિનકાયદેસર દુકાનો ઊભી કરવામાં આવેલ હતી જ્યારે આ ઈસમો પૈકી રણુભાઈ દાનાભાઈ અલગોતર તેમજ વિજયભાઈ રણુભાઈ અલગોતર દ્વારા થાનગઢ તાલુકાના જામવાળી વિસ્તારમાં અલગ અલગ ખાનગી તેમજ સરકારી સર્વે નંબરોમાં બિનઅધિકૃત ખનન, વહન, અને વેચાણ કરવામાં આવ્યા હોય તેથી તે બંને વિરુદ્ધ વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવ્યા હતા.