પાક ધિરાણ અને સીધી સહાય ખેડૂતોને ચુકવવામાં માંગ કરી
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જીલ્લામાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોને ભારે નુક્સાન થવા પામ્યું હતું. ધોધમાર વરસાદને પગલે ખેડૂતોએ વાવેતર કરેલ પાક નિષ્ફળ થયો હતો. જોકે ખેડૂતો પર માવઠાનો માર પડતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા ગયા છે. હવે સરકાર જ ખેડૂતોને થયેલ નુકસાનીની પુરતી સહાય આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે. ત્યારે ભારતીય કિસાન સંઘ ખેડૂતોની વહારે આવી હતી. રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય કિસાન સંઘના આગેવાનો તથા ખેડૂતો દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્કેટિંગ યાર્ડ થી પ્રાંત કચેરી સુધી ખેડૂતોએ બાઇક રેલી યોજી પ્રાંત કચેરી ખાતે ખેડૂતો પહોંચ્યા હતા. જે બાદ ખેડૂતો પોકે પોકે રડી પડ્યા હતાં. અને સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. રાજુલા- જાફરાબાદ અને ખાંભા પંથકમાં સહિત વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું. ત્યારે હવે સરકારના ડીજીટલ સર્વેનો વિરોધ કર્યો હતો. અને સરકાર દ્વારા પાક ધિરાણ (દેવા માફી ) તથા સીધી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ આવેદનપત્રમાં જણાવેલ કે, અમરેલી જીલ્લાના તમામ તાલુકામા તા. 25/10/2025 થી શરૂ થયેલ કમોસમી વરસાદ આજ તા.31/10/2025 ના દિવસે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. અને હજુપણ આગામી દિવસોમાં ભારે વરસાદ થવાની શકતાઓ છે તેવુ હવામાન વિભાગ આગાહી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતના તમામ તૈયાર થયેલ પાકો ખેતરોમાં પડયા છે તે સદંતર નિષ્ફળ થઈ ગયેલ છે.
- Advertisement -
એટલેકે ખેડુતોએ આટલી મોધવારીમાં પાક પકાવવા માટે 100% ખર્ચ કરી પાક તૈયાર કરેલ તે નિષ્ફળ થયો છે. અને ગત દિવાળીથી આજ સુધીમાં શિયાળુ પાક તથા ઉનાળુ પાક ખેડુતોએ તૈયાર કર્યા તેના ઉપર કમોસમી વરસાદ પડવાથી પાક સાવ નિષ્ફળ ગયો છે. જેમાં ખાસ કરીને શિયાળુ ડુંગળીના પાકામાં ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે. તેવીજ રીતે હાલના સમયે તા.25/10/2025 એ શરૂ થયેલ વરસાદ આજ તા.31/10/2025 સુધીમાં ખેડુતનો તમામ પાક નિષ્ફળ થઇ ગયો છે. તેવા સમયે સરકાર દ્વારા લાંબા ટુંકા વિચાર કર્યા સિવાય અમરેલી જીલ્લાના ખેડુતોનુ સરકારી દેવુ-બેંકો તથા મંડળીઓનુ પાક ધિરાણ 100% માફ કરવા તેમજ ખેડૂતોને નુક્સાનીનો સર્વે કર્યા વિનિ સીધી સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સાથોસાથ રાજુલા ધાતરવડી નદી ઉપર ઘારવડી-2 ના ડેમના દરવાજા કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર ખોલવાથી નિચાણવાળા ખેડૂતના ખેતરો ધોવાઈ ગયા છે. જે અધિકારોની અણ આવડતના કારણે બનેલ છે. અગાઉ થી આગાહી હોવા છતા ધીમે ધીમે પાણી છોડવુ જોઇતુ તે જવાબદાર અધિકારીના ભુલના કારણે ખેડૂતોના ખેતરના ધોવાણ થયા છે તો આ બાબતે સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. ત્યારે હવે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે ખેડૂતોને નુક્સાનીનુ વળતર ચુકવવા માટે તેવી ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોની માંગ છે. આ તકે ભારતીય કિસાન સંઘ જીલ્લા પ્રમુખ સામતભાઈ જેબલીયા, જીલ્લા કિસાન સંઘ મંત્રી વિનુભાઈ દુધાત, ધિરૂભાઈ ધાખડા, રાજુલા તાલુકા કિસાન સંઘ પ્રમુખ વિક્રમભાઈ ધાખડા તેમજ કિસાન સંઘના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં..



