‘ગુપ્ત નવરાત્રિ’ વિશેષ
– પરખ ભટ્ટ
દર્શનાર્થે પધારનાર ભક્તોને સફેદ રંગનું ભીનું વસ્ત્ર પ્રસાદીરૂપે અપાય છે, જેને ‘અમ્બુવાચી વસ્ત્ર’ કહે છે, માતાનાં રજસ્વલા થવાના દિવસો દરમિયાન પ્રતિમાની આજુબાજુ સફેદ વસ્ત્ર ઓઢાડી મંદિર બંધ કરી દેવામાં આવે છે, ત્રણ દિવસ બાદ ફરી જ્યારે મંદિરના દરવાજા ખૂલે છે ત્યારે સફેદ વસ્ત્રનો રંગ બદલીને રાતો લાલ થઈ ગયેલો જોવા મળે છે. ત્યારબાદ આ રક્તરંજિત લાલ વસ્ત્રને ભક્તોમાં પ્રસાદ સ્વરૂપે વહેંચી દેવામાં આવે છે
આસામના ગુવાહાટીમાં આવેલ નીલાંચલ પર્વત પર કામાખ્યા માતાની શક્તિપીઠ બિરાજમાન છે. તમામ 51 શક્તિપીઠોમાં કામાખ્યા માની મહત્તા સૌથી વધારે છે. પ્રજાપતિ દક્ષ દ્વારા જ્યારે સતીનું અપમાન કરવામાં આવ્યું, ત્યારે સતીએ યજ્ઞકુંડમાં પોતાની જાત હોમી દીધી. ભગવાન સદાશિવ આ વાતથી ખૂબ જ દુ:ખી થઈ ગયા અને સમગ્ર બ્રહ્માંડમાં સતીનાં દેહને પોતાના ખભા પર ઉંચકી વિચરણ કરવા લાગ્યા. સતીનાં મોહમાંથી તેમને મુક્ત કરાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્ર વડે, દેવીનાં અચેતન સ્વરૂપનાં 51 ટુકડા કર્યા. તમામ ટુકડાઓ પૃથ્વી પર આવીને શક્તિપીઠમાં રૂપાંતર થઈ ગયા. કામાખ્યા શક્તિપીઠનાં સ્થાન પર માતાનો યોનિ ભાગ પડ્યો હોવાની માન્યતા છે, જેના લીધે ત્યાં મહાપીઠની ઉત્પત્તિ થઈ! અહીંયા દર વર્ષે ત્રણ દિવસ માટે માતા રજસ્વલા થાય છે. મંદિરની અંદર દર્શન કરવા માટે માતાની કોઇ મૂર્તિ નથી. કામાખ્યા માતાનાં યોનિ ભાગને અહીં પૂજવામાં આવતો હોવાથી તેને પુષ્પ અને લાલ કપડા વડે હંમેશા ઢાંકેલો રાખવામાં આવે છે. મુખ્ય ગર્ભગૃહથી થોડે જ દૂર એક બીજું મંદિર આવેલું છે, જ્યાં કામાખ્યા માની મૂર્તિપૂજા થાય છે.
- Advertisement -
વર્ષના ત્રણ દિવસ દરમિયાન જ્યારે મા રજસ્વલા થાય છે, ત્યારે મંદિરને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે છે. દર્શનાર્થે પધારનાર ભક્તોને સફેદ રંગનું ભીનું વસ્ત્ર પ્રસાદીરૂપે અપાય છે, જેને ‘અમ્બુવાચી વસ્ત્ર’ કહે છે. માતાનાં રજસ્વલા થવાના દિવસો દરમિયાન પ્રતિમાની આજુબાજુ સફેદ વસ્ત્ર ઓઢાડી મંદિર બંધ કરી દેવામાં આવે છે. ત્રણ દિવસ બાદ ફરી જ્યારે મંદિરના દરવાજા ખૂલે છે ત્યારે સફેદ વસ્ત્રનો રંગ બદલીને રાતો લાલ થઈ ગયેલો જોવા મળે છે. ત્યારબાદ આ રક્તરંજિત લાલ વસ્ત્રને ભક્તોમાં પ્રસાદ સ્વરૂપે વહેંચી દેવામાં આવે છે.
પૌરાણિક કથા અનુસાર, નરક નામનાં એક અસુરે દેવી કામાખ્યા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. મા કામાખ્યા નરકાસુરનાં બદઇરાદાઓથી વાકેફ હતાં. તેમણે વિવાહનો પ્રસ્તાવ સીધેસીધો ઠુકરાવી દેવાને બદલે તેની સામે એક શરત મૂકી. જે મુજબ, અગર નરકાસુર ફક્ત એક રાતની અંદર નીલાંચલ પર્વત પર માર્ગ, ઘાટ, મંદિર બધું જ નિર્માણ કરી આપે તો કામાખ્યા દેવી સાથેનાં લગ્ન શક્ય બને! અભિમાની નરકાસુરને થયું કે આમાં વળી કઇ મોટી વાત છે! તાત્કાલિક ભગવાન વિશ્વકર્માને તેડું મોકલવામાં આવ્યું અને મંદિરનું બાંધકામ શરૂ થઈ ગયું. ઘડીના છઠ્ઠા ભાગમાં નિર્માણ પામી રહેલ મંદિરને જોઈ, કામાખ્યા માતાએ કૂકડાને સવાર થયાની સૂચના આપવા જણાવ્યું. કૂકડાની બાંગ સાંભળી પળવાર માટે નરકાસુર ડઘાઈ ગયો. તેને પોતાનાં પર એટલો બધો વિશ્વાસ હતો કે ન પૂછો વાત! લગ્ન ન થઈ શકવાથી તે અત્યંત રોષે ભરાઈને મા કામાખ્યાનાં દિવ્ય કૂકડાનો પીછો કરવા લાગ્યો. બ્રહ્માપુત્ર નદીના કિનારે તેણે કૂકડાનો વધ કરી નાંખ્યો, જે જગ્યા આજે પણ ‘કુક્ટાચકિ’નાં નામે ઓળખાય છે. બાદમાં, નરકાસુરના અત્યાચારોને કારણે ભક્તો કામાખ્યા માતાનાં મંદિર સુધી પહોંચવામાં ખૂબ જ કષ્ટ ભોગવી રહ્યા હતાં. મહર્ષિ વશિષ્ઠને નરકાસુરના ત્રાસ વિશે ખબર પડતાં તેમણે ક્રોધાવેશમાં આવીને નરકાસુરને શાપ આપ્યો. પરિણામસ્વરૂપ, મહામાયાની સહાય લઈને ભગવાન વિષ્ણુએ નરકાસુરનો અંત આણ્યો! એવું કહેવામાં આવે છે કે શાપનાં સમયથી જ મૂળ કામાખ્યા પીઠ લુપ્ત થઈ ચૂકી હતી.
- Advertisement -
પર્વતની તળેટીથી લઈને ઉપર મંદિર સુધી આવવાના માર્ગને આજે પણ ‘નરકાસુર માર્ગ’ તરીકે ઓળખવામાં આવે છે. સોળમી સદીમાં કામરૂપ પ્રદેશનાં રાજ્યો વચ્ચે ભીષણ યુદ્ધ થવા લાગ્યા. જેમાં કૂચવિહાર પ્રદેશના રાજા વિશ્વસિંહનો વિજય થયો. થયું એવું કે યુદ્ધ દરમિયાન રાજા વિશ્વસિંહના ભાઈઓ ખોવાઈ ગયા હતાં. જેને શોધતાં-શોધતાં તે નીલાંચલ પર્વત પહોંચી ગયો. ત્યાં તેને એક વૃદ્ધ મહિલાનાં દર્શન થયા. એ મહિલાએ રાજાને નીલાંચલ પર્વતનું માહાત્મય અને કામાખ્યા માતાનાં મંદિર વિશે સવિસ્તાર જણાવ્યું. આખો ઇતિહાસ જાણ્યા બાદ રાજાએ એ સ્થળ પર ખોદકામ શરૂ કરાવ્યું. થોડા દિવસ બાદ અમુક ફૂટ નીચેથી તેમને માતાનું મંદિર મળી આવ્યું. તેની બરાબર ઉપરનાં ભાગમાં રાજાએ નવા મંદિરનું ચણતર કામ હાથ ધર્યુ. રાજા વિશ્વસિંહે બનાવેલા મંદિરને વર્ષ 1564માં મુસ્લિમ આક્રમણખોરોએ જમીનદોસ્ત કરી નાખ્યું. આમ છતાં, રાજાના પરિવારની શ્રદ્ધાને કારણે તેનું નવનિર્માણ થયું. રાજા વિશ્વસિંહના સુપુત્ર અને કૂચવિહારનાં નવા ગાદીપતિ રાજા નરનારાયણનાં હસ્તે મંદિરને ફરી એક નવો ઓપ અપાયો!
કામાખ્યા મંદિરથી થોડા અંતરે ઉમાનંદ ભૈરવનું મંદિર જોવા મળે છે. દરેક શક્તિપીઠની રક્ષા કરવા માટે એક-એક ભૈરવની સ્થાપના થયેલી હોય છે. ઉમાનંદ ભૈરવ એ કામાખ્યા શક્તિપીઠનાં ભૈરવ છે. તેમનું મંદિર બ્રહ્મપુત્રા નદીની વચ્ચોવચ સ્થિત છે. એવું માનવામાં આવે છે કે ઉમાનંદ ભૈરવનાં દર્શન વગર કામાખ્યા મંદિર સુધીની યાત્રા અધૂરી છે. શ્રદ્ધાળુએ પોતાની તમામ મનોકામનાની પૂર્તિ કરવા માટે તેમજ મા કામાખ્યાનાં આશીર્વાદ મેળવવા માટે ઉમાનંદ ભૈરવનાં ચરણોમાં માથું ટેકવવું અનિવાર્ય છે. હિંદુ માન્યતા મુજબ, આ ટાપુ પર ભગવાન સદાશિવ ધ્યાનસ્થ મુદ્રામાં બેઠા હતાં, એ સમયે કામદેવ દ્વારા તેમનાં પર કામ-બાણની વર્ષા કરવામાં આવી, જેનાથી ક્રોધે ભરાઈને ભગવાન શિવે કામદેવને પોતાનાં ત્રીજા નેત્રની અગ્નિ વડે ભસ્મ કરી દીધા હતાં!
મંદિરના ગર્ભગૃહમાં યોનિ આકારનો એક કુંડ છે, જેમાંથી જળનો પ્રવાહ સતત ચાલુ રહે છે. લોકો તેને ‘યોનિ કુંડ’ના નામે ઓળખે છે. દર વર્ષે અહીંયા અમ્બુવાચી મેળાનું આયોજન કરવામાં આવે છે. ઉત્સવના ત્રણ દિવસ દરમિયાન મા કામાખ્યા રજસ્વલા હોવાને લીધે મંદિરમાં પ્રવેશ નિષેધ હોય છે, આમ છતાં માતાની પ્રસાદી ગ્રહણ કરવા માટે દેશ-વિદેશનાં ભક્તો આ સમય દરમિયાન આસામ આવી પહોંચે છે. ઘણા અઘોરી સાધુ અને તાંત્રિકો પણ અમ્બુબાચી મેળાનો હિસ્સો બને છે.
કામાખ્યા મંદિરમાં આખા વર્ષની અંદર કેટલાય ઉત્સવો અને તહેવારોને ઉલ્લાસભેર ઉજવવામાં આવી રહ્યા છે. પોહન બિયા, દુર્ગાડિયૂલ, વસંતી પૂજા, મહાનડિયૂલ, અમ્બુવાચી અને મનસા દુર્ગા પૂજાનું મહત્વ અહીંયા સૌથી વધારે છે.
દુર્ગા પૂજા: દર વર્ષે સપ્ટેમ્બર-ઑક્ટોમ્બર મહિનાની અંદર નવરાત્રિ દરમિયાન દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવે છે.
અમ્બુવાચી પૂજા: કામાખ્યા માતાનાં રજસ્વલા થયા બાદ ચોથા દિવસે આ પ્રકારની પૂજા કરવામાં આવે છે.
પોહન બિયા: ભગવાન કામેશ્વર અને કામેશ્વરીનાં પ્રતીકાત્મક વિવાહ વખતે પોહન બિયા પૂજાનું આયોજન કરવામાં આવે છે.
દુર્ગાડિયૂલ પૂજા: ફાગણ મહિનામાં કરવામાં આવતી પૂજા-અર્ચના.
વસંતી પૂજા: પવિત્ર ચૈત્ર માસમાં થતી આરાધના.
મહાનડિયૂલ પૂજા: ચૈત્ર મહિનામાં ભગવાન કામદેવ માટે વિશેષત: યોજાતી પૂજા.