ED, ITના રડારમાં રહેલા ‘લોટરી કિંગ’ તરફથી ભંડોળ મેળવનારામાં ભાજપ-તૃણમુલ કોંગ્રેસ મોખરે
કૉંગ્રેસને BRS કરતાં પણ ઓછું ફંડ મળ્યું: બંધ થયેલા ચૂંટણી બૉન્ડના મારફત મળેલા નાણાં હજુ જાહેર થયા નથી
ઈલેકટરોલ ટ્રસ્ટ મારફત આવતા નાણાંમાં પણ ભાજપ અવ્વલ: સરકારી કોન્ટ્રાકટ માટે જાણીતી મેઘા ઈન્ફ્રા. ટોપ ડોનર
આમ આદમી પાર્ટીને મળતાં ભંડોળમાં ઘટાડો: 2023/24માં રૂા.11.1 કરોડ મળ્યું: પ્રાદેશિક પક્ષો વધુ પ્રમાણિક
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઈલેકટરોલ બોન્ડે ભલે વિદાય લેવી પડી પણ રાજકીય પક્ષોની તિજોરીમાં નાણાની રેલમછેલમ યથાવત રહી છે અને દેશમાં જેમ આવકની અસમાનતા છે અને ધનવાનો વધુ ધનવાન થઈ રહ્યા છે તેમ દેશના સૌથી ધનવાન પક્ષ ગણાતા ભારતીય જનતા પક્ષના ભંડોળમાં સૌથી વધુ નાણા ઉમેરાય છે. ભાજપને 2024માં કુલ 2244 કરોડનું ભંડોળ મળ્યું અને આ રકમ રૂા.20000 કે તેથી વધુના ભંડોળ આપનાર તરફથી મળી છે.
જેમાં કોઈના વ્યક્તિગત ફાળા ટ્રસ્ટ અને કોર્પોરેટ તરફથી મળતા ફંડનો સમાવેશ થાય છે અને 2022/23 કરતા તે ત્રણ ગણી રકમ ભંડોળ તરીકે મળી છે. બીજી તરફ કોંગ્રેસ પક્ષને રૂા.288.9 કરોડનું કુલ ભંડોળ મળ્યુ હતું. જે અગાઉના 79.9 કરોડના ભંડોળ કરતા ચાર ગણું છે. ચૂંટણીપંચની વેબસાઈટ પર મુકાયેલી માહિતી મુજબ 2023/24ના વર્ષમાં ભાજપને રૂા.723.6 કરોડની રકમ ઈલેકટરોલ- ટ્રસ્ટ તરફથી મળી છે. આ ટ્રસ્ટ અનેક કોર્પોરેટ કે અન્ય બીઝનેસ અથવા ધનવાન પરિવારો ચલાવે છે તો કોંગ્રેસને આ પ્રકારે ટ્રસ્ટની મળેલી રકમ રૂા.156.4 કરોડની થઈ છે.
- Advertisement -
આ પ્રકારે ટ્રસ્ટ મારફત ડોનેશન આપવામાં ફરી એક વખત મોટા સરકારી પ્રોજેકટ મેળવતી કંપની મેઘા એન્જી. એન્ડ ઈન્ફ્રા લી. છે જે શાસક ને ઈલેકટરોલ બૉન્ડ મારફત પણ ડોનેશન આપવામાં અગ્રણી હતી તો કોરોનાકાળમાં વેકસીનથી જાણીતી બનેલી પુનાની સીરમ ઈન્સ્ટીટયુટ, બિન નિવાસી ભારતીય લક્ષ્મી મિતલની કંપની આર્સલર મિતલ તથા દેશની ટેલીકોમ્યુનીકેશન ક્ષેત્રની નંબર-2 ભારતી એરટેલને આ ટોચના ડોનરમાં સમાવેશ થાય છે. જો કે આ ડોનરમાં કોણે કેટલી રકમ આપી તે હજુ ચૂંટણી પંચે જાહેર કર્યુ નથી.
જો કે ભાજપ તથા કોંગ્રેસ પક્ષે જે કુલ ડોનેશન જાહેર કર્યુ છે. ઈલેકટોરલ બૉન્ડ જે હવે બંધ થયા છે તેના મારફત અગાઉ મેળવેલા નાણા જાહેર કર્યા નથી અને આ માહિતી ફકત તેણે વાર્ષિક ઓડીટ રિપોર્ટમાં આપવાનું જરૂરી છે. સુપ્રીમકોર્ટ આ વર્ષે જ ઈલેકટોરલ બૉન્ડ નાબુદ કર્યા છે. જો કે મુખ્ય રાજકીય પક્ષો કરતા પ્રાદેશિક પક્ષો વધુ પ્રમાણીક છે. અનેક પ્રાદેશિક પક્ષોએ હાલ જરૂરી નહી હોવા છતા પણ ઈલેકટરોલ બૉન્ડ મારફત જે નાણા મળ્યા તે પણ જાહેર કર્યા છે. જેમાં તેલંગાણામાં સતા ગુમાવનાર ભારત રાષ્ટ્રીય સમીતીએ રૂા.60 કરોડ, વાયએસઆર કોંગ્રેસ પક્ષ રૂા.121.5 કરોડ અને જેએમએમએ રૂા.11.5 કરોડ આ પ્રકારે મારફત નાણા મળ્યાનું જાહેર કર્યુ છે.
ભાજપને ચૂંટણીના વર્ષમાં મળતા ભંડોળમાં 212%નો વધારો થયો છે. ભાજપે ઈ-ટ્રસ્ટો માટે રૂા.850 કરોડ મળ્યા છે. કોંગ્રેસ પક્ષે આ રૂટ પરથી રૂા.156 કરોડ મેળવ્યા છે જેને લોટરી કિંગ તરીકે ઓળખવામાં આવે છે અને કાનૂની સકંજામાં પણ આવી ચુકેલા છે તે સાન્ટીગો માર્ટીન કંપની તરફથી રૂા.3 કરોડનું ભંડોળ મેળવ્યુ છે. આ કંપની મની લોન્ડ્રીંગ અને કાળા નાણાના કેસમાં ફસાઈ છે તેની પાસેથી તૃણમુલ કોંગ્રેસને પણ સૌથી મોટુ ભંડોળ મેળવ્યુ છે તો હવે દિલ્હી ચૂંટણી લડવા જઈ રહેલા આમ આદમી પાર્ટીને રૂા.11.1 કરોડનુ ભંડોળ મેળવ્યુ છે. જો કે 2023-24માં આ પક્ષને રૂા.37.1 કરોડ મળ્યા હતા તો ભારતીય સામ્યવાદી પક્ષ (માર્કસવાદી)ને રૂા.7.6 કરોડ મળ્યા છે જે અગાઉના વર્ષના રૂા.6.1 કરોડ કરતા વધુ છે. રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને જે ભંડોળ માહિતી આપી છે તે ઈલેકટરોલ ટ્રસ્ટ ઉપરાંત જેઓએ રૂા.20000 કે તેથી વધુ ભંડોળ આપ્યા છે તે રકમનો સમાવેશ થાય છે જયારે જે ઈ-બૉન્ડના નાણાની માહિતી હવે તેઓ ઓડિટેડ હિસાબો આપે છે તેમાં દર્શાવશે પરંતુ રૂા.20000થી ઓછી રકમ જેમાં ‘નામ’ જરૂરી નથી તેની માહિતી જાહેર થઈ નથી.
કોને કેટલું ડોનેશન મળ્યું?
ભાજપ 2244 કરોડ
BRS 580 કરોડ
કોંગ્રેસ 289 કરોડ
YRS કોંગ્રેસ 184 કરોડ
TDP 100 કરોડ
DMK 60 કરોડ
AAP 11 કરોડ
TMC 6 કરોડ