કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખૂલી: ઠેર-ઠેર પાણી ભરાયા
કિન્નર આચાર્ય
દર વર્ષે આવું મથાળું તમને વાંચવા ન મળે તો હું મૂછ મૂંડવી નાંખું ! જેમ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે દાંડાઈ એ રૂટિન છે તેમ જી.ઈ.બી. અથવા તો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ માટે પણ એવું જ છે. ઉપરની હેડલાઇન તમે જી.ઈ.બી. માટે પણ ફિટ કરી શકો. “જી.ઈ.બી.ની પ્રિ -મોનસુન કામગીરીની પોલ ખુલી: ઝરમર છાંટામાંજ અનેક વિસ્તારોમાં અંધારપટ!” દાયકાઓથી આવા મથાળા આપણે વાંચી રહ્યા છીએ. સવાલ એ છે કે, એવું હેડિંગ ક્યારે વાંચવા મળશે જેમાં લખ્યું હોય કે, ” પાલિકાની અસરકારક પ્રિ – મોનસુન કામગીરીને કારણે ધોધમાર વરસાદમાં પણ પાણી ભરાયા નહિ !” વોહ સુબહ કભી તો આયેગી….
- Advertisement -
તહેવારો છતાં બજારોમાં નહિવત ઘરાકી: મંદીની અસર દેખાઈ
દિવાળી વખતે આવું મથાળું દરેક અખબારમાં વાંચવા મળશે. ખાસ કરીને દિવાળીના ચાર – પાંચ દિવસ પહેલા. પછી બેસતાં વર્ષે અચૂક વધુ એક હેડિંગ છપાય, જેમાં લખ્યું હોય: ” છેલ્લાં ચાર દિવસ દરમિયાન બજારમાં ચિક્કાર ઘરાકી: વેપારીઓ ધરાઈ ગયા!” વાત એમ છે કે, ખરીદીની પેટર્ન હવે બદલાઈ ગઈ છે. નવા કપડાં માત્ર દિવાળીએ જ લેવાય, એવું નથી. બીજું, હવે વિસ્તારવાઈઝ બજારો બની ગઈ છે. ઓનલાઇન ખરીદીનો પણ હિસ્સો હોય છે. આ વાત યા તો વેપારીઓ નથી સમજતાં અથવા તો પત્રકારો નથી જાણતા. નહિતર દર વર્ષે આવું શા માટે છપાય?
પતંગ-દોરાનાં ભાવમાં વીસ ટકા વધારો: ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધ
- Advertisement -
દર વર્ષે ઉત્તરાયણ આવે, એ પહેલા આ સમાચાર અચૂક છપાય. કદાચ ન છપાતાં હોય તો પણ બધાને ખ્યાલ જ હોય છે કે, થોડો ઘણો ભાવવધારો હશે જ. સાથેસાથે અન્ય સંલગ્ન સમાચાર પણ હોય જ. ઉદાહરણ તરીકે, ચીક્કી બજારમાં ધૂમ, શેરડી – જીંજરા લેવા લોકો ઉમટી પડ્યા. એક્ઝેક્ટલી આવા જ સમાચાર તમને દિવાળી વખતે વાંચવા મળશે. “ગયા વર્ષની સરખામણીએ ફટાકડાંના ભાવમાં 25 ટકાનો વધારો” હોળી વખતે છપાશે કે, “પિચકારીના ભાવમાં 20 ટકાનો વધારો” જન્માષ્ટમી વખતે આવશે, “રાજકોટનાં લોકમેળામાં હૈયેહૈયું દળાયું: આઠમને દિવસે ત્રણ લાખ લોકો ઉમટ્યાં” જન્માષ્ટમી પહેલા આવશે કે, “રાઈડ્સના ચોકઠામાં ફરી રિંગ, કલેકટર આકરા પાણીએ!”
ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. તરીકે ચાર્જ સંભાળતા જોરાવરસિંહ જાડેજા: ગુનેગારોમાં ફફડાટ
જોરાવરસિંહ જાડેજા તો એક કાલ્પનિક પાત્ર માત્ર છે. સવાલ એ છે કે, ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. તરીકે રામજીભાઈ આવે, શામજીભાઈ આવે કે ભીમજીભાઈ આવે … તેમાંથી લોકોને શો ફરક પડે છે! કશો જ નહીં. નવ્વાણું ટકા વાચકો માટે આ સમાચાર શોએબ અખ્તરના બાઉન્સર જેવાં હોય છે. આ સમાચારની આખી ચેઇન છે. પી. આઇ. સાહેબની ક્રાઇમ બ્રાન્ચમાંથી બદલી થાય ત્યારે તેમણે ઉકેલેલા 11,250,44100 કેઇસો વિશે છપાય, પછી નવા સાહેબનો ઇન્ટરવ્યૂ, તેઓ સિંહાસન પર આસનસ્થ થઈ રહ્યાં હોય એવી તસવીર. હવે ચેઇન પૂરી થઈ.
IPS-IASની ટ્રાન્સફરનો ગંજીપો ચીપાશે: મહત્ત્વના પોસ્ટિંગ માટે જબરી ખેંચતાણ
આ સમાચારમાં પણ ભોજિયાભાઈનેય રસ નથી હોતો. મીડિયાકર્મી અને જે તે ખાતાના કર્મચારીઓ સિવાય કોઇને પડી નથી કે કયા સાહેબ કઈ જગ્યાએ બિરાજમાન થવાનાં છે. આમ તો બદલીઓનું લિસ્ટ જાહેર થાય તે પહેલાં જ સોશિયલ મીડિયામાં અટકળો શરૂ થઇ જાય છે. એક રૂટિન પ્રક્રિયાને આટલું મહત્વ કદાચ આપણાં સિવાય કોઈ નહિ આપતું હોય.
ભૂ-માફિયાઓની ખેર નથી: ચાર્જ સંભાળતા જ નવા કલેકટરનો ધ્રુજારો
આ હેડિંગનો અર્થ એમ સમજવો કે,નવા કલેકટર સાહેબનો ’ભાવ’ ઊંચો છે. રાજકોટને જમીન કૌભાંડોની રાજધાની ગણવામાં આવે છે. અહીં લેન્ડસ્કેમ એ ગૃહઉદ્યોગ અને કુટિરઉદ્યોગની વ્યાખ્યામાં આવે છે. પરંતુ ભાગ્યે જ કોઈ આઇ.એ.એસ. અધિકારીને ભૂ-માફીયાઓ સામે આકરાં પગલાં લેતા મેં જોયા છે. આવું જ એક હસવા જેવું હેડીંગ છે: “વ્યાજખોરોની ખેર નથી, પોલીસ કમિશનરની ખુલ્લી ચેતવણી!” છેલ્લાં વીસ વર્ષથી વિવિધ પોલીસ કમિશનરો આવી ખુલ્લી ચેતવણી આપી ચૂક્યા છે અને આ વર્ષો દરમિયાન વ્યાજખોરી વધતી ગઈ છે.
હરામખોરે ત્રણ વર્ષ સુધી અલગ-અલગ સ્થળે લઈ જઈ યુવતી પર બળાત્કાર ગુજાર્યો
આ એક અદ્ભુત ફરિયાદ છે. આવી ફરિયાદ સૌરાષ્ટ્રમાં લગભગ દરરોજ નોંધાતી હશે. આવી રીતે બળાત્કાર શક્ય જ નથી, એ બધા જાણે છે. પરંતુ ’કાયદો ગધેડો છે’ એ અમેરિકન કહેવત ભારતમાં પણ લાગુ પડે છે. ફરિયાદમાં કહેવાયું હોય છે કે, ” હરામખોરે એ નિર્દોષ પારેવડાં જેવી યુવતીને ફોસલાવીને વીરપુર, ચોટીલા, જૂનાગઢ જેવાં સ્થળોએ લઈ જઈને સતત ત્રણ વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હતો.” આવી જ એક અન્ય ફરિયાદના હેડિંગમાં લખ્યું હશે: “ધાક-ધમકી આપીને ત્રણ વર્ષમાં નરાધમે 384 વખત યુવતીને પીંખી!” આમાં નિર્દોષ બાળા કહેશે કે, નરાધમે ધમકી આપી હતી કે કોઈને વાત કરીશ તો તારા નાના ભાઈને મારી નાંખીશ!
પતિએ ભેળ ખવડાવવાની ના પાડતા પરણિતા સળગી મરી: અરેરાટી
સૌરાષ્ટ્રના અખબારોમાં આવા ચિત્રવિચિત્ર ગણાય એવા અનેક સમાચારો જોવા મળશે. ક્યારેક આવશે કે, ’પતિએ પિકચર દેખાડવાની ના પાડતા મહિલાનું અગ્નિસ્નાન !’ ક્યારેક છપાશે,”મેક – અપ બાબતે માતાએ ઠપકો આપતાં તરૂણીએ ગળાફાંસો ખાધો!” આવા ન્યૂઝ માત્ર સૌરાષ્ટ્રના અખબારોમાં જ વાંચવા મળશે. આમાં બે મુદ્દા છે: (1) સૌરાષ્ટ્રમાં ક્ષુલ્લક કારણોસર આત્મહત્યાનું પ્રમાણ ઘણું ઊંચું છે.(2)પોલીસમાં આત્મહત્યાનું જે કારણ આપવામાં આવે છે, તેનાં કરતાં ઘણાં ઊંડા તેનાં વાસ્તવિક કારણો હોય છે.