વૈશ્વિક ક્રિપ્ટોની માર્કેટ કેપ વધી ૨.૬૧ ટ્રિલિયન ડોલરના સ્તરે
એથરમને મંજુરીની શકયતાથી સેન્ટિમેન્ટ સુધર્યું
સ્પોટ એથરમ એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)ને અમેરિકાની સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ કમિશન (એસઈસી) તરફથી મંજુરી મળવાની શકયતા વધી ગઈ હોવાના અહેવાલ બાદ એથરમની આગેવાની હેઠળ ક્રિપ્ટોકરન્સીસ બજારમાં છેલ્લા ચોવીસ કલાકમાં નોંધપાત્ર સુધારો જોવાયો હતો.
- Advertisement -
મુખ્ય ક્રિપ્ટો બિટકોઈને છેલ્લા ચોવીસ કલાકમાં ફરી ૭૧૦૦૦ ડોલરની સપાટી કુદાવી હતી. જે એપ્રિલ બાદ પ્રથમ વખત જોવા મળી છે. એથરમનો ભાવ ૧૯ ટકા વધી ૩૭૦૦ ડોલર જોવા મળ્યો હતો.બિટકોઈન નીચામાં ૬૬૮૯૮ ડોલર અને ઊંચામાં ૭૧૬૩૨ ડોલર થઈ મોડી સાંજે ૭૧૧૫૫ ડોલર બોલાતો હતો. એથરમ ૬૧૭ ડોલર વધી ૩૭૩૦ ડોલર મુકાતો હતો. ક્રિપ્ટોકરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપ વધી ૨.૬૧ ટ્રિલિયન ડોલર પહોંચી ગઈ હતી.
અન્ય ક્રિપ્ટોસ એકસઆરપી, સોલાના, એડીએમાં પણ ૩થી ૬ ટકા વધારો જોવા મળ્યો હતો. બજારમાં આવેલા અચાનક ઉછાળાથી અંદાજે ૨૬ કરોડ ડોલરની શોર્ટ પોઝિશનને લિક્વિડેટ કરવાની ફરજ પડી હતી. એકસચેન્જ જ્યારે ખેલાડીની ઊભી પોઝિશનને ફરજિયાત બંધ કરી નાખે છે તેને લિક્વિડેશન કહેવામાં આવે છે. એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં સ્પોટ એથર ઈટીએફને મંજુરી મળવાની તક ૭૫ ટકા પર આવી ગયાના દાવાથી ક્રિપ્ટો માર્કેટસમાં તેજીનું સેન્ટિમેન્ટસ જોવા મળ્યું હતું. એસઈસીએ એથરમ સ્પોટ ઈટીએફસના અરજદારોને તેમના ૧૯બી-૪ફાઈલિંગ્સને અપડેટ કરવા વિનંતી કરી હોવાના અહેવાલથી એથરમ ઈટીએફસને પણ મંજુરી મળવાની શકયતા વધી ગઈ છે.
એથર ઈટીએફસને મંજુરીથી સંસ્થાકીય રોકાણ પ્રવાહ વધવાની બજારને અપેક્ષા છે. જાન્યુઆરીમાં વહેલા થયેલા સ્પોટ બિટકોઈન ઈટીએફસમાં કુલ ૧૨ અબજ ડોલરનો ઈન્ફલોસ જોવા મળ્યો છે.