સિવિલની માનીતી એજન્સીઓના બિલ પાસ કરાવી પ્રજાના રૂપિયા લૂંટવાનો ભ્રષ્ટાચાર, સિવિલ તંત્ર યોગ્ય પગલાં ભરે: કલ્પેશ કુંડલીયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના નામે કરોડો રૂપિયાના બિલ પાસ કરાવી સુવિધાના નામે લોલીપોપ આપતા કૌભાંડીયા અધિકારીઓના છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસ અને મીડિયા દ્વારા આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં આવ્યો હોવા છતાં સિવિલની માનીતી એજન્સીઓના બિલ પાસ કરાવીને પ્રજાના રૂપિયા લૂંટવામાં આવી રહ્યા છે. નવી ફાયર સેફ્ટીનું ટેન્ડર વીસ લાખ રૂપિયાનું રાખવામાં આવ્યું એ જોતાં જ લાગે કે સિવિલ તંત્ર અને ફાયર એજન્સીની મિલીભગત છે. કારણ કે ફાયરના સાધનોનો હિસાબ માંડીએ તો આખી સિસ્ટમ ચાલુ કરવા માટે હાઈડ્રોલિક પંપની બેટરી, સ્મોકર ડિરેકટર, વાયરીંગ પેનલ ઉપરાંત અન્ય સાધનોની અંદાજિત કિંમત દોઢથી બે કરોડ રૂપિયા થાય અને ટેન્ડર બહાર આવે છે માત્ર 20 લાખ રૂપિયાનું એટલે કોઈ અન્ય એજન્સી આમાં હાથ નાખે નહીં અને ફરીથી કોન્ટ્રાક્ટ જૂની એજન્સીને જ મળે અને નવા સાધનોના ખરીદીના નામે તથા જૂના સાધનોના રિપેરીંગના નામે ધીમે ધીમે લાખોના બિલ પાસ કરાવી કરોડો રૂપિયા ભેગા કરી લે છે. છેલ્લા કેટલાય સમયથી ફાયરના આ સાધનો અડધા ચાલુ અને અડધા બંધ હાલતમાં છે તે એમના એમ જ જોવા મળી રહ્યા છે. ફાયરના બાટલાઓના સર્ટિફીકેટમાં પણ ગફલા જોવા મળી રહ્યા છે.
રાજકોટ કોંગ્રેસ હાથ સે હાથ જોડો સમિતિ પ્રમુખ કલ્પેશભાઈ કૂંડલીયા દ્વારા લોકહિતમાં વારંવાર સિવિલ તંત્રને આવેદન પત્રો આપ્યા છતાં આ હોસ્પિટલ જાણે કે બીજા ટીઆરપી કાંડની રાહ જોઈ રહ્યું હોય તેવું જણાય રહ્યું છે. લોકોના જાનને જોખમ હોય તેવું વારંવાર સમજાવવા છતાં પણ ફાયર સેફટી તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી. હજુ પણ એક્સપાયર થઈ ગયેલા ફાયર સેફ્ટીના સાધનો પડ્યા છે, જાણે કે નવા સાધનો માટે નિર્દોષ લોકોના મૃત્યુની રાહ જોવાઈ રહી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. અન્ય એક ભ્રષ્ટતાનો નમૂનો જોઈએ તો સિવિલના હાઈટેક રસ્તાઓમાં જાણે કે હેવીવાહનોના કાફલાઓ નીકળતા હોય તેમ લોખંડના સ્પીડબ્રેકર જરૂરિયાત કરતાં પણ વધુ સંખ્યામાં મૂકી દેવામાં આવ્યા છે. આ એક હોસ્પિટલ છે છતાં પણ સક્ષમ ડોકટર અધિકારીઓને સમજાતું નહીં હોય કે કોઈ હાર્ટ પેશન્ટ હોય અને જો આવા બ્રેકરથી એમના જીવને જોખમ આવે તો કોણ જવાબ આપશે. આ તમામ બાબતો માત્ર ને માત્ર રૂપિયા ભેગા કરવા માટે જ બની રહી હોય તે હવે રાજકોટના લોકો પણ જાણી ગયા છે. આ તકલીફોથી પ્રજાને રાહત મળે અને નિષ્પક્ષ બનીને તપાસ કરવા અંગે તંત્રના અધિકારીઓને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.