ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
ભાજપના ઉમેદવાર તેમજ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા અને ભરત દોશી બાળપણથી મિત્ર છે. બંનેની બાળપણની મિત્રતા એટલી ગાઢ છે કે આજ સુધી બંને મિત્રોએ આ મિત્રતા જાળવી રાખી છે ત્યારે પોતાના મિત્રના જન્મદિવસે હાજર રહેવાનું પરસોતમભાઈ રૂપાલા ભૂલ્યા ન હતા. લોકસભા ચૂંટણીના પ્રચારમાં અતિ વ્યસ્ત હોવા છતાં સમય કાઢી બપોરના અરસામાં બાળમિત્ર ભરત દોશીના નિવાસ્થાને તેઓ પહોંચ્યા હતા. આ તકે ભરતભાઈની ધર્મપત્ની કલ્પનાબેન, પુત્ર વરુણ, પુત્રવધુ મિતાલી, દીકરી સલોની બધા ખુબ જ ભાવવિભોર થયા હતા.
પરસોતમભાઈ રૂપાલા આ તકે ભરત દોશીના કાલાવડ રોડ, ડેકોરા હિલ્સ સ્થિત નિવાસ્થાને પહોંચ્યા હતા. આ તકે પરસોતમભાઈ રૂપાલાએ ભરતભાઈ દોશીની દીર્ઘાયુની પ્રાર્થના સાથે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત સરકારના મંત્રી ભાનુબેન બાબરીયા, મનહરભાઈ બાબરીયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને સામાજીક, રાજકીય આગેવાનો સાથે ભોજન લીધું હતું.