નવસારીના વિજલપોરમાં ભાવેશ પાટીલ ઉર્ફે સોનુએ જાહેર માર્ગ પર કેક કાપી અને આતશબાજી કરી
ઘટનાનો વિડીયો વાયરલ થતાં પોલીસે તપાસના આદેશ આપ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવસારી
- Advertisement -
નવસારીના વિજલપોર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (BJP) યુવા મોરચાના પ્રમુખ ભાવેશ પાટીલ ઉર્ફે સોનુએ જાહેર માર્ગની વચ્ચોવચ ફિલ્મી સ્ટાઇલમાં જન્મદિવસની ઉજવણી કરતાં વિવાદ સર્જાયો છે. આ ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડ્યા હોવાની ચર્ચા શહેરીજનોમાં ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ભાવેશ પાટીલે પોતાના સમર્થકોની હાજરીમાં કારમાંથી એન્ટ્રી લીધી હતી અને જાહેર માર્ગ પર જ કેક કટિંગ કરી હતી, સાથે જ આતશબાજી પણ કરવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે જણાવ્યું છે કે, “ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કરીને વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.”
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, અસામાજિક તત્ત્વો દ્વારા જાહેરમાં રોડ પર કેક કાપીને કે ફટાકડા ફોડીને તાયફા કરવાના અનેક વીડિયો સામે આવતા હોય છે, જેના પર પોલીસ કડક કાર્યવાહી કરે છે. જોકે, હવે આ પ્રકારના તાયફાઓનો ’વાયરસ’ રાજકીય નેતાઓને પણ લાગી ગયો છે. તાજેતરમાં સુરતના લિંબાયત વિસ્તારના ભાજપના કોર્પોરેટર અમિત સિંહ રાજપૂત દ્વારા પણ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરતો વીડિયો વાયરલ થયો હતો.