ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરના સામાકાંઠે સો ઓરડી વિસ્તારમાંથી ગત તા. 31 ના રોજ અચાનક બે કિશોરીઓ ગૂમ થઈ ગઈ હતી જેથી કિશોરીઓના પિતા દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો હતો તે દરમિયાન શનિવારે બપોરના સમયે બંને દીકરીઓ ઘરે પરત ફરતા પરિવારજનો અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સો ઓરડીમાં રહેતા પ્રતાપભાઈ લાલજીભાઈ મકવાણાની પુત્રી મહિમા અને વિશાલભાઈ ચંપકભાઈ સિરોહીયાની પુત્રી સ્નેહા ગત તા. 31 ઓગસ્ટના રોજ એકસાથે લાપતા બનતા આ બનાવ મામલે પ્રતાપભાઈ લાલજીભાઈ મકવાણાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ દ્વારા બંને દીકરીઓના અપહરણ થયા હોવાની શંકા દર્શાવી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી પોલીસે બનાવની ગંભીરતા પારખી તુરંત એક્શનમાં આવીને પીઆઈ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળની ટીમે તપાસ ચલાવી હતી તે દરમિયાન શનિવારે બપોરના સમયે લાપતા બનેલી આ બંને દીકરીઓ અચાનક જ ઘરે પરત ફરતા પ્રતાપભાઈ લાલજીભાઈ મકવાણા અને વિશાલભાઈ ચંપકભાઈ સિરોહીયાના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો જો કે બંને દીકરીઓ ક્યાં સંજોગોમાં લાપતા બની હતી, કોઈની સાથે ગઈ હતી કે કેમ તે બાબતે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી જેથી બંને દીકરીઓ સ્વસ્થ થયા બાદ જ તપાસ કરીને સત્ય બહાર આવશે તેમ બી ડીવીઝન પીઆઈ દેકાવાડીયાએ
જણાવ્યું હતું.
મોરબીના સો ઓરડી વિસ્તારમાંથી ગૂમ થયેલ બંને દીકરીઓ હેમખેમ ઘરે પરત આવી
