કાર્તિક મહેતા
31 ઓકટોબર 2008ને દિવસે metdowd.com નામની એક વેબસાઇટ પર રહેલા અનેક લોકોના મેઇલ ઉપર એક રિસર્ચ પેપર મોકલવામાં આવ્યો. આ મેઇલ ક્રિપ્ટોગ્રાફી ઉપર કામ કરતા લોકોને મોકલવામાં આવેલો. સામાન્ય રીતે રિસર્ચ પેપર હમેશા પીઅર રિવ્યુડ હોય એટલે કે એને વિષયના તજજ્ઞોએ રિવ્યૂ કરેલો હોય. પણ આ પેપર કોઇએ રિવ્યૂ કરેલો નહોતો. પેપર લખવા વાળાની ઓળખ પણ ગુપ્ત હતી કેમકે એણે સતોશી નાકામોટો નામનું સ્યૂડો નેમ અર્થાત્ છંભ નામ વાપરેલું હતું. હવે આ નાકામોતો કોણ હતો, કોઈ એક માણસ હતો કે આખું ગ્રુપ હતું એની તો હજી સુધી કોઈ ભાળ મળી નથી પણ આ એક રિસર્ચ પેપરે એક એવા વાવાઝોડાને જનમ આપ્યો જેણે આજે ભયાનક વેગ પકડી લીધો છે. એ પેપરે જે વાવાઝોડાને જનમ આપ્યો તે છે : બિટકોઇન . આજે બિટકોઇન નો ભાવ લગભગ એંસી લાખ રૂપિયા જેટલો થઈ ગયો છે. અમેરિકામાં ટ્રેમ્પ સરકાર આવતા વહેત ઇલોન મસ્ક (જે ટ્રેમ્પ ના સપોર્ટર રહ્યા અને એમના કેમ્પેન્ ને નાણાકીય પીઠબળ પણ આપ્યું) ની કંપનીઓના શેર રોકેટ બન્યા. પણ સાથે સાથે બિટકોઇન પણ ઊંચકાયો. સહેજે પ્રશ્ન થાય કે ઇલોન માસ્ક રાજકારણમાં આવ્યા એટલે એની કંપનીઓના શેર પ્રાઇઝ ભાગે પણ બિટકોઇન કેમ ભાગ્યો? એવું માનવામાં આવે છે કે ક્યાંકને ક્યાંક ઈલોન માસ્ક અને બિટકોઇન “કશીક” રીતે સંકળાયેલા છે. આવું માનવાનું એક કારણ છે મસ્કની લગભગ 2022 આસપાસની એક ટ્વીટ. જેમાં ઈલોન મસ્કે બિટકોઇન ના શોધક સતોષી નાકામોટો ના જૂઠા નામ પાછાળ નું “લોજીક” છતું કરેલું હતું કે આ નામ ખરેખર વિશ્વની મોટી કંપનીઓના નામમાંથી અમુક અમુક અક્ષર લઈને બનાવેલ છે.
- Advertisement -
આ ટ્વીટ ફ લેખ સાથેના ચિત્રમાં છે. પછી જોકે મસકે ખુલાસો કર્યો કે એની પાસે માંડ પાવલી (0.25) બિટકોઇન પડ્યા છે. પણ હવે મસ્કનું કોણ માને? કેમકે સાતોશી નાંકામોટો પાસે લગભગ સવા લાખ જેટલા બિટકોઇન પડ્યા છે જેની કિંમત અબજોમાં થાય અને એને કારણે નાકામોતો ભાઈ (કે બહેન કે મંડળી) જગતના પંદરમા શ્રીમંત વ્યક્તિ (કે કંપની) બની જાય. આજે આપણે રૂપિયા કે ડોલર વગેરે નાણાંનું સ્વરૂપ જોઈએ છીએ તે બધી ફિયાટ કરન્સી છે. અર્થાત્ એના પાયામાં કશું જ નથી, બસ આપણો સહુનો (અને ખાસ તો સરકારનો) વિશ્વાસ છે.આથી થાય છે એવું કે મોંઘવારી સતત વધારવી પડે છે. જો મોંઘવારી ના વધે તો સ્ત્રોતો ઉપર દબાણ આવી જાય આથી નાણાં કમાવાના કામને સતત અઘરું બનાવતું રહેવું પડે. એનું અવમૂલ્યન કરવું પડે. આ સિસ્ટમ ન્યાયપૂર્ણ નથી કેમકે એમાં પારદર્શકતા નથી. રાજકારણીઓ કે એની જેમ સિસ્ટમમાં ઉપર બેઠેલાઓ જે “વહીવટો” કરે એની ગૂંચ ઉકેલવામાં ભલભલા કમ્પ્યુટર થાપ ખાઈ જાય એવા હોય છે. આથી એક સિસ્ટમ એવી હોવી જોઈએ કે જેમાં એક એક લેણદેણ ખુલ્લી રીતે થાય. ક્યાંય ઘાલમેલ શક્ય ના હોય. આ સિસ્ટમ બિટકોઇન આપે છે. કેમકે એમાં દરેક લેણદેણ રેકોર્ડ થાય છે. કોઈ પણ લેણદેણ પરબારી થઈ શકતી નથી. દેખીતી રીતે આ બહુ આકર્ષક પાસુ જણાય પણ હજી આગળ વાંચો, જેટલું આ સરળ છે એટલું છે નહિ. બિટકોઇન ને અનેક લોકો ભવિષ્યની કરન્સી ગણે છે. કેમકે આ કરન્સી સરકારી દખલ થી દુર છે. સરકાર અહીંયા ક્યાંય આવતી જ નથી એટલે સરકારો ને પણ બિટકોઇન બાબતે ચિંતા અને ઉત્સુકતા છે કે હવે થશે શું? ચીની સરકારે બિટકોઇન ટ્રેડિંગ અને લેણદેણ ઉપર પ્રતિબંધ મૂક્યો છે પણ સામે ચીન પોતે બિટકોઇન ની બ્લોકચેઇન નામની ટેકનોલોજી ઉપર સારું એવું કામ કરી રહ્યું છે. ભારતે બિટકોઇન ઉપર ના નફા અને સાથે એના ટ્રાંઝેકશન ઉપર માતબર ત્રીસ ટકાથી વધારે ટેકસ લગાડેલો છે. બાકી જ્યા સુધી આ બાબતે સ્પષ્ટતા નહોતી ત્યાં સુધી ગુજરાત સહિત આખા ભારતમાં બિટકોઇન થકી અનેક લોકોએ ખુબ દ્રવ્યોપાર્જન કરી લીધું. અનેક અપરાધો પણ થયા જે હજુ લોકોની સ્મૃતિમાં છે પણ કોરોનાએ આ બધું જરા ઝાંખું કરી દીધું. આજે બિટકોઇન ફરી ચર્ચામાં છે (અને હમેશા રહેવાનો છે તે પણ નક્કી છે) આમ બિટકોઇને લોકોમાં આશા જગાવી છે કે આ ટેકનોલોજી ભવિષ્યમાં રાજકારણને ચોખ્ખું કરશે. આમેય બ્રિટિશરો હમેશા માનતા આવેલા છે કે ટેક્ટિક સામે ટેકનિક હમેશા વિજયી બને છે.
આથી યુરોપિયનો અને અમેરિકનો દરેક સમસ્યાનું સમાધાન હમેશા ટેકનિકલ રીતે શોધે છે. રાજકારણ એક અતિ મેલું, ગોબરું અને અપારદર્શક ક્ષેત્ર છે.કાગડા બધે કાળા હોય એમ શાસનમાં બેઠેલા ભ્રષ્ટાચાર કરે નહિ એવું શક્ય નથી. થોડો કે ઘણો ભ્રષ્ટાચાર તંત્રનો અનિવાર્ય ભાગ ગણાય છે. પણ ક્યારે ભ્રષ્ટાચાર સીમાડા વટાવીને ગાંડો થઈ જાય એનું નક્કી નથી હોતું. આથી ભ્રષ્ટાચારના ટેકનિકલ ઉકેલ તરીકે ઇવીએમ , બાયોમેટ્રિક જેવી અનેક ટેકનોલોજી શોધાઈ છે. બિટકોઇન પાછાલની ટેકનોલોજીને બ્લોકચેઈન કહેવાય છે. આ ટેકનોલોજી ને ભવિષ્યની ટેકનોલોજી કહેવામાં આવે છે કેમકે બિટકોઇન માં જેમ આ ટેકનોલોજીને લીધે તમામ લેવડ દેવડ એક કોમન “લેજર” એટલે કે કોમન ખાતાવહીમાં નોંધાય છે તેમ ભવિષ્યમાં દરેક ક્ષેત્રે આવી પારદર્શિતા આવશે એવું નિષ્ણાતો માને છે. બિટકોઇન (કે એની ટેકનોલોજી બ્લોકચેઈન)નો સર્જક (કે સર્જકો) એના નિયમો બનાવવા વાળા છે. આથી ભલે દેખીતી રીતે આ સિસ્ટમ એકદમ વિકેન્દ્રિત દેખાય જેમાં બધું નિયમ મુજબ ચાલે, કોઈ ભ્રષ્ટાચાર કરી ના શકે પણ આ સિસ્ટમના નિયમો તો એના સર્જકોએ ઘડેલા છે આથી અદ્ર્શ્ય રીતે , જૂઠું નામ ધરાવતા એના સર્જક પાસે નિયમોની લગામ છે. આ બાબતે અનેક લોકોને ચિંતા છે. મજાની વાત એ છે કે આજની તારીખે બિટકોઇન એ અજાણ્યા શખસે લખેલા પેપર ઉપર જ કામ કરે છે. દેખીતી રીતે એમાં કોઈ મોટી ઘાલમેલ કરે એવું દેખાતું નથી. આવા ઘાલમેલ કરવા વાળાં લોકો કે જેઓ બિટકોઇન સિસ્ટમ ને હેક કરવા /સળી કરવા પ્રયાસ કરે છે એમને “ફોર્ક” કહેવાય છે. હજુ સુધી ફોર્ક લોકોએ કોઈ મોટું નુકસાન કર્યું નથી . પણ સંભાવનાઓ ઘણી છે. વધુ આવતા અંકે.