ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત એસ.એસ.સી. 2025 અને એચ.એસ.સી. સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષાઓ આજે શરુ થઈ છે. પોરબંદર જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર અધિકારીઓ દ્વારા વિધાર્થીઓનું ઉમળકાભેર સ્વાગત કરાયું, જે વિધાર્થીઓ માટે ઉત્તેજક અને પ્રેરણાદાયી ક્ષણ બની. સેન્ટ મેરી સ્કૂલ, પોરબંદર ખાતે જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણી અને જિલ્લા શિક્ષણાધિકારી વિનોદ પરમાર દ્વારા વિધાર્થીઓનું પુષ્પ અને કુમકુમથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ ઉપરાંત, જે.વી.ગોઢાણીયા હાઈસ્કૂલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરી, ઝોનલ અધિકારી એસ.એચ. સોની અને મનોવૈજ્ઞાનિક જીગ્નેશ પ્રશ્નાણી તથા શાળાના આચાર્યઓ અને બિલ્ડિંગ કંડક્ટર દ્વારા પણ વિધાર્થીઓનું પુષ્પ અને કુમકુમ તીલકથી સ્વાગત કરાયું. અધિકારીઓના પ્રેરક અભિવાદન અને સહકારથી પરીક્ષા આપી રહેલા વિધાર્થીઓ નવસર્જન અને આત્મવિશ્વાસથી ભરી ગયા. પ્રથમ દિવસે અધિકારીઓની હાજરીથી વિધાર્થીઓના ચહેરા આશાવાદ અને ઉત્સાહથી ખીલી ઉઠ્યા. વાલીઓ અને શૈક્ષણિક વર્ગે પણ આ ઉર્જાને સરાહનીય ગણાવી. આવી પ્રેરણાદાયી શરૂઆત સાથે, વિધાર્થીઓ માટે આગળની પરીક્ષાઓ માટે પણ ઉત્તમ પ્રદાન કરવા માટે હકારાત્મક માહોલ સર્જાયો છે.