ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
ભારતીય જાંબાઝ સૈનિકો અને યુદ્ધ મોરચે ફરજ બજાવતા અધિકારીઓના સ્વાસ્થ્ય સુરક્ષા માટે રક્તદાન કેમ્પનું આયોજન વિસાવદર આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા કરવામાં આવેલ. સમગ્ર દેશ આજે આતંકવાદ સામે એકતા સાથે લડી રહ્યો છે. અને આપણા વીર યોદ્ધાઓ જાંબાજ સૈનિકો આ ધર્મયુદ્ધમાં અગ્રેસર બનીને દેશની રક્ષા માટે દિવસ-રાત દેશના સીમાડાઓ સાચવીને બેઠા છે. આવા સંજોગોમાં દેશના જવાબદાર નાગરિક તરીકે આપણું પણ કર્તવ્ય બને છે કે આપણે પોતાના સ્તરે શક્ય તેટલું યોગદાન આપીએ.આ માનવિય અને રાષ્ટ્રીય ફરજના ભાગરૂપે, અમો વિસાવદર આમ આદમી પાર્ટી તેમજ શહેરીજનો અને સિવિલ હોસ્પિટલ જૂનાગઢના સહયોગથી એક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું. આ કેમ્પમાં એકત્રિત થયેલ રક્ત આપત્તીના સમયે આપણા સીમા બોર્ડરના સૈનિકો માટે ઉપયોગી થઇ શકે.એવા ભાવ સાથે યુવાનોએ રક્તદાન કરી રાજીપો વ્યક્ત કરેલ. રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત મહાનુભવો વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા, પત્રકાર સી.વી.જોશી, આપ જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા, તાલુકા પ્રમુખ મહેન્દ્ર ડોબરીયા, મુનેશ પોકિયા, મુકેશ રીબડીયા, ડો હિતેશભાઈ વઘાસીયા તથા યુવાનો ઉપસ્થિત રહેલ તેમ ધર્મેશભાઈ કાનાણીની અખબાર યાદી જણાવે છે.



