ખાસ-ખબરનો વિશેષ અહેવાલ (ભાગ-4)
150થી 200 ફૂટ ઊંડાઈમાંથી કોલસો કાઢવાની પ્રક્રિયામાં વારંવાર મજૂરોના મોત
- Advertisement -
વર્ષ 2007 બાદ સરકારના પ્રતિબંધ છતાં પણ ગેરકાયદે ખનન પ્રક્રિયામાં સુરંગો થકી કોલસો કાઢવાનું યથાવત રાખ્યું હતું. જમીનના નીચે 150થી 200 ફૂટ સુધી ઊંડાણમાં કૂવાની માફક ખોદ કામ કરી 150 ફૂટે કોલસો નીકળે ત્યારે આજુબાજુ 200 ફૂટ જેટલી સુરંગ કરી કોલસો કાઢવામાં આવતો ટૂંકમાં જમીનની અંદર રીતસરની ગુફા બની જતી હતી. કોલસો કાઢવા માટે પરપ્રાંતીય મજૂરો અન્ય રાજ્યોમાંથી અહી લાવી તેઓને સુરંગોમાં ઉતારી કોલસો કઢાવવામાં આવતો હતો. જમીનથી 150 ફૂટ જેટલા ઊંડાઈમાં અનેક વખત ભેખડ ધસવાના લીધે વારંવાર મજૂરોના મોતની વિગતો પ્રકાશમાં આવી હતી પરંતુ ભૂમાફિયા સાથે વાયા રાજકીય નેતાઓ થકી સાંઠગાંઠ પ્રશાસનના અધિકારીઓ અને કર્મચારીઓ કોલસાની કાળી કમાણીમાં ખિસ્સું ગરમ કરતા હોવાથી મોતની ઘટના પણ નજર અંદાજ કરતા હતા. અહી ગેરકાયદે સુરંગોમાં જ્યારે મજૂરોના મોત થતાં જ મજૂરોના મૃતદેહને બહાર કાઢી પરિવારો સાથે બેઠકો થતી અને રૂપિયાના જોરે બધુજ દબાવી દેવાતું હતું. આ તરફ પ્રશાસનના અધિકારીઓને પણ મજૂરોના મોત મામલે જાણ થતી હોવા છતાં કોઈ ફરિયાદ આપવા નહિ આવતા અધિકારીઓને “ઢોળવું હોય અને ઢાળ મળે” તેવો ઘાટ સર્જાતો હતો. કેટલાક બનાવમાં તો તંત્ર પણ મજૂરોના મોત મામલે ભૂમિફિયા સાથે રીતસરનો શોધો કરતું હતું. મૃતક મજૂર અને તેના પરિવારોને તાત્કાલિક રાતોરાત પોતાના રાજ્યમાં મોકલી સવાર પડતાં તો મામલો જ રફેદફે કરી નાખવામાં આવ્યો હતો. આ પ્રકારના બનાવો વારંવાર સુરેન્દ્રનગર જિલ્લાની ધમધમતી ગેરકાયદે ખાણોમાં સામાન્ય બનવા પામ્યા હતા.
થાનગઢ, મૂળી તથા સાયલા ખાતે સરકારના પ્રતિબંધ છતાં સુરંગ વડે કોલસાના કાળા કારોબાર સાથે એક અન્ય પ્રતિબંધિત ચીજ પણ વેચાણ થતી જે માત્ર આતંકવાદીઓ પાસે જ મળી શકે. આ ચીજ એકસપ્લોઝીવ દારૂખાનું હતું. એક્સપ્લોઝિવ એક એવા પ્રકારનો પદાર્થ છે જે પળભરમાં જ આખેઆખું ગામ કે શહેર નસ્તો નાબૂદ કરી શકે છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં એક્સપ્લોઝિવનો ઉપયોગ સુરંગોમાં કોલસો કાઢવા માટે થાય છે. આ એક્સપ્લોઝીવ જથ્થો લાયસન્સ વગર વેચાણ કે ખરીદવું પણ એક ગંભીર પ્રકારનો ગુન્હો માનવામાં આવે છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં તો ભૂમાફિયાઓ તમામ સરકારી કાયદાને ઠેબે મારતાં માત્ર કાગળો પર જ રહી ગયા છે. દરરોજ અહી મોટા પ્રમાણમાં વાંકાનેરના એક વેપારી પાસેથી રાત્રીના સમયે જુદા જુદા ભૂમિફિયાઓના ઓર્ડર મુજબ એક્સપ્લોઝિવનો જથ્થો પહોચાડવામાં આવતો. મૂળી, થાનગઢ અને સાયલાના ગામોમાં ચાલતી ગેરકાયદે કોલસાની ખાણોમાં જરૂરિયાત મુજબ આઠથી દસ ખાણો વચ્ચે એક વ્યક્તિ રાખવામાં આવતો હતો જે ગેરકાયદે કોલસાના ખાણો ચલાવતા ભૂમાફિયા પાસે એક્સપ્લોઝિવ જથ્થાનો ઓર્ડર લઈને મૂળ વેપારીને આપતો. જ્યારે એક્સપ્લોઝીવ જથ્થાના વેપારી અને ભૂમાફિયા વચ્ચે રહેલા વ્યક્તિને બંને તરફથી જથ્થો પહોંચાડવાની જવાબદારી માટેનું દર મહિને આશરે પચાસ હજાર રૂપિયા સુધીનું મોટું તગડું કમિશન પણ મળતું. આ તરફ વાંકાનેરથી કોલસાની ખાણો સુધી એક્સપ્લોઝિવ જથ્થો વાહન થકી પહોચાડવા માટે પ્રશાસનની ભૂમિકા પણ મહત્વની હોવાનું ચર્ચાય છે. કારણ કે આટલો મોટો એક્સપ્લોઝિવ જથ્થો દર એક અઠવાડિયામાં ત્રણેક વખત ઘુસાડવો તંત્રની રહેમનજર વગર અશક્ય હતો…(ક્રમશ)