અસામાજિક તત્વોના ઘરે જઈ ગેરકાયદે વીજ જોડાણો હટાવાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
રાજ્યના ડી.આઇ.જી વિકાસ સહાયના આદેશને અનુસરી હવે રાજ્યના તમામ અસામાજિક તત્વો પર તવાઈ હાથ ધરાઇ છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જુદા જુદા પોલીસ મથકના વિસ્તારમાં વારંવાર ગુન્હાહિત પ્રવૃત્તિ કરતા તત્વો સામે જિલ્લાની પોલીસ એક્શન મોડ પર આવી છે. ડી.જી.પી દ્વારા અસામાજિક તત્વોની આપેલ 100 કલાકના અલ્ટિમેટમ બાદ હવે દાખલારૂપી કાર્યવાહી શરૂ કરી છે જેમાં ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિત દ્વારા પોલીસ કાફલા સાથે ધ્રાંગધ્રા શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા અને વારંવાર અસામાજિક પ્રવૃતિ કરતા કુલ 12 ઈસમોના ઘરે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું જે દરમિયાન રમઝાનભાઇ બાબાભાઈ મોવર, હર્ષદભાઈ જેન્તીભાઇ સિંધવ, શાહરુખભાઈ સલીમભાઈ મોવર, મહેબુબભાઈ દાદુભાઈ કટિયા, વિનોદભાઇ લાખાભાઇ પરમાર, યાસીનભાઈ રહેમાનભાઈ મોવર, કરીમાબેન ઉમેદભાઈ મોવર સહિતનાઓને ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન હોવાનું સામે આવતા તમામ ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. આ તરફ સાયલા પોલીસ મથકના સ્ટાફે પણ સુદામડા ગામે સોતાજભાઈ હરિસિંહ યાદવ અને ભરતભાઈ ઉર્ફે જીગર રાજાભાઈ કાલોતરાના ઘરે ચેકીંગ કરી કુલ 1.50 લાખનો દંડ આપી કાર્યવાહી હાથ ધરી છે.